pub-8726264906223836 વિચારોની વનમાળા

Wednesday, 7 May 2025

ઓપરેશન સિંદૂરનું પ્રેસ કોન્ફરન્સ કરનાર ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી

 ગરવી ગુજરાતણ :: લાઈવ પ્રેસ કોન્ફરન્સમાં ‘ઓપરેશન સિંદૂર’ની વિસ્તૃત જાણકારી બે મહિલા અધિકારીઓએ આપી. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ.

  - Ashish Kharod 



કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનાના Corps of Signals ના ઓફિસર છે અને ૨૦૧૬ માં ભારતના યજમાનપદે યોજાયેલ સૌથી મોટી Foreign Military Drill નું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા તરીકેનું સન્માન મેળવી ચુક્યાં છે.

ગુજરાતીઓ માટે ગૌરવની વાત એ છે કે, કર્નલ સોફિયા કુરેશી ગુજરાતી છે. બાયો કેમેસ્ટ્રીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરેલ સોફિયાના દાદા લશ્કરમાં હતા અને પોતે પણ લશ્કરી અધિકારી સાથે લગ્ન કર્યા છે.

પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરનાર આ બંને મહિલાઓની કારકિર્દી માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી, તે ભારતીય સેનાનો બદલાતો ચહેરો દર્શાવે છે—જ્યાં પુરુષ કે સ્ત્રી નહીં , પરંતુ લાયકાત અને સમર્પણને સન્માનિત કરાય છે. 

#જાણવું_ગમશે #વાંચેલું #opreshansindoor #ઓપરેશનસિંદૂર #JAYhindJAYbharat #જયહિન્દ #જયહિન્દકીસેના

Monday, 5 May 2025

પુસ્તક સમીક્ષા: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધુનિક ખતરાનો દિલધડક કહાણી 'લવ યુ કચ્છ'


 પુસ્તક સમીક્ષા: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધુનિક ખતરાનો દિલધડક કહાણી 'લવ યુ કચ્છ' 

- ડો. પૂર્વી ગોસ્વામી 


'કચ્છ ફાઇલ' અને 'લાઈફ IM પૉસિબલ' પછી ફરી એકવાર કચ્છને કેન્દ્રમાં રાખી લેખક પ્રફુલ શાહ દ્વારા સર્જાયેલુ તૃતીય નવલકૃતિ 'લવ યુ કચ્છ' એક અસાધારણ થ્રિલર છે, જેમાં કચ્છ માટેના અનહદ પ્રેમ અને બેહિસાબ નફરત આમનેસામને છે. અહિ કથાનક કચ્છની ધરતીથી શરૂ થાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકીય રમકડાં સુધી પહોંચે છે.


નવલકથામાં કચ્છ માત્ર ભૂમિ નથી, પણ એક જીવંત પાત્ર છે – "પોલીસતંત્રમાં હળવી કાનાફુસી ચાલતી હતી કે આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જરાય ઊંધુંચત્તું થયું તો ઘણાનું આવી બનશે. આ દેશની અને વડાપ્રધાનની ઇજ્જતનો સવાલ છે. જો કંઈ અજુગતું થયું તો આખી સરકાર, પોલીસતંત્ર અને અમલદાર શાહીમાં તળિયાઝાટક ફેરફાર નિશ્ચિત થશે, પણ... પણ ધોળાવીરામાં થવાનું છે શું? આ બધા પાછળ છે કોણ? એની કોઈને લેશમાત્ર જાણકારી નહોતી." ધોળાવીરામાં ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ સમિટ પર તોળાઈ રહેલું જોખમ, વડાપ્રધાન સહિતના વિશ્વભરના રાજકીય અને આર્થિક ધુરંધરોની અચાનક ઊભી થયેલી અસલામતીમાં કચ્છને ટાર્ગેટ કરાયું છે શા માટે? પ્રફુલ શાહની લેખણી એવી છે કે વાચક જાણે કચ્છના રણમાં ખુદ ઊતરી જાય છે. નાના ગામડાંમાંથી ઉઠતી અંદરની કૌટિલ્ય જેવી રણનીતિઓ અને ષડયંત્રો – અને એના સામેથી ઉભી થતી દેશભક્તિની દીવાલ – આ બધું આખરે માનવતાના વિજયમાં પીગળી જાય છે.


"આ દેશને ને કચ્છને બરાબર પાઠ ભણાવવો છે. આપણા સૌના જીવનની બરબાદીનું વળતર વસૂલ કરવું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે… ત્યાં સુધી જીવતેજીવ કે મર્યા બાદ પણ મારા મનને શાંતિ નહીં મળે." આ સાંભળીને ચાર જણા ઊભા થઈ ગયા, “પણ આપ શું વિચારો છો?” “વિચારવાનો સમય ક્યારનો ય ગયો? હવે તો એ વિચારને, એ પ્લાનને અમલમાં મૂકવાનો છે." મિર્ઝા ખડખડાટ હસવા માંડ્યો, “ના, કચ્છને ઇનામ મળશે, જરૂર મળશે, કારણ કે લવ યુ કચ્છ.” આવા વાક્યો વાંચીને વાચક જો કચ્છનો હોય તો જરા વાર માટે ગભરાઇ જાય કે ક્યાક હમણાં જ કોઈ અઘટિત ઘટના ન બની જાય! પાત્રો ભલે કલ્પિત હોય, પણ તેમની ચરિત્ર રચના જીવંત અને અસરકારક છે. મિર્ઝા, લવજી શર્મા, પ્રતાપ જેવા પાત્રો ગુજરાતી સાહિત્યમાં સંવાદો દ્વારા અસર છોડી જાય છે. કૃતિનો ક્લાઈમેક્સ તો ખાસ ઉલ્લેખપાત્ર છે. નવોદિત લેખિકા અને રહસ્યમય ડ્રાઇવર કથામાં સતત પડઘાતા રહસ્ય, રોમાંચ અને રોમાન્સ થકી વચ્ચે એક નવી જ ઊંચાઈ અને પરિમાણ આપે છે.

પ્રતાપ પગીએ ગંભીર અવાજમાં જવાબ આપ્યો, “જુઓ કચ્છમાં અંધાધૂંધીનો માહોલ ફેલાવવો હોય ત્યારે આ ગામ સંતાવા માટે ખૂબ સારું અને સલામત ગણાય. આમ છે રાજકોટના મોરબીમાં પણ એ સુરેન્દ્રનગરની પાસેના નાના રણના ટીકર તરફનું ગામ ગણાય. અહીં રણનોય લાભ મળે અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે અહીં સંતાવાથી કચ્છના પોલીસ અને સિક્યોરિટી એજન્સીની નજરથી દૂર રહેવાય અને પોતાના ટાર્ગેટથી નજીક પણ રહી શકાય.” આ આફતમાં એકાકી દુનિયામાં સરહદી જિલ્લાની સલામતીમાં ખૂબ મહત્વનુ સ્થાન ધરાવતા રણના પગીઓની ભૂમિકાનું મહત્વ આજની પેઢીઓને નલવકથા પરિચય કરાવે છે.

સમ ખાવા પૂરતી એકેય કડી કે માહિતી વગર સમય સાથેની દોડ જીતવી કેવી રીતે? એ સવાલ પર અટકી જવાને બદલે બધા એકજુટ થઈને વિનાશક આફતમાંથી કચ્છને બહાર લાવવા કઈ રીતે સફળ થાય છે તેની આ ગાથા છે.

એકદમ ફુલપ્રૂફ પ્લાનમાં પણ કચ્છને લવ કરતાં લોકો સામે હુમલાખોરો કઈ રીતે હારે છે એ જાણવાના સુખદ અંત સાથે પ્રફુલ શાહે કલ્પનાની દુનિયામાં જે રીતે જિવાડયા છે એ માટે એમનો આભાર.


લેખક પ્રફુલભાઈ વિશે વધુમાં કહેવું હોય તો, ‘જન્મભૂમિ', 'ગુજરાત સમાચાર', 'મિડ-ડે' અને ‘સમાંતર પ્રવાહ' જેવાં નામાંકિત અખબારોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સફળતાથી નિભાવ્યા બાદ પારિતોષિક વિજેતા અને વિક્રમસર્જક લેખક પ્રફુલ શાહ એશિયાના બે દાયકા જૂના ઐતિહાસિક અખબાર 'મુંબઈ સમાચાર'માંથી નિવૃત્ત થયા. હવે ફલટાઈમ પુસ્તક ઉપરાંત ફિલ્મ-વેબ શો અને એકથી વધુ પ્રખ્યાત અખબારોમાં કૉલમલેખનમાં સાથે પ્રવૃત્ત છે. તેમના યુદ્ધવીરો પરના પુસ્તક ‘યુદ્ધ કેસરી’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પારિતોષિકથી નવાજ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ગુજરાતી માધ્યમના ધો. ૧૨ના પાઠયપુસ્તક 'યુવક ભારતી’માં ‘દીપા મલિક - કંઈ જ અશક્ય નથી’ અને ધો. ૭ના ‘બાલભારતી’માં ‘એક જ વીરલો' નામના પ્રફુલ શાહ લિખિત પાઠ ભણાવાય છે.


પુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક થ્રીલર
લેખક -પ્રફુલ શાહ
પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી 2025
પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ
કિમત –રૂ. 299/-


Thursday, 3 March 2022

જ્યારે પાંજી બાઈયુંના બીજ રોપાયા.

5 ઓક્ટોબર 2019, જ્યારે પાંજી બાઈયુંના બીજ રોપાયા.

ઘણાં લોકો મને કહેતા હોય કે નાગરોને શોભે એટલી ડિગ્રીઓ તું મેળવી રહી છે. ત્યારે જીવીશ ત્યાં સુધી નવું- નવું શીખતી રહીશ અને એ શિખામણમાં ડિગ્રીઓ પ્રૂફ બને તો મને કોઈ વાંધો નથી. નવું શિખતા એક ડિગ્રી એવી મળી જેણે મારી લેખન યાત્રાને આગળ વધારવા નિમિત બની.

કિર્તિભાઈ ખત્રીએ તે જ મહિને ભાસ્કર જોઇન કર્યું હતું. અને મને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથીએ યોજાયેલ કચ્છ યુનિવર્સિટીના નવમા પદવીદાનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય દિગ્ગજોની ઉપસ્થિતિની પ્રેરક હાજરી વચ્ચે માસ્ટર ઓફ સોશ્યલ વર્ક ડિગ્રીમાં ગોલ્ડ મેડલ એનાયત થયેલો. જેનું મીઠું મોઢું કરાવવા દરેક સમાચાર પત્રોની ઓફિસે ગઈ હતી અને તંત્રીઓ પાસેથી શુભેચ્છા સંદેશ મેળવ્યા હતા.

પરંતુ ભાસ્કર દ્વારા મળેલ શુભેચ્છા સંદેશ અવિસ્મરણીય રહ્યો. તે દિવસે ભાસ્કરના તંત્રી વિપુલભાઈ ને મળવા જ્ઞેલી અને તેમણે નવનિયુક્ત અને ભાસ્કર પરિવારના નવા સભ્ય કિર્તિભાઈ ખત્રીને મળાવ્યા અને કહ્યું આપ જે મહિલા કેન્દ્રિત કટાર ચાલું કરવા લેખકની વાત કરી રહ્યા હતા તે માટે પૂર્વી યોગ્ય સાબિત થશે એવું મને લાગે છે. બસ પછી શું હોય!? પરિચિત નામોના લિસ્ટ આપીને કિર્તિ અંકલે કહ્યું મેં એ દરેક ને વાત કરી રાખી છે અને તને પણ કરું છું. એક નારીપાત્રનું જીવન ચરિત્ર મને તૈયાર કરીને આપ તો તારા લેખન વિષે મને ખ્યાલ આવે.

મેં કચ્છ મહિલા વિકાસ સંગઠનના ડાયરેકટર અરુણા બહેન જોશીને વાત કરી અને તેમણે મને કુકમાં ના સરપંચ કંકુબહેન વણકરને મળી તેના વિષે લેખ લખવા કહ્યું.

નંબર મેળવ્યા, ઔપચારિક વાતચિત કરી અને કંકુબહેનનો ઇન્ટરવ્યુ લખી કિર્તિ અંકલને બતાવ્યો.

તેમણે કહ્યું સરસ લખ્યું છે પણ મને પ્રશ્નોત્તરી સ્વરૂપે નહીં લેખ સ્વરૂપે જોઈએ. એવું લખીને આવજે અને સાથે તારી દ્રષ્ટિએ કચ્છી નારીનો પરિચય શું એ પણ!

ત્યાંથી છૂટા પડ્યા પછી મેં મનોમન વિચાર્યું આપણે એવું કઈ લખતા ફાવશે નહીં, સાહિત્યની સમજ પણ ઓછી છે અને લખીને એક બે સારા લેખો આપી પણ દીધા તો પાછળથી ઘણી તકલીફો થશે.

એ વાતને પડતી તો મૂકી દીધી પણ આ નવું સાહસ મારાં નસીબમાં સતત ટકોરા મારી રહી હતી. સંજોગો પણ ઊભા થયા કે આ સાહસને હકીકતે સફળતામાં ફેરવી શકું.

21 મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન ભુજમાં થઈ રહી હતી.

બે માસ અગાઉથી જ 33 ફૂટ ઊંચી સવા ત્રીસ લાખ રુદ્રાક્ષ નિર્મિત મહા શિવલિંગનું નિર્માણની તડમાર તૈયારીઓ ચાલી રહી હતી. દાનપ્રેમી અને શ્રમપ્રેમી લોકોની સાથે મુખ્ય કર્તા હર્તા તરીકે અમારો પરિવાર દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. દસ દિવસીય મહાશિવલિંગ નિર્માણ સાથે શિવ મહાકથાનું રસપાન કરવા કચ્છની લાખોની જનમેદની આવવાની છે એ ચિંતાએ વ્યવસ્થામાં કોઈ કમી ન રહે તેમાં રચ્યા પચ્યા હતા. અને આજ સમયગાળામાં વિપુલ અંકલે ફોન કરીને પૂછા પણ કરેલી કે કિર્તિ સાહેબે સોંપેલું કામ કરીને તું બતાવવા ન આવી? ત્યારે બહાનું આ જ પ્રસંગનું આપી દીધેલું.

જ્યારે આ દસ દિવાસીય કાર્યક્રમ ચાલું હતો તેમાં આમંત્રિત સૌ મહેમાનોમાં ભાસ્કર તંત્રી તરીકે વિપુલ અંકલનું પણ સૌજન્ય મેળવ્યું હતું. તેઓ પ્રસંગે આવ્યા ત્યારે પપ્પાને ફરિયાદ કરેલી કે પૂર્વી એ આ કાર્ય કર્યું નથી. એજ દિવસે પપ્પાએ કડક શબ્દોમાં સૂચન કર્યું કે તું આજે જ કિર્તિ સાહેબને ઓફિસે મળવા જજે અને એ કહે તે રીતે લેખ તૈયાર કરીને આપીશ. કિર્તિ અંકલને લેખ લખ્યા વગર મળવામાં સંકોચ થતો હતો એટલે લેખ લખીને બતાવવા મળવા ગઈ. ત્યારે અંકલે બસ સાદાં બે શબ્દોમાં કહ્યું: ‘વાંધો નહીં આવે.’ આ સાંભળી હું તો ખુશ ન થઈ, સામે પોળ ફાડીને પૂછ્યું શું લેખ બરાબર નથી? તેમણે કહ્યું ના બરાબર છે. ભલે તો જોઈએ આગળ શું કરી શકાય.

હું તો આશ્ચર્ય સાથે નીકળી હતી.

થોડા દિવસ પછી અંકલે કહ્યું કદાચ માર્ચમાં મંગળ વિશેષ મધુરિમા પૂર્તિમાં શરૂ કરવાનું વિચારીએ છીએ. હું તો ખુશ થઈ ગઈ. મેં કહ્યું પહેલા નહીં બીજા મંગલવારે શરૂ કરીએ કેમ કે દસમી મંગળવારે મારો જન્મ દિવસ છે.

દસમી તારીખ આવે એ પહેલા તો કોરોના ના કહેરે દેશ પર અસર જમાવવી શરૂ કરી દીધી હતી.

આ કોરોનાનો ગ્રહણ મને પણ લાગ્યો અને પૂર્તિઑ પર કાપ આવ્યો સમાચાર પત્રોના પેજ પણ ઘટવા લાગ્યા.

થોડા દિવસો નીકળતા અચાનક 25મી મે ના કિર્તિ અંકલે ફોન કરી મને પૂછ્યું તારી કૉલમનો લેખ આવતી કાલે જ છપાય તો કેવું રહે? મેં તો હા જ પાડી દીધી. પહેલો લેખ કેવો હોય, શું લખવું કેટલા શબ્દો રાખું કઈ જ ખબર નહીં. બસ જે સૂઝયું તે લખીને રૂબરૂ ઓફિસે ગઈ. અંકલ કહે તારી કૉલમનું નામ શું રાખવું છે? મને તો કઈ સૂઝે નહીં. ત્યાં જ બેઠા બેઠા શબ્દો નક્કી કર્યા, લોકોને પૂછ્યું અને ગૌતમભાઈ જોશીએ એક નામ આપ્યું પાંજી બાઈયું આ નામની છટ્ઠી 25મી ના થઈ અને 26મી એ જાહેરમાં લોકો સમક્ષ નામ હજાર થઈ ગયું. લેખિકા પૂર્વી ગોસ્વામીના નામ સાથે.

અનહદ ખુશીનો એ પહેલો દિવસ! હું અને મમ્મી બંને ખુશીના આંસુ રડી પડ્યા હતા. તે દિવસે મમ્મીએ કીર્તિ અંકલ સાથે વાત કરેલી અને આભાર વ્યક્ત કર્યો હતો.

કોઈ દિવસ વિચાર્યું ન હતું કે એક કટાર લેખિકા તરીકે પૂર્વી નામ લોકો સમક્ષ રજૂ થશે. પણ થયું!

આ સાહસે ફરી મારાં જીવનમાં એક નવો વળાંક ઊભો કર્યો, એક લેખક તરીકેનો! જોકે હું આજેય પોતાને લેખક નથી ગણતી.

હું લોકો દ્વારા કટાર ના માધ્યમથી વંચાઈશ કે નહીં એ તો ખબર ન હતી પણ હું કૉલમના પહેલા લેખમાં જ વંચાઇ હતી એનો પરચો સાંજે પાંચ વાગ્યે મળી ગયો. વિપુલ અંકલે ફોન કરીને કહ્યું એક પ્રબુદ્ધ વ્યક્તિ તારા સાથે વાત કરવા માંગે છે, તારા આજના લેખ અંગે તેમને સૂચનો આપવા છે અને લેખમાં લખાયેલી કચ્છી પંક્તિઓમાં કઈક ભૂલ છે એવું કહ્યું.

ભૂલ શું છે, એમને શું સૂચનો આપવા છે એનાથી મને કોઈ અસર ન પહોંચી પણ એક સારા સાહિત્યકારે કોલમનો છપાયેલો પહેલો લેખ વાંચ્યો એ સમાચારથી જ હું તો ખુશ થઈ ગઈ હતી.

મારી કૉલમને બે વર્ષ થયા પણ આજ સુધી એક પણ લેખ એવો નથી જેનો પ્રતીભાવ મને ન મળ્યો હોય.

કચ્છમાં સમાચાર પત્રોમાં ઈમેલ દ્વારા પ્રતીભાવ આપવાનું ચલણ ખૂબ ઓછો છે. શરૂમાં મને થતું મને લેખક તરીકે કોઈ ઓળખે નહીં તો મને પ્રતીભાવ ક્યારે મળશે? પરંતુ કૉલમ શરૂ થયાના પાંચ લેખ છપાય એ પહેલા જ ઈમેલથી પ્રતિભાવો મળવાના શરૂ થઈ ગયા હતા. અને એ પ્રતિભાવો આપનાર તમામ અપરિચિત.

આનંદનો વર્તારો આ હતો અને આજ પ્રેરક બળે સતત નવું નવું શોધવાની મારી ઝંખના પ્રબળ બનતી ગઈ.

જુદા - જુદા ક્ષેત્રના સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નારી પ્રતિભાઓની પ્રેરક જીવન ઝરમરને પ્રસ્તુત કરવાનું શરૂ થયેલું.

એ પછી 26 મી મે, 2020 થી ‘દિવ્ય ભાસ્કર’ ની મંગળ વિશેષ પૂર્તિ મધુરિમા અને પછીથી બુધવાર વિશેષ પૂર્તિ કળશમાં કટાર સ્વરૂપે ‘પાંજી બાઈયું' ના શીર્ષક હેઠળ જીવનચરિત્ર આલેખવાનું શરૂ થયું. એ કટાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આ પુસ્તક પ્રગટ કરવાનું શક્ય બન્યું છે.

‘પાંજી બાઈયું' લેખમાળામાં સમાવિષ્ટ નારીરત્નો ખાસ માવજતથી લખ્યાં છે, અમુક પાત્રો તો કચ્છ પ્રદેશનાં લેખન ઇતિહાસમાં વણઉકેલ્યા કોયડાની માફક હતા જેને પ્રથમ વખત લખીને સાહસ પણ ખેડયો છે. વિવિધ નારી પ્રતિભાઓ સાથે સંકળાયેલા તેમના વંશજો, મિત્રો તથા અન્ય સંબંધીઓ પાસેથી વિગતો મેળવીને તૈયાર કરાયાં છે.

અમુક દિવંગત ઉચ્ચ પ્રતિભાને કટારસંગ શ્રદ્ધાસુમન અર્પણ કરી શકી તે બદલ હું મારી જાતને ગૌરવવંત સમજુ છું.

નવું નવું શોધતા વિચારતાં કટાર ઇતિહાસની અટારીએ ડોકિયું કરતી જતી હતી અને લોકોની અપેક્ષા મારી કટાર, મારા શોધન પર વધતી જતી હતી.

એ સમય દરમિયાન અનેક મિત્રો અને વડીલ, માર્ગદર્શકોએ એવું સૂચન કર્યું કે, કચ્છની આ અમૂલખ પ્રતિભાઓનું સ્વતંત્ર પુસ્તક તૈયાર કરીને આપ તો જે નારીપાત્રો પરદે કે પીછે રહી ગયા છે તેમનું વિશેષ દસ્તાવેજરૂપ પુસ્તક લોકોને પ્રાપ્ય બને.  

આ વાત મનમાં સતત ઘૂમયા કરતી હતી. ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે લેખો ભેગા કરું, બધા જ લેખો સમાવવા કે પસંદગી કરું? વિવિધ પ્રશ્નોની સાથે પુસ્તકના સ્વરૂપે વિશેષ કાળજી શું લેવાતી હોય? પ્રકાશકો કોણ?, મુદ્રક કોણ બનશે? વગેરે પ્રશ્નોએ ઘર જમાવ્યો.

ખોજ અને ખાંખતનું પરિણામ છે પાંજી બાઈયું.

Thursday, 4 November 2021

80 વર્ષ પહેલાં ચાઇનીઝ ફટાકડા ન હતાં તોય પણ કચ્છના બાળકો ફટાકડાના ધડાકા બોલાવતાં હતા

આજની પેઢીએ તો તેનું નામ સુદ્ધાં નથી સાંભળ્યું તેવા સાધનોની વાત દિવાળીના ખાસ દિવસ પર રજૂ કરું છું.

ડૉ પૂર્વી ગોસ્વામી, ભુજ

કચ્છના દરેક ગામડામાં બાળકો દિવાળીના પર્વની ઉજવણી ફટાકડાં ફોડીને નહિ પણ અડી અને ગુડદિયો વછોડીને શેરીએ શેરીએ ધડાકા બોલાવતાં હતા. બાળકો આખું વર્ષ તેના આ શસ્ત્રને જતનથી સાચવી રાખતા અને દિવાળીના 10- 12 દિવસ પહેલાંથી ગામડાની શેરીએ શેરીએ ફરીને ધડાકા બોલાવતાં.

ગુડદિયો કહો, રુઓ કે પછી અડી - કોમીએકતા અને વિનિમય પ્રથાનું પ્રતિક છે આ સાધનો
એજ જૂના સમયમાં ફટાકડા કહેવાતા. 

તેનો અવાજ વધુ આવે તે માટેના અનેકાનેક ઉપાયો પણ રાચતાં, ઓટલે આરામ કરતા વડીલો કે બાઈયુંને હેરાન કરતાં તો ક્યારેક પશુ પક્ષીઓને ભગાડવા ફોડતા. 
 
દિવાળી-નવા વર્ષ નિમિત્તે ફરી એક વખત ફટાકડા ફોડવા તથા ન ફોડવા તે અંગે વ્યક્તિગત તથા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાઇનીઝ ઉત્પાદનોમાં ફટાકડાએ છેલ્લાં બે દાયકામાં ધૂમ મચાવી હતી પણ આજે ભારતીય લોકો સ્વદેશ વપરાશ તરફ આગળ વધ્યા છે ત્યારે કચ્છની દાયકાઓ જૂની પરંપરા યાદ કરવી ઘટે.

આજે 60 થી વધુની ઉંમર વટાવી ચૂકેલા લોકોએ પોતાનું બાળપણ યાદ કરતા અનુભવો મારી સમક્ષ રજૂ કર્યા હતા.
 
ડૉ હીરજી ભૂડિયા ઇતિહાસવિદ છે, મારા વડીલ અને માર્ગદર્શક પણ. વિદેશમાં બેઠેલા વડીલને વ્હોટસએપ કૉલ કર્યો હતો ત્યારે સહજ વાતચીત કરી રહ્યા હતાં કે વડીલ દિવાળીમાં ગામડે ગામડે શું થતું, કેમ ઉજવણી થતી... આજે જેમ રંગોળી, દીવા, મીઠાઈ, ગૃહ સુશોભન સિવાય પણ શું? એવું શું હતું કે જેની આજની પેઢીને નથી ખબર, એવી કઈ રીત પરંપરા ભુલાઈ ગઈ જેની આજની પેઢીને જાણ હોવી જોઈએ.
ભૂડિયા અંકલે ઘણી બધી વાતો કરી એમાં એક મુદ્દો આપ્યો કે તને રૂઓ શું છે ખબર છે? એ અમારા જમાનામાં ફટાકડા.
હવે તું તપાસ કરજે એના વિશે અને તારો જવાબ તે જ તારું હોમ વર્ક.
તેમણે કહ્યું કે, “આ સાધનોની પ્રાપ્તિ અંગે અનેક મતમતાંતરો છે, સનિષ્ઠ પુરાવા તો ધ્યાનમાં નથી પણ ઈ.સ. પૂર્વે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એવા મિશ્રણનો ઉલ્લેખ જોવા મળે છે, જે ઝડપભેર સળગતું હતું અને જ્વાળાઓ ઊભી કરતું હતું. અને જો તેને એક નળીમાં ભરી દેવામાં આવે તો તે મેળવણ ફટાકડામાં પરિવર્તિત થઈ જતું. એવી બાબત ક્યાંક વડીલો પાસેથી કે ભણવામાં સાંભળી હતી તેવું લોકોએ જણાવ્યું હતું. દુર્ભાગ્યને ડરાવીને કે ધમકાવીને દૂર કરવાનો ઉલ્લેખ ફટાકડા સ્વરૂપે કચ્છમાં જૂના સમયે અનોખી રીતે થયેલો છે.”
 
કચ્છ ઇતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજા અને મારા આદરણીય વડીલને પૂછ્યું કે બાપુ તમે બાળપણમાં ફટાકડાં તો હતા નહીં તો ધડાકા બોલાવવા શું કરતાં ? તેમણે તો પચાસ વર્ષ પહેલાની જૂની યાદો વાગોળતા કહ્યું, "ગંધ્રપ અને પોટાશ (સફેદ અને પીળો ગન પાઉડર) મિક્ષ કરીને જરફુસ (સફેદ કાગળ) માં ભરીને તેની ગોટી બનાવવામાં આવતી. તેને અડી'ના એક ભાગમાં નાખી બીજા ભાગે દીવાસળી મારીએ એટલે ફૂટતી. જેની સાઇઝ અડધાથી પોણા ફૂટની રહેતી અને લોખંડની બનાવટ હોય એટલે લુહારો બનાવીને આપતાં અને નીચે લાકડાનું બનાવેલું સ્ટેન્ડ હોય. તેનો આકાર 'મિની તોપ' જ જોઈ લ્યો."  
એમના ઘરે એમણ  વહુઓ પાસે ખાસ્સી મહેનત કરાવી અને અડી શોધી કાઢી. આટલું જ નહિ તેમના પૌત્રને કહ્યું આજે આપણે અડી વગાડવી છે. બાળકો તૈયાર થઈ ગયા અને ગન પાઉડરની ગોટી બનાવી, અડીમાં નાખી અને ખરેખર ધમાકો બોલાવ્યો. બાળકો પણ રોમાંચિત થઈ ગયા.
અને બાપુએ મને પણ એ વિડિયો મોકલ્યો. જેનું નામ મેં દિવાળી પહેલા સાંભળ્યું પણ ન હતું તે જોયું, અનુભવ્યું અને સ્ટોરી પણ બનાવી જે દિવાળીના દિવસે દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપરમાં છપાઈ તેનો વિશેષ આનંદ. 

મને વધુ જાણવાની તીવ્ર ઝંખના હતી એટલે ઓળખાણ ધરાવતા, પરિવારના તમામ ભાઈ, વડીલોને ફોન લગાવીને બસ આજ વાત જાણવા પ્રશ્નો કરતી રહી. તેમાં એક વાત સામાન્ય હતી... 45 - 50 વર્ષથી નાની વયના અને શહેરના લોકોને આ વિશે ખબર જ નથી.

ભાચુંડાના મારા મામા મહેશભાઈ ગોસ્વામીને પૂછ્યું તેમણ  કહ્યું, "આ સાધન સાથે અમારું તોફાની બાળપણ યાદ આવી ગયું. ગુડદિયાનો આકાર બંદૂક જેવો હતો જે લોખંડના સળિયાનું બનેલું સાધન હતું. જેમાં દારૂગોળો ભરીને પત્થર કે દીવાલ પર પછાડતા તો ધડાકો થતો અને આ અવાજના રોમાંચ સાથે અમારી દિવાળી ઉજવાતી. તે ઉજવણી, કોમીએકતા, વિનિમય પ્રથા અને ખેડૂતોની જરૂરિયાતનું સાધન હતું. જેનો લોખંડનો ઘાટ ગામના લુહાર ઘડી આપતા જેનું બદલીમાં તેને ધાન ભરી આપવામાં આવતું."
 
મારા પપ્પાના મિત્ર ચકાર કોટડાના ખેડૂત ગણપતભાઈ પટેલે કહ્યું, " અમારા જેવા બાળકો તહેવારોની ઉજવણી ગુડદિયો વગાડીને કરતા તો તે સિવાયના દિવસોમાં ખેડૂતો ખેતરમાં ધડાકા કરીને પક્ષીઓને ઉડાડવા તેનો ઉપયોગ કરતા હતા. ચાળીયા ઊભા કર્યા છતાંય પક્ષીઓ ઉડતા નહિ ત્યારે આ ગુડદિયો ફોડીને પંખીનો ત્રાસ દૂર કરતા જેથી ખેત પેદાશો ને નુકશાન થતા બચાવી શકાય. ગુડદિયામાં ફોડવા માટેનો દારૂગોળો પણ 25 પૈસામાં 200 ગ્રામ જેટલો આવતો જે આખો મહિનો ચાલતો. ગામડાના દરેક સામાન્ય પરિવારના ઘરમાં ગુડદિયો જોવા મળતો." 

ભૂડીયાઅંકલે, મહેશમામાએ, ગણપતકાકાએ જેની પાસે ગુડતિયાનો ફોટો ન હતો તેમણ મને તરત ચિત્ર દોરીને મોકલી આપ્યાં. આ તેમનો તેમની દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ જ છે. જેના થકી મારા જેવા અનેકો યુવાનોને આશરે 80 - 100 વર્ષ પહેલાંનો ઇતિહાસ અને રોચક બાબતો જાણવા મળશે.

તા: 04.11.2021
દિવાળીના શુભ દિને લખાયેલ નોંધ.

Sunday, 5 September 2021

Teachers Day

#teachersday 

સાચું કહું તો મેં કોઈ દિવસ કોઈ જ ગુરુને કોઈ પણ પ્રયુક્તિ અજમાવીને વંદન નથી કર્યા. (સોશિયલ મીડિયામાં સાથે જોડાયેલા ગુરુ શિક્ષકો જો આ પોસ્ટ વાંચશે તો મારી વાતને હામી ધરશે.)
હા પણ એવું નથી આ બાબતો પ્રત્યે આદર નથી કે વિરોધી છું.
પરંતુ એટલે કે કેટલાને અલગ અલગ કહેવું? જ્યારથી સમજતી થઈ, ગુરુના મહત્વને જાણ્યા પછી એક નિયમ રાખેલો.
ગુરુ દિવસ હોય ત્યારે આખા દિવસમાં જ્યારે પણ સમય મળે ગુરુમંત્ર બોલવું અને એક સિમ્પલ વાક્યમાં પ્રભુ પ્રાર્થના કરવી કે, ' મારા જીવનમાં ગુરુતુલ્ય જ્ઞાન અને મૂલ્ય વધારનાર, નિમિત્ત બનનાર સૌ વ્યક્તિનું ભલું થજો.'
આવું એટલે નક્કી કરેલું કે, જ્યારે આપણે ગુરુને વંદન કરીએ છીએ ત્યારે આભાર વ્યક્ત કરતા હોઈએ અને કહેતા હોઈએ કે 'આભાર તમારો તમે અમારા જીવનમાં આવ્યા અને જ્ઞાનરૂપી જ્યોત પ્રગટાવી.' તેમણે જ્ઞાનતેજ પ્રસરાવવા બદલ કર્મ આદર્યા અને એ કર્મના હિસાબ તો ઉપરવાળો કરવાનો છે. તો કેમ ને આપણે જ એ ઉપરવાળાને ગુરુના કર્મોને ઈશ્વર સુધી સીધા પહોંચાડી દઈએ. છેલ્લે આપણા અંતરની અભિલાષા પહોંચશે તો ત્યાં જ. (આ તો મારા વિચારો છે અને મારું અમલીકરણ છે એમાં કોઈ બંધનકર્તા નથી એટલે એવું કરું છું અને કરવું જોઈએ એવા આગ્રહને પણ નથી માનતી.)
ઘણા એવું પણ માનતા હશે કે અમુક રિવાજો કે પ્રથા ચાલુ રાખવી જોઈએ જેથી આવનારી પેઢીમાં મહત્વતાનું સિંચન કરી શકાય.
પણ મારા જેવા અપવાદો બધે હોય જ ને! 😉
 
મેં કોઈ બીબાઢાળ ડીગ્રીઓ તો નથી મેળવી પણ અનુભવ, જ્ઞાન અને અમુક ફોર્મલ પરીક્ષા પાસ કરીને વિદ્યાર્થીઓ સાથેના આ જ્ઞાન પરિવહનના ભંડારમાં ઝંપલાવ્યું.
હું હજુ પણ મારી જાતને શિક્ષક કે ગુરુની ઉપાધિ આપી શકવા સક્ષમ નથી, કારણ ? જે ખુદ હજુ જ્ઞાન, અનુભવ, પરમાર્થની ક્ષિતિજો પ્રાપ્ત કરવા ફાંફાં મારતી હોય તેને ઉપાધિ ન લેવી જોઈએ. 

એક ટિપિકલ પ્રથા અને બોલી છે, જીવનના દરેક તબક્કે, દરેક વ્યક્તિ પાસેથી, દરેક સંજોગોમાં કઈકને કઈક શીખવા મળે છે. અને એટલે જ જીવનના કોઈ પણ તબક્કે આપણે બોધપાઠ પ્રાપ્ત થાય તે નિમિત્ત પાત્રને શિક્ષક દિવસે ગુરુતુલ્ય માની આભાર કે વંદનની પ્રસ્તુતિ રજૂ કરતા હોઈએ છીએ. 

છેલ્લાં ત્રણ વર્ષથી મારી શિક્ષક તરીકેની અનાયાસે ઉપજેલી યાત્રા શરૂ થઈ છે એમાં શિક્ષક દિવસ કે ગુરુપૂર્ણિમા હોય એટલે શુભેચ્છાઓની ભરમાર હોય. મારી શૈક્ષણિકયાત્રા પણ ખૂબ લાંબી રહી, બલ્કે અભી ભી ચાલુ હૈ. જેણે મને ભણાવ્યા છે એ તો ખરાં પણ એમના સિવાયના શિક્ષકોએ પણ મને વિદ્યાર્થિની જેમ પાઠ ભણાવ્યા છે.

પ્રતિવર્ષ સરેરાશ 150 થીવધુ વિદ્યાર્થીઓ મારી પાસે આવીને ગયા હશે. મેં ઘણાને પાઠ ભણાવ્યા છે.. તીખાં, મધુરાં, કડવા બધા જ..... 😜😁
પણ છતાંય આ ખાસ દિવસો પર શુભેચ્છાઓનો ધસમસતો પ્રવાહ મારી સામે, મારી પાસે વહેતો રહ્યો છે.
ખરેખર આ પ્રવાહમાં રીતસર આભાસ થાય કે આપણે કોઈ દેવીદેવતા છીએ જે સહુના કલ્યાણ કરવા પૃથ્વી પર અવતરિત છે. (ખયાલી પુલાવ પકાવવાની કોઈને મનાઈ થોડી હોય એમાં આપણે પાછળ કેમ રહીએ!?)😂

એ અનુભવોમાં મેં ઘણું નિરીક્ષણ કર્યું છે કે, 
1. અમુક મારા જેવા હોય જે શિક્ષકોને ખૂબ માનભરી દૃષ્ટિએ સમજતા હોય પણ આ દિવસોમાં યાદ કરવા ફોર્મલ ન બને
2. અમુક ગુરુ માનતા ન હોય પણ માર્કસની અપેક્ષાએ ટોટલ ફોર્મલ બનતા હોય
3. અમુક રીતસરના બાજોઠે કંકુ ચાલ્લાના શણગારથી સજાવે, જે એવું માનતા હોય કે આપણે કશુંક શીખ્યા છીએ તો (ફોર્માલિટી) સોરી પ્રથા નિભાવવી જ પડે હો!
4. અમુક કે જે 'રાત ગઈ બાત ગઈ' જેવું કે ભણવાનું પત્યું એટલે (ફોર્માલિટી) સોરી પ્રથાને તિલાંજલિ આપી દે
5. અમુક તો જ્યારે ભણતા હોય ત્યારે જ એવું ન સમજતા હોય કે આપણા ગુરુ કોઈ હોઈ શકે, એ લોકો વિચારે કે જે શિખડાવે છે તે એના બદલે કોઈ પણ સ્વરૂપે વળતર મેળવી રહ્યા છે, એમની ફરજમાં આવે આ બધું.

પણ મને તો બધા પ્રકારના વિદ્યાર્થીઓ ગમે છે. કારણ કે ગુરુને ગમોઅણગમો ન રાખવો જોઈએ તો જ વિદ્યાદાન નિસ્વાર્થ આપ્યું ગણાય. 😇

મને અત્યાર સુધી મળેલા મોસ્ટ કોમન વાક્યો: 

▪️"મેડમ તમે અમારા ફ્રેન્ડ કમ ટીચર છો."❤️
▪️"મેડમ તમે અમારા ડિપાર્ટમેન્ટ ના યંગેસ્ટ ગુરુજી છો." 🥰
▪️"તમે ગુસ્સાવાળા પણ સાચા મેંટર છો.(એકે તો confess કરેલું મિસ તમે ગુસ્સો કર્યો તે દિવસે તમને મારી નાંખવાનો મન થયેલો પણ તમે બચી ગયા.)" 🥳

(વાક્યો સારું ખરાબ લગાડવા નહિ, યાદગીરી માટે મૂક્યા છે.) Views are personal.
Date: 5.9.21

Tuesday, 31 August 2021

શારીરિક- માનસિક જખ્મો ભરવાનું કામ કરતી ‘ધ મમ્મી’

 


પોલીસ, પોલિટિક્સ, પત્રકારત્વનું સંગમ રાચતી સહિષ્ણુ સમાજસેવિકા છે: ત્રિવેણીબહેન આચાર્ય

 

'જેને પ્રેમ કર્યો એણે જ મને વેંચી દીધી', 'ઔરત હોતી હી હૈ જિસ્મકી પ્યાસ બુઝાને કે લિયે', 'દીકરી વેંચીને રોટલો ખાઈ શકીશું', 'માલ કો બેચ માલ કમાયેંગે', 'ડિમાન્ડ હૈ સપ્લાય તો દેના હી પડેગા' વાક્યો પરથી સીધી ખબર પડે કે ક્યાંક ભૂખ સંતોષવા તો ક્યાંક પૈસા કમાવવા માનવવ્યાપ્ત દેહવેપારની વાત છે. 

અમાંગલિક દેહવેપાર અત્ર, તત્ર, સર્વત્ર છે. ઇતિહાસ કથિત કિસ્સાઓ તથા વર્તમાન પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. વિવિધ ભાષામાં વિવિધ સાહિત્ય પ્રકારે નગરવધુ, વેશ્યા, તવાયફ, સેક્સવર્કર, ગણિકાની વાતોને, ભાવનાઓને, પરિસ્થિતિઓને આલેખવામાં આવી છે. પણ સમાજથી તિરસ્કૃત મહિલાના જીવનને સમજતી મહિલા કે સંસ્થાને એકવાર તો સમજવું જોઈએ. ખેર સંસ્થાની વાત ફરી ક્યારેક માંડીશું આજે વાત કરીએ એક વિરાંગનાની. તેણે ગુલાબી સપનાં બતાવી પોતાના ચુંગલમાં ફસાવતાં દલાલોના સાર્વજનિક નેટવર્કમાંથી, છેલ્લા અઢી દાયકામાં 15000 થીવધુ દીકરીઓને રેસક્યુ કરી છે, જે 'રેસ્ક્યુ ફાઉન્ડેશન' ચલાવે છે.




આપણે તો વહુને આખી જિંદગી નીકળી જાય તોય ધિમાનવાનું ચૂકી જઈએ છીએ. પણ ત્રિવેણીબહેને તો હજારો પારકી દીકરીઓને પોતાની બનાવી છે. જેઓ તેમને મમ્મીકહીને જ બોલાવે છે. આ 'મમ્મી'એ પુત્રીનો ઉછેર, સારાં સંસ્કારોનું સિંચન, ભણતર આપવા સાથે રોજગાર મળી રહે તેવા પ્રયત્નો ઉપરાંત જે દીકરી ઈચ્છે તેમનું કન્યાદાન પણ કર્યું છે.

અનેકોવાર જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે બહેનને 24 કલાક પોલીસ રક્ષણમાં રહેવું પડે છે. ખરાં અર્થમાં બેટી બચાઓની કામગીરી કરનાર તે વીરાંગનાને સેવાનાં કામો કરવાં બદલ ઘણી ટીકાઓ સાંભળવી પડી છે. ઘરમાં પણ સખત વિરોધ થતો કે સમાજ કલ્યાણ બીજાં કામો છે, દેહ વ્યાપાર કરતી દીકરીઓને બચાવવાનો ભૂત ઉતારી નાખ. રેડલાઈટ એરિયામાં જ કામ કરવું જરૂરી નથી. એક તરફ માથાભારે શખ્સની ધમકીઓ હોય તો બીજી તરફ રાજકારણીઓનાં દબાણ પરંતુ ત્રિવેણીબહેન તદ્દન વિરુદ્ધ દિશામાં કામ કરતાં હોય, જરૂર પડે તો પતિનો સહારો લે અથવા પત્રકારત્વની તાકાત બતાવે. કશાયની પરવા કર્યા વિના બચાવ કામગીરીમાં દિલ-ઓ-દિમાગ ખપાવી દે.




વર્ષ 1993ની વાત છે. સુનિલ દત્ત રક્ષાબંધન રેડલાઈટ એરિયામાં ઉજવશે જેને ત્રિવેણીબહેન રૂબરૂ જઈ કવર કરવાની હિંમત બતાવી અને ગયા પણ. દલાલોના ચુંગલમાં ફસાયેલી દીકરીએ મદદ માંગી અને આ લાચારીભરી દાસ્તાનથી ત્રિવેણીબહેન હલબલી ગયા. તેઓ ઘરે આવ્યા અને પતિને રજુઆત કરી કહ્યું કે મારે એ દીકરીને બચાવવી છે.તેઓ પોલીસ મદદ સાથે દીકરીને બચાવવા ગયા ત્યારે બીજી 14 યુવતીઓએ આઝાદી માટે કણસવા લાગી. દારૂ-સિગારેટની આદત, ગાળો બોલવી, રાતે જાગે ને દિવસે ઊંઘે. તમામ ખરાબ આદતો સાથે એક કે બે નહિ; 15 દીકરીઓને ઘરે લઇ આવ્યા. દંપતીએ દીકરીઓને બચાવી તો લીધી પણ રાખવી ક્યાં? લોકોની મદદ માંગી તો જવાબ મળ્યો, 'સમાજસેવાનો ભૂત વળગ્યો છે તો ભોગવો'. નેપાળી ચહેરાં હતા એટલે ઘરે પરત મુકવા નેપાળ ગયા પણ 3-4 દીકરીને જ પોતાના ઘર યાદ હતા અને બાકીની દીકરીઓને ત્યાંની જ 'મૈતી' મહિલા આશ્રમમાં છોડી. 

આ અનુભવે દંપતીએ સમાજથી તિરસ્કૃત મહિલાવર્ગ માટે નેપાળની 'મૈતી' સંસ્થાની બ્રાન્ચ મુંબઈમાં ઉભી કરી અને રેડલાઇટ એરિયામાંથી શોષિત દીકરીઓને બહાર કાઢવા પ્રય્તનશીલ બન્યાં. પરંતુ આ પ્રયત્નો ખુબ કપરાં હતા. રોકાણ, મિલકત, દાગીના બધું વેંચી દીધું. આર્થિક ભીંસ સાથે પણ મનોબળ ગુમાવ્યા વિના સંકલ્પને જીવંત રાખ્યું. ત્રિવેણીબહેન કહે છે, 'સારું કામ કરો એટલે કુદરત મદદ કરે. એવું જ અહીંયા થયું. વર્ષ 2000માં અમેરિકાથી રિબોક કંપની દ્વારા એક લાખ ડોલરના પુરસ્કાર સાથે 'હ્યુમન રાઈટ એવોર્ડ' જાહેર થયો. પણ લેવા કેમ જવું? બેંક બેલેન્સ ન હતી એટલે વિઝા મળી નહીં. પણ સૌથી પહેલા રેસ્ક્યુ ઑપરેશન વખતે એક નેપાળી દીકરીને મુંબઈમાં નોકરી માટે સાથે લઇ આવેલા તેને પુરસ્કાર લેવા મોકલી. એ પુરસ્કારની રકમ અમારા માટે ખરેખર ખુબ મહત્વની હતી જેના સહારે અમે 'મૈતી' ને રેસ્ક્યુ ફાઉન્ડેશનનું નવું સ્વરૂપ આપી શક્યા. પછી તો વિવિધ દાતાઓની મદદથી વિશાળ સેન્ટર બનાવ્યું, એઇડ્સ હોસ્પિટલ બનાવી. વહીવટી જવાબદારી, કાનૂની કાર્યવાહી, દાનની સગવડ કરવી, સ્ત્રી સુરક્ષા અને સન્માનની જાળવણી કરવી એ સહેલી બાબત નથી. આજે તેમના સંસ્થા સંચાલનના સફળ સાહસો દિલ્હી, મુંબઈ, પુના અને પાલઘરમાં ચાલે છે. માનસિક- શારીરિક રીતે ઘવાયેલી દીકરીઓ કોઈ ખોટું ન કરી બેસે તે માટે સતત દેખરેખ રાખવી પડે. તેઓ પીડામાંથી બહાર આવે, હકારાત્મક નવજીવનની શરુઆત કરે તે માટેના તમામ પ્રયાસો બહેનની સંસ્થા કરે છે. તેમણે ગુજરાતનાં સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ ઘણી દીકરીઓને રેસ્ક્યુ કરી છે. જેને આ ઉમદા કામગીરી બદલ અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. 

રાપર તાલુકાના માથેલ ગામની પરાજીયા રાજગોર જ્ઞાતિની આ દીકરીના લગ્ન નવમાં ધોરણમાં હતી ત્યારે આર્મીમેન બાલકૃષ્ણ આચાર્ય સાથે થયેલા. લગ્ન પછી તેમણે ભણવાનું ચાલુ રાખ્યું, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વની બે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. 57 વર્ષીય મહિલા આજે ત્રીજી માસ્ટર ડિગ્રી સમાજકાર્ય વિષય સાથે ભણી રહી છે.

વર્ષ 2005માં પતિના મૃત્યુ બાદ સમાજની વચ્ચે પરિવારની સાથે રહી તમામ જવાબદારી બહેને એકલાં હાથે સંભાળી છે. તેઓ દિલેર સામાજિક કાર્યકર છે, જેણે પોતાના ઘરમા જ દોજખ જેવી જિંદગીમાંથી છૂટેલી સ્ત્રીઓની માવજત માટે શેલ્ટર હોમની શરૂઆત કરી હતી. તે સહિષ્ણુ પત્ની છે, જે પોતાના જ પતિને ગ્રાહક બનાવીને તે અરિયામાં મોકલતી અને પીડિત દીકરીઓને બચાવવા માટેની યોજના ઘડતી. ન્યુઝ પેપરમાં પ્રૂફ રીડર તરીકેની શરૂઆત કરતાં સ્પેશિયલ રિપોર્ટર તરીકેની ઉમદા કામગીરી કરી બતાવી. આટલું જ નહીં કૂટણખાનામાં ફસાયેલી સ્ત્રીઓને રેસક્યુ કરતી વખતે મળતી ધમકીઓ અને દબાણોને નીપટવા, સચ્ચાઈને બહાર લાવવા પત્રકારત્વના વ્યવસાયનો બખૂબી ઉપયોગ કર્યો, જે તેમની ભણતર સાથે ગણતરની સફળતા સૂચવે છે. તેમણે સંસ્થાની દીકરીઓને તૈયાર કરી છે અને કહે છે કે, ‘કાલસવારે હું નહીં હોઉં તોય મારી આ પેઢી બધું સંભાળી લેશે.




આપણાં કચ્છને રજવાડાઓએ અલગથી રેડ લાઈટ એરિયા ફાળવ્યો હતો જે સમય રહેતા વિલુપ્ત થયો પણ વ્યવસાય તો ફૂલ્યોફાલ્યો છે. આજે 20 હજાર થી વધુની બોલી એક સર્વિસ માટે ડિમાન્ડ કરવામાં આવે છે અને આ કોઈ મેટ્રોના ભાવ નથી. ઘણી શાખસંગત મહિલાઓ દલદલમાં ફસાયેલી રહી ગઈ હશે. કાશ ત્રિવેણીબહેન જેવા કોઈ મહિલા કચ્છને પણ મળે જે આ તિરસ્કૃત વર્ગ માટે નક્કર પરિણામો લાવી આપે!

 

 

કૉલમ: પાંજી બાઈયું

                                                       લેખક: ડૉ. પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

 

Sunday, 14 March 2021

Naoroji sisters part 2

ભૂલી ગયેલા ગાંધીવાદીને યાદ કરો: મૂળ કચ્છની નવરોજી બહેનો

‘1954માં પેરીનને પદ્મ શ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું.’

‘સ્વતંત્રતા સેનાની તરીકેના નવરોજી બહેનોના નિશ્ચય અને પ્રદાન માટે મહદઅંશે વૈશ્વિક ધ્યાન મળ્યું હશે પણ શું કચ્છમાં આપણે આપ્યું? એ ભારતના એવા મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની વાત છે જે 21મી સદીમાં ભૂલાઈ ગઈ છે.’

 આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં પારસીઓ ભલે ઓછા હોય પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. કચ્છના વિકાસમાં પારસીઓનો ફાળો વિશેષ છે. આ સંદર્ભે દાદાભાઈ પછી ડો. નૌશીર દસ્તૂર અને રુસ્તમજી ડાંગોર આ બે નામ મોખરે છે. ડો. નૌશીર કચ્છના પ્રથમ ધારાસભ્ય હતા. દાંતના ડોકટર તરીકેની તેમની સેવા ઉલ્લેખનીય હતી એટલે જ લઘુમતીમાં હોવા છતાય તેમનો સેવાભાવ ધારાસભ્ય બનવા ખરો સાબિત થયો. 17 વર્ષ સુધી નગરપતિ તરીકે સેવા આપનાર રુસ્તમજીનું નામ પણ નોંધનીય છે. ગુજરાતની એમટીઆર 29 નગરપાલિકાઓમાં શરૂ કરેલ નગર સમુદાય વિકાસ યોજનાનો પ્રારંભ કચ્છના માત્ર અંજારમાં રુસ્તમજીના પ્રયાસોથી કરવામાં આવેલ હતો. ખેર આપણે વાત કરીએ આપણી નવરોજી બહેનો વિષે.
 પેરીનબેનનો જન્મ 12 ઓક્ટોબર 1888ના રોજ માંડવીમાં થયો હતો. તેણે મુંબઇમાં શિક્ષણ મેળવ્યું હતું અને પેરિસ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચની ડિગ્રી પૂર્ણ કરી હતી. અભ્યાસ દરમિયાન તેઓ મેડમ ભીખાભાઇ કામા, લાલા હરદયાલ, શ્યામજી કૃષ્ણવર્મા જેવા ક્રાંતિકારીઓને મળ્યા અને ત્યારથી જ રાષ્ટ્રવ્યાપી આઝાદીની ચળવળમાં સક્રિય બન્યા હોવાનું મનાય છે.
 બહેન ગોશી લન્ડનમાં અભ્યાસ કરતી હતી. ભારતમાં બલિદાનની પરંપરા સાથે બંગાળ પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ક્રાંતિકારીઓ સફળ થયા હતા તેમાં ભારતીય કચ્છી યુવતી પણ ભળી. એક પોલિસ ક્રાન્તિકારી પાસે ગોશી અને પેરીનબેને બોમ્બવિદ્યા શીખી હતી. ઈન્ડો ઇજિપ્ત પરિષદમાં બ્રસેલ્સમાં ગોશીએ પ્રથમવાર વિશ્વના તખ્તાં પર ‘વંદે માતરમ’ ગીત ગાયું હતું, જરા વિચારો તે ક્ષણ કેવી રોમાંચક હશે?
 1911માં, પેરીન ભારત આવ્યા અને બ્રિટિશરોના હાથે તેણે અહીં ખૂબ જ અપમાનજનક ભેદભાવ અનુભવ્યો. 1919માં, પેરીન અને ગોશી મહાત્મા ગાંધીજીને મળ્યા અને ગાંધીજીના અનુયાયી બન્યા. તેમણે ગાંધીજીના 'વિદેશી છોડો, સ્વદેશી અપનાવો'ના અભિયાનને પગલે ખાદીનાં કપડાં પહેરવાનું શરૂ કર્યું અને ખાદી તથા હરિજન મુક્તિના પ્રમોશનમાં સામેલ થયા. સ્વદેશીની બનતી, દારૂ પર પ્રતિબંધ અને મહિલાઓનું આયોજન, પેરીનબેનનો પ્રિય વિષય બની ગયો હતો. 1921માં તેમણે સરોજિની નાયડુ સાથે રાષ્ટ્રીય સ્ત્રી સભાની રચનામાં નોંધપાત્ર યોગદાન આપ્યું, જે ગાંધીવાદી આદર્શો પર આધારીત મહિલા અભિયાન હતું.
 1925માં, પેરિને ધૂનજીશા કેપ્ટન સાથે લગ્ન કર્યા, જે વકીલ હતા. લગ્ન પછી પણ તે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી. 1930માં તે બોમ્બે પ્રાંતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટે ચૂંટાયેલી પ્રથમ મહિલા બની. તેમણે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરેલા સમૂહ અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો અને જેના કારણે તેમને ધરપકડ કરવામાં આવ્યા હતા અને 1930માં જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. 1932માં જેલમાંથી મુક્ત થયા પછી, પેરીનબેને ગાંધી સેવા સેનાના સચિવ તરીકે સેવા આપી હતી અને 1935માં સ્થાપિત હિન્દુસ્તાની પ્રચાર સભાના કાર્યમાં પણ જોડાયા હતા. તે મુંબઈ પ્રદેશ કોંગ્રેસની સંઘર્ષ સમિતિની પ્રથમ મહિલા પ્રમુખ હતી. તે વિનાયક દામોદર સાવરકરને લંડનની જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયામાં સામેલ હોવાનું કહેવાય છે. મેડમ કામા બગડેલી તબિયત સાથે ભારત પાછા ફર્યા અને મુંબઈની હોસ્પીટલમાં સારવાર લીધી હતી જ્યાં આ નવરોજી બહેનોએ તેમની શુશ્રુષા કરી હતી.
 તેમની સૌથી નાની બેન ખુરશીદ (1894-1966) તો આ બંને બહેનો કરતાં પણ વધુ બહાદુર હતી. રાષ્ટ્રવાદી ચળવળમાં પોતાને માટે વિશેષ અનોખી ભૂમિકા તેમણે ભજવી હતી. તે તો સંગીત નિષ્ણાત બની ગઈ હતી અને ફ્રાન્સના આધુનિક સંગીતકારોમાં તે ખૂબ લોકપ્રિય હતી. પરંતુ તેમણે ગાંધી સાથે કામ કરવા માટે 1920ના દાયકામાં આશાસ્પદ સંગીત કારકીર્દિ છોડી દીધી હતી. ખુરશીદે તો ઉત્તર- પશ્ચિમી પ્રાંતના ખુદાઇ ખિદમતગારો સાથે કામ કર્યું હતું અને કહેવાય છે કે ખાન અબ્દુલ ગફાર ખાન સાથે સૌથી નજીકના સંબંધ હતા અને અમુક વર્ષો તેને જેલમાં પણ વિતાવવા પડ્યા હતા. 1930માં, અમદાવાદની સરકારી કોલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાના પ્રયાસ માટે અન્ય ક્રાંતિકારીઓ સાથે ખુરશીદની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગાંધીના વિશ્વાસપાત્ર લેફ્ટનન્ટ હતા જેમણે હિન્દુ-મુસ્લિમ એકતાનો ઉપદેશ આપ્યો. તેમણે હિંદુ બંધકોની થઈ રહેલી અપહરણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો, જેને આ ક્ષેત્રમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા પણ માન્યતા મળી હતી. બીજી બહેન, નરગીસની સાથે, તેઓ “કેપ્ટન સિસ્ટર્સ” તરીકે જાણીતા બન્યાં કારણકે આ બહેનોએ કેપ્ટન પરિવારના ત્રણ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા.
 આઝાદીના શરૂઆતના વર્ષોમાં (1954માં) પેરીનને પદ્મ શ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વર્ષ 1958માં પેરીનનું અવસાન થયું. દુર્ભાગ્યે, નૌરોજીના પૌત્ર-પૌત્રમાંથી કોઈને પોતાનું સંતાન નહોતું અને તેથી નાઓરોજીના પરિવારની આ શાખા લુપ્ત થઈ ગઈ.
 ગાંધીજીના અનુયાયી પારસી બહેનોએ તેમનું આખું જીવન ભારતના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. દાદાભાઇ નવરોજીની પૌત્રી હોવાથી સ્વરાજ્યની ભાવના તેમના લોહીમાં ક્યાંક હાજર થઈ ગઈ હતી. સ્વતંત્રતા સેનાની તરીકેના તેમના નિશ્ચય અને પ્રદાન માટે મહદઅંશે વૈશ્વિક ધ્યાન મળ્યું હશે પણ શું કચ્છમાં આપણે આપ્યું? એ ભારતના એવા મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની વાત છે જે 21મી સદીમાં ભૂલાઈ ગઈ છે.


કૉલમ: “પાંજી બાઈયું”
        લેખક: ડો. પૂર્વી ગોસ્વામી
      Email: purvigswm@gmail.com

Naoroji Sisters part 1


 થોડા દિવસ પહેલા શ્રી વિષ્ણુ પંડ્યા લિખિત એક લેખ વાંચ્યો. શીર્ષક હતો, ‘થ્રી સિસ્ટર્સ: ફ્રોમ માંડવી ટુ લંડન વાયા પારિસ’. વાંચ્યા પછી ખબર પડી કે આ તો કચ્છના માંડવીની દીકરીઓ વિષેની વાત હતી. આજે હું વાત કરવા જઈ રહી છું એ છે; ભારતના મહાન સ્વાતંત્ર્યસેનાની દાદાભાઇ નવરોજીની પૌત્રીઓ પેરીન, ગોશી, ખુરશીદ, ડો. મેહેર જે 21મી સદીમાં ભૂલાઈ ગઈ છે. આપણી આ ચાર કચ્છી બહેનોની રસપ્રદ કહાની આપણે ભૂલી ગયા છીએ.
        ગુજરાતનાં કચ્છને પણ મહાન હસ્તીઓની ભૂમિ તરીકે ગણવામાં આવે છે. આ ધરાએ ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને જન્મ આપ્યો છે જેમણે રાષ્ટ્રની રક્ષા અર્થે પોતાના જીવનો બલિદાન આપવા તૈયારી બતાવી હોય. કચ્છના માંડવીની વાત કરીએ એટલે પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સ્વાતંત્ર્ય માટેની આગેકૂચ યાદ આવે. માંડવી હવે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મસ્થાન તરીકે અને ઐતિહાસિક સ્મારક ‘ક્રાંતિતીર્થ’નાં નામે જગવિખ્યાત બન્યું છે. ઇતિહાસનો યોગ એવો છે કે માંડવીમાં જન્મેલા શ્યામજીની સંગાથે છેક લંડનમાં આઝાદીની જંગમાં સહકર્મી દાદાભાઇ નવરોજીની પૌત્રીઓ હતી તે પણ માંડવીમાં જ જન્મી છે.
        કચ્છ મ્યુઝિયમના ભૂતપુર્વ ક્યુરેટર દિલીપભાઇ વૈદ્ય કહે છે કે, ‘આજે આ બહેનો વિષે આપણે વધુ નથી જાણતા, એના ઘણા કારણો હોઈ શકે પણ તેમાં મૂખ્ય છે કે પારસીઓ શાંતિપ્રિય હોય અને બીજી હકીકત એ પણ છે કે આજે કચ્છમાં દાદાભાઈ નવરોજીના પરિવારમાંથી કોઈ નથી બચ્યું એટલે તે પરિવારના ઇતિહાસનું સંવર્ધન નામશેષ બની જાય એ સ્વાભાવિક છે.’ તેમ છતાં પારસી 1812માં કચ્છ આવ્યા હતા જેમાં સ્કોટીશ બ્રિટિશ રાજકીય એજન્ટ મેક મર્ડોનો અંજાર ખાતેનો રહેણાંક બંગલો પુરાતત્ત્વીય સ્મારક તરીકે સચવાયો છે કારણ કે તેની અનન્ય કામગીરી એ આર્ટ પેઇન્ટિંગ્સ છે. તેમની પ્રથમ નોંધાયેલ વસ્તી 40 હતી જે 1921 માં સૌથી વધુ 68 પર પહોંચી હતી, જેમાં સૌથી વધુ 52 ભુજમાં રહેતા હતા. તેમની વચ્ચે એક અસામાન્ય સ્થળાંતર કરતો પરિવાર હતો. આ પરિવાર ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રખર નેતા દાદાભાઇ નવરોજીનો હતો.
        દાદાભાઇ નવરોજીને 'ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન' તરીકે ઓળખવામાં આવે છે. તે એક બૌદ્ધિક, શિક્ષણવિદ, અને ભારતના પ્રખ્યાત પ્રારંભિક રાજકીય અને સામાજિક નેતા હતા. દાદાભાઇ નવરોજી તે વ્યક્તિ હતા જેના કારણે મહાત્મા ગાંધીએ સ્વ-શાસન માટે પોતાનો જીવ આપ્યો. દાદાભાઇ નવરોજીના નાની ઉંમરે ગુલબાઈ શ્રોફ સાથે લગ્ન થયા હતા. તેમના ત્રણ બાળકો હતા: ડો.અરદેશર, જેમણે વીરબાઈ દાદિના સાથે લગ્ન કર્યા; શિરીન, જેણે ફ્રેમ દાદિના સાથે લગ્ન કર્યા અને માણેકબાઈ, જેમણે હોમી દાદિના સાથે લગ્ન કર્યા.
        કચ્છના રાજવીઓ સાથે દાદાભાઈના ગાઢ સંબંધો હતા. દાદાભાઈ નાનપણમાં જ ઈંગ્લેન્ડ ગયા હતા અને બ્રિટીશ સંસદના સભ્ય બન્યા હતા; તે સમયે તેમણે હોમરૂલની લડત લડી હતી, તેથી તેમણે સલામતીના કારણોસર પોતાના એકમાત્ર પુત્ર ડો. અરદેશરને મુંબઈથી કચ્છ ખસેડ્યો હતો. ડો.અરદેશર સપરિવાર કચ્છના માંડવી બંદરે સ્થાયી થયા હતા. તેમણે પોતાની તબીબી સારવાર માંડવીમાં ચાલુ રાખી હતી અને તેમને આઠ બાળકો હતાં, જેમાં પાંચ દીકરીઓ પેરીન, નરગીસ, ગોશી, મેહેરબાનુ, ખુરશીદ ત્રણ દીકરા જાલ, સરોસ અને કર્ષસ્પ. દાદાભાઈના રાજવી પરિવાર સાથેનાં સંબંધો એટલા નજીક હતા કે કચ્છ રાજવી પરિવારના સભ્યો સરોસ અને મેહેરને ‘મામા’ અને ‘માસી’ કહીને સંબોધન આપતા. ડો. અરદેશર ઓક્ટોબર 1893માં માત્ર 33 વર્ષની વયે અવસાન પામ્યા હતા જેની કબર આજે પણ માંડવી પારસીઓના કબ્રસ્તાનમાં છે. વીરબાઈ ભણેલા હોવાથી તેમને વહીવટી કામગીરીમાં મદદમાં લઈ શકાય તે હેતુથી મહારાઓશ્રીએ ડો. અરદેશરના પરિવારને રહેવા માટે ભુજમાં બંગલો આપ્યો જેથી આ પારસી પરિવાર ભુજમાં સ્થાયી થયો. ડો. અરદેશરનાં બાળકો ભુજની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણેલા હતા અને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઇ તથા ઇંગ્લેન્ડ ગયા હતા.
       ડો. અરદેશર નવરોજીના ઘણા બાળકોની કારકિર્દીમાં વિશિષ્ટ કારકિર્દી હતી. તેમની મોટી પુત્રી ડો. મેહેર, 1906માં ઇંગ્લેંડની એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલની ડિગ્રી મેળવનાર તે વર્ગમાં એકમાત્ર ભારતીય મહિલા હતા. તેણી કચ્છના પહેલા મહિલા તબીબ પણ હતા. તેઓ ડિગ્રી મેળવ્યા પછી સિંધ સ્થાયી થયા હતા પરંતુ કચ્છની સ્થાનિક લોકોની તબીબી સેવાર્થે કોઈ મહિલા તબીબ ન હોતા કચ્છમાં રાજવી પરિવાર દ્વારા બોલવવામાં આવ્યું અને ત્યારથી જીવનપર્યંત તેમણે ભુજના લોકોને તબીબી સારવાર આપી. ભુજવાલા પરિવાર ડો. મેહેર અને સરોસ વિષે કહે છેકે, ‘આ બંને ભાઈ-બહેનની રાજવી પરિવાર સાથે રોજની બેઠક થતી. સરોસ નવરોજી તો કચ્છના અટેચી કમિશ્નર પણ હતા. આ બંને ભાઈ-બહેને લગ્ન કર્યા ન હતા. ડો. મેહેર વિષે તેઓ વધુમાં કહે છેકે, તેઓ એકદમ સખ્ત વલણ ધરાવતા, કોઈ પણ તેમની ખોટી રીતે મસ્તી કરી શકે નહીં. ડો. મેહેર પહેલેથી કહેતા કે, હું મરું તો મને પારસીઓના કબ્રસ્તાનમાં લઈ જવું નહીં, તેમના રહેણાંકની જગ્યાએ જ પોતાની કબર બનાવવાની તેમની ઈચ્છા હતી. ખેર, એ રહસ્ય છે કે તેઓ પારસીઓના કબ્રસ્તાન પ્રત્યે અણગમો શા માટે ધરાવતા હતા? 1974માં 93 વર્ષની વયે ડો. મેહેર અવસાન પામ્યાં અને સાર્વજનિક જગ્યાએ અનુકૂળ ન બનતા તેમને ભુજ પારસીઓના કબ્રસ્તાનમાં જ જગ્યા આપવામાં આવી. ભુજ અને માંડવીમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ કબરોની દેખરેખ આજે 'કચ્છ પારસી અંજુમન ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવે છે.’
બીજી પારસી બહેનો વિષેની વાત આવતા અંકમાં કરીશું.


 કૉલમ: “પાંજી બાઈયું”
        લેખક: ડો. પૂર્વી ગોસ્વામી
      Email: purvigswm@gmail.com

Tuesday, 16 February 2021

સર્જનહારનું મજબૂત સર્જન – માતૃહૃદય


સર્જનહારનું મજબૂત સર્જન – માતૃહૃદય



કંસે તો દેવકીના તરત જન્મેલા છ પુત્રોને મારી નાખ્યા હતા, પણ કચ્છની દેવકીએ તો રાજકુંવરની રક્ષા ખાતર પોતાની નજર સામે છ દીકરાઓના અકાળ મૃત્યુ જોયા.

 

        માતૃહૃદય !! દુનિયાનો સર્વ શ્રેષ્ઠ પ્રેમ કે જેની તુલના અશક્ય છે, જેનો વિકલ્પ કાઈ જ નથી. સ્વર્ગથી પણ વધુ સુખ આપનારા આ માતૃપ્રેમને પામવા પ્રભુએ પણ પૃથ્વી પર અવતાર લેવું પડ્યું છે. તેમાં વિવિધતાનો પાર નથી, છતાય માતાને દરેક બાળક પ્રત્યે એક્યભાવ હોય છે. આજે આવા જ એક માતૃહૃદયને તમારી સમક્ષ રજુ કરવાની છે, જે કચ્છ પ્રદેશની “દેવકીમૈયા” હતી. કંસમામાએ તો દેવકીમૈયાના જન્મતાવૈત જ બાળકોની હત્યા કરી હતી જયારે “કચ્છની દેવકી – મલ્લણી”ના તો જુવાનજોધ છ - છ બાળકોની નિર્મમ હત્યા તેની સામે જ કરવામાં આવી. નિર્દયી રાવળે છછર બુટાના છ-છ  પુત્રોને તલવારના ઘા વડે કાપી નાખ્યા અને એ સ્વામીભક્ત મલ્લણીને પોતાના રાજકુંવરને બચાવવા આવું બલિદાન નિર્દયી બનીને જ આપવું પડ્યું.

“રાવર હમીર મારેઓ, ધિલમેં રખી ધગો,

ખેંગાર સાહેબ ગિની કરે, છચ્છર તેઆં ભગો.”

(જામ રાવળે મનમાં કપટ રાખીને જામ હમીરનો ઘાત કર્યો અને છચ્છર બૂટો કુંવર ખેંગારજી તથા સાહેબજીને લઈને નાસવા લાગ્યો.)

        આજથી 500 વર્ષ પહેલાનું કચ્છનું ઇતિહાસ જોઈએ તો માલુમ પડે કે આખાય કચ્છ પ્રદેશમાં કોઈ એક રાજા રાજ્ય ન કરતા પણ નાના મોટા ગરાસિયા પોતાની વાડ સિંહાસન તળે દબાવીને બેઠા હતા. આ દરેક ગરાસદારો એકબીજામાં વેર રાખતા અને લાગ મળે તો સંહારલીલા ચાલુ કરી દેતા. ત્યારે લાખાના પુત્ર રાવળ અને લાખિયાર વીયરાના રાજાનો પુત્ર હમીરજી એકબીજા સાથે યુદ્વ કરીને પોતાનો રાજ્ય વિસ્તારવા માંગતા હતા. રાવળ પોતાની યુક્તિ પર સફળ થયો અને હમીરજીને તેની આખી ટુકડી સાથે મારી નાખ્યો. રાવળ પણ હમીરજીના વંશને ખતમ કરીને રાજ્ય પડાવી લેવા માંગતો હતો પણ હમીરજીનો વફાદાર છછર બુટ્ટો તેના બંને રાજકુમારોને લઈને રેલડી ગામે આવ્યો અને મિત્ર ભીયાં કક્કલને આશરો આપવા કહ્યું. કક્કલ અને તેની પત્ની મલ્લણીએ રાજકુમારોની રક્ષાર્થે ઝૂંપડીની પાછળ ઘાસની ગંજી ઉકેલી પોલાણ કર્યું અને બે કુમારો સાથે બુટ્ટાને સંતાડી મુક્યા.


        હિંસક કંસે દેવકીના બાળકોને જન્મતાંવૈત પથ્થર પર પછાડી મારી નાખ્યા ત્યારે દેવકીનો આક્રંદ અસહનીય હતો. શાસ્ત્રોમાં આ પ્રસંગનો ઉલ્લેખ મળે છે કે માતા દેવકીએ પતિ વાસુદેવને કહેલું કે, આના કરતા તો મરી જાવું સારું. ત્યારે વાસુદેવે કહ્યું, આપણા શીરે મોટી જવાબદારી છે, જગતના નાથ શ્રીકૃષ્ણને તારા ગર્ભથી જન્મ લેવાનું છે, એટલે આપણે કુદરતની લીલાને સહન કર્યે જ છૂટકો! જે માતાએ નવ મહિના શિશુને ગર્ભમાં સેવ્યો છે અને તેને છાતી સરસો ચાંપે એ પહેલાં જ કંસ બાળકોની નિર્મમ હત્યાનો હતભાગી બને છે. જે ક્રૂરતાની સાંગોપાંગ આકારણી શાસ્ત્રોએ કરી છે તે ખરેખર હ્રદયધ્રાવક હતી. તો વિચાર કરો કે માતા મલ્લણીએ બાળકોને કેટકેટલાય આરમાનો સેવીને મોટા કર્યા હશે. પરંતુ અહિયાં તો જાણે આ બાળકો રાવળના હાથે પાકતી ઉમરે હલાલ થવા ઉછેરાયા હશે.


        જામ રાવળ આખાય પ્રદેશમાં શોધતો- શોધતો ભીયાં કક્કલને ત્યાં આવી પહોંચ્યો. તેણે બંને કુમારો ક્યાં છે? તે જણાવવા કહ્યું અને જો ખબર ન આપે તો મલ્લણીના બધા પુત્રોને મારી નાખવાની ધમકી આપી. જ્યારે મલ્લણી એ કહ્યું કે, કોઈ રાજકુમારો અહીંયા નથી’, ત્યારે રાવળે નિર્દયી બનીને એક પછી એક મલ્લણીના જુવાનજોધ ફૂલ જેવા છ - છ કુમારોને રેંસી નાખ્યા. ઘાતકી રાવળ પુત્રોને મારતો આવે છે અને મલ્લણી પોક મૂકીને પુત્રોની હત્યા પર આક્રંદ કરી રહી છે છતાંય રાવળને સહેજે રહેમ પડતો નથી. મલ્લણી એક માતા, હ્રદય પર પત્થર રાખીને પોતાની વહાલપના દરિયે મમતાની ઓછપ દાખવીને રાષ્ટ્રપ્રેમની બેમિશાલ મુર્તિરૂપ બની જાય છે.

“રાવળ કક્કલ મારેઆ, તાણે કરે તરાર,

ભીંયે સંધા ભાર, પછાડે પિથું કેઆ.”

(જામ રાવળે તેજસ્વી તલવાર ખેંચીને ભીંયા કક્કલના બાળકોના કટકે કટકા કરી નાખ્યા.)

        જયારે સાતમા પુત્રને મારવા રાવળ આગળ વધે છે, ત્યારે સેનાપતિ કહે છે કે, જો રાજકુમારો અહીંયા હોત તો મલ્લણી પોતાના છ - છ બાળકોની બલિદાની ન આપત. તે નિર્દોષ હશે એટલે તેના સાતમા પુત્રને છોડી દો. રાવળ ઝૂંપડીમાંથી નીકળતા પસ્તાતો હોય તેમ બહાર નીકળી જાય છે. તેના નીકળ્યા પછી ઘાસની ગંજીમાંથી બુટ્ટો અને બંને રાજકુમારો માવડી મલ્લણીને પ્રણામ કરતાં રવાના થઈ જાય છે. પણ સૌં રાજધર્મ નિભાવવા મજબૂર હતા. આમ દેવકીમૈયા મલ્લણીનો અમાપ બલિદાન પ્રદેશનાં વંશને બચાવી લેવા સક્ષમ બન્યું. પછી તો સૌ કોઈ જાણે છે કે, મોટા રાજકુમાર ખૈગારજીએ મહમદ બેગડાને સિંહથી બચાવ્યો હતો એટલે બેગડાએ લશ્કરી મદદ આપી ખૈગારજીને કચ્છ પર ચડાઈ કરવાની મદદ કરી અને કચ્છના રાપર કે જેનું મૂળ નામ સાપર હતું તેને જીતી લઈને ખેંગારજી પહેલાં એ પોતાની રાજગાદી મેળવી લીધી.

કચ્છ કક્કલેં રખેઓ, રખેઓ કાછે રા,

કાં વિયાણી મલ્લણી, કાં અકબર મા.”

        (ક્કક્લોએ કચ્છ અને કચ્છના માલિક્નું રક્ષણ કર્યું. દિલ્હીપતિ અકબરશાહને જન્મ આપવાને જેટલું માન તેની માતાને ઘટે છે તેટલું જ માન આ કક્કલ કુમારોને જન્મ આપનાર તેમની માતા મલ્લણીને પણ ઘટે છે.)

        પોતાના રાજ્ય પ્રત્યે વફાદારી દેખાડનાર કચ્છની માતા દેવકી મલ્લણીએ પોતાના છ-છ પુત્રોનો બલિદાન આપી દીધો. હૃદયના છ - છ ટુકડા થયા છતાંય રાજકુમારોનો અસ્તિત્વ ટકાવી રાખ્યું. આ ભક્તિભાવક કચ્છીબાઈને કચ્છ પ્રદેશની મહિલા કોઈ દિવસ ભૂલી શકશે નહીં. તો આવો આપણે સૌ સાથે મળી મમતાની મૂરત કચ્છજી બાઈ મલ્લણીને શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કરીએ. 

(પંક્તિ સૌજન્ય સાભાર: કચ્છ કલાધર-2)

 

 કૉલમ: પાંજી બાઈયું

તા: 17/02/2021 

                                                                લેખક: ડો. પૂર્વી ગોસ્વામી

                                                                         Email: purvigswm@gmail.com 

Thursday, 31 December 2020

Happy New Year!!

*#Welcome2021*
New Year Wishes!

ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सह वीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

 A time to let go and a time to learn new things, that is what happens when the New Year rings in. Let's come together to make success in our life.

🎊 Aum! Let there be peace in me!*
🎊 Let there be peace in my environment!*
🎊 Let there be peace in the forces that act on me!*

Watch The Video with Wonderful Message

https://youtu.be/UGqq3Vgm2is

Regards, 
 ```Dr. Purvi Goswami```

Tuesday, 3 November 2020

8) Don’t waste your time

 


Getting rid of unnecessary work and focus on something meaningful. Are you doing what needs to be done? If you find yourself doing too much work without seeing any meaningful results, it is time to start weeding out the activities that are time wasting. Spinning your wheels with no results is a clear sign that you are focusing your attention in the wrong place.

Monday, 2 November 2020

7) Think Win! Win!

 

Focus the mind on positives only Think Win! Win! Successful people fight off negativity at all costs because they are well aware of how badly they can damage their intended goals meant for success. Negativity does not have one positive outcome. As we already determined, time is money. Wasting time on negative thoughts will never make you money so block them from your life.

Surround yourself with positive people There is nothing worse than having a fire in your life extinguished by those that surround you. If the people in your life do not support you in a positive way they are dragging you down. It is best to avoid people who are negative and drag you down.

Sunday, 1 November 2020

6) Goals

 

It is wonderful that you want to be successful but what is it that you want to be successful at? Begin with the end in mind. It is very important to write down your goals. Goals help you keep focused on what's important and help you to develop more meaningful ideas. Goals to me are actually the most important thing I do. For the best results I write down my weekly, monthly, and yearly goals. I review them two times each week to not only remind myself where I want to be but also see what I have already accomplished. People who write down their goals on a consistent basis achieve much more in life because they are always moving forward.