pub-8726264906223836 વિચારોની વનમાળા: #Motivation #karma
Showing posts with label #Motivation #karma. Show all posts
Showing posts with label #Motivation #karma. Show all posts

Monday, 19 October 2020

નિષ્ફળતાથી જ સફળતાનો માર્ગ ઢૂંઢનાર: આશા ગઢવી


       જે ગામના દીકરાઓ માસ્ટર ડિગ્રી સુધી નથી પહોંચી શક્યા તે ગામની દીકરીએ તમામ દીકરાઓને પીછે છોડીને ગામ તથા ચારણ સમાજને ગૌરવ અપાવ્યું છે. પોતાના ગામમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરનાર અને એટલું જ નહીં સરકારી નોકરી મેળવનાર પહેલી દીકરી આશા ગઢવીની વાત આજે કરવાની છે. તેણે નાની ઉંમરે સંઘર્ષ વેઠયાં છે સાથે સાથે સફળતાના સોપાનો પણ સર કર્યા છે.

 

       મુંદ્રા તાલુકાના અતિ નાના ‘શેખડિયા ગામ’માં દીકરી- આશા; માતા દેવલબેન અને નાની બહેનની સાથે ખુશીથી રહે છે. આશા કહે છે કે, ‘પિતાનો વ્હાલસોયો પ્રેમ તો બાળપણથી જ ગુમાવી દીધેલો પણ માતાએ જ અમને બંને બહેનોને લાડકોડથી ઉછેરીને મોટા કર્યા છે. પિતાના વ્હાલની ખોટ તેમણે કદીય સાલવા નથી દીધી. હું જ્યારે આઠમાં ધોરણમાં નાપાસ થઇ ત્યારે નક્કી કર્યું હતું કે, મારે આગળ નથી ભણવું પણ મારી માતાએ જ મને આગળ ભણવા સમજાવી અને કહ્યું કે, જો હું ખુદ ચાલીશી વટાવ્યે અભ્યાસ પ્રારંભી શકું તો તું કેમ નહીં? હું મુંદ્રા તાલુકામાં રહેતી કેટલીય દીકરીઓને ભણતી કરવા તેમના પરિવારોને સમજાવું છું અને મારી દીકરી મારા અને ગામ માટે મિશાલ કાયમ ન કરી શકે એવું કેમ બને?’ આમ તેમનો મારા પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ સાચો સાબિત થયો અને ત્યારથી જ મેં ભણવા માટે પાછળ ફરવાનું કદી નથી વિચાર્યું. સક્ષમ જીવનનું હાલરડું મારી માતાએ મારા માટે એવું તે ગાયું કે છેક પોલીસની નોકરી સુધી પહોંચાડ્યું.’

       આશવાંગ ચેતનાની સાક્ષી આશાએ; ના સિર્ફ માતાનું નામ રોશન કર્યું છે પણ શેખડિયા ગામના ઉજ્જવળ ભવિષ્યની ચિનગારી સાબિત થઈ છે. સ્વાતંત્ર્ય દિને ગામની સૌથી વધુ અભ્યાસ કરનાર દીકરીના હાથે ધ્વજ વંદન કરાવવાની સરકારની પહેલ બાદ આશાને પોતાના ગામમાં બે વાર ધ્વજવંદન કરવાની તક મળી છે, જેની સફળતાએ અન્ય દીકરીઓને પણ આગળ ભણવા માટે પ્રેરણા પૂરી પાડી છે. જેના દ્વારા તેના પરિવારે ટીકાઓની મહામારીમાંથી પસાર થવું પડ્યું હતું; એ જ સમાજ અને એ જ ગામની દીકરીઓ માટે ‘આશા’ પ્રેરકરૂપ સાબિત થઈ છે આજે તેના લીધે ગામની અન્ય દીકરીઓ પોતાનું શાળાકીય જીવન હોંશેહોંશે આગળ વધારી શકી છે.

       આશા કહે છે કે, ‘હું અને મારી બહેન ભણવા મુંદ્રા જતાં તો પાછળ જાતજાતની વાતો થતી અને મારી માતાને બધા કહેતા કે તું તારી દીકરીઓને ભણવા બહાર મોકલે છે તો પછી તે તારા કહ્યામાં નહીં રહે, તેની સલામતીના જોખમે ભણાવાની શી જરૂર છે? પરંતુ આ દરેક વાતો લાંબી ચાલી શકી નહીં, અમારો માતા પર અને માતાનો અમ દીકરીઓ પરનો વિશ્વાસ અડગ હતો અને અમે માં ના ચિંધ્યા માર્ગે આજે સફળ બની શક્યા છીએ.’

       હાલમાં જ આશાને ગુજરાત સરકારની કોન્સ્ટેબલની ભરતીનો નિમણૂક પત્ર પ્રાપ્ત થયો છે અને ત્યારથી જ આશા વિધિવત ટ્રેનીગમાં જોડાઈ ગઈ છે. નકારનો આર મેળવતી નારી ભલે અબળા કહેવાય પણ તેની પાસે બુદ્ધિ ચાતુર્ય અને સહનશીલતા જેવા અસીમ શસ્ત્ર છે જેનાં ઉપયોગથી સ્ત્રીના સફળતાના માર્ગે તમામ પાસા સીધાં જ પડે છે.

       આશાનું બાળપણ પિતાની છત્રછાયા વગરનું વીતવું, પ્રાથમિક શિક્ષણ પછી આગળ ભણવા પરિવાર જ નહીં પણ ગામ અને સમાજની ટીકાઓને સહન કરવી, સામાન્ય ગરીબી સાથે જીવતા એક એક રૂપિયાનો હિસાબ સંતોષપૂર્વક મેળવવો, કોલેજ પછી માસ્ટર ડિગ્રી મેળવવા પોતાની સગાઈ તોડવા સુધીની નોબત સહન કરવી. આ બધા જ વાક્યો બોલવા કે લખવા સરળ હોઈ શકે પણ તે દરેક પરિસ્થિતિઓને જીવવું એટલું જ અઘરું છે. આ ‘માં –દીકરીઓએ’ આવી કપરી પરિસ્થિતીઓમાં કોણ જાણે કેટલાય દિવસો વિતાવ્યા હશે? પણ આશાના જીવનનાં ઉખાણાં તો આવી જ રીતે ઉકેલાયા છે. સ્ત્રી સ્વાવલંબનના કિસ્સાઓ લોકો સમક્ષ રજૂ થાય એ ખૂબ સારી બાબત છે અને જરૂરી એટલા જ છે પણ આ સ્વાવલંબનની યાત્રા કેટલી કઠિન હોય છે એની પરિકલ્પના આપણું હૈયું હચમચાવી દે છે.

       જ્યારે સ્વાવલંબનની રાહ પકડો ત્યારે આડે આવતી મુશ્કેલીઓ તમારી સફળતાના એક માર્ગને બંધ કરી નાખે પણ બીજા દ્વારો ખુલ્લાં કરી દે છે, મહિલા માટે કામ કરતી સંસ્થા કેએમવીએસના સહયોગથી વણથંભી વાટ પકડનારા દેવલબેન અને તેમના પરિવારને અદાણી ફાઉન્ડેશનની પણ ઘણી મદદ મળી છે. જેના લીધે પિતાની છત્રછાયા વગર જ આશા, એકવાલી માતાના સશક્તિકરણની જીવંત ઉદાહરણ સાબિત થઇ છે. સ્ત્રી સ્વાવલંબનના ત્રિસંગાથી આ ચારણ દીકરી આશા કચ્છની શિક્ષણથી વંચિત દીકરીઓને ભણતી કરવા માટે પ્રેરકરૂપ ઉદાહરણ છે.

       “આપણો પરિવાર અને સમાજ યશસ્વી બને તે આપણી જવાબદારી છે.” આ આશાનો સંકલ્પ છે; એનો અર્થ છે કે આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે તે સંલગ્ન થઈ ગઈ છે. ભવિષ્યમાં આશા જીપીએસસી વર્ગ 1ની પરીક્ષા પાસ કરીને રાજ્યને સમર્પિત સેવામાં પોતાની ફરજ અદા કરવા માંગે છે.



“કોઈનો સુધાર ઉપહાસથી નહીં, તેને નવી રીતે વિચારવાની અને બદલાવવાની તક આપવાથી થાય છે.” આશા રાખું કે, ‘આશા’ના આ પ્રેરક જીવનની કહાનીથી બીજી દીકરીઓ માટે વૈચારિક દ્રષ્ટિકોણ ધરાવતી હકારાત્મક આશાની કિરણ ફૂટશે.

 

કૉલમ: “પાંજી બાઈયું”

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

Saturday, 22 August 2020

कर्म


  1. कामयाबी हासिल करने से पहले आपको बहुत से छोटे छोटे प्रयास करने होते हैं, जिन्हें ना कोई देखता हैं, ना कोई साराहता हैं| 
  2. कर्म करते रहिए फल मिलते रहेंगे, इंसान का चेहरा क्रीम-पाउडर से नहीं; काबिलियत से चमका करता है| काबिलियत से सफलता मिलती है|
  3. कामयाबी कभी उम्र की मोहताज नहीं होती; इसके दरवाजे तो हमारे एक्टिव होते ही खुलने शुरू हो जाते हैं, बाकी तकिए से कील नहीं ठुकती और खाली बोरी कभी खड़ी नहीं होती|
  4. दिल से मेहनत करेंगे तो दुनिया की कोई भी मंजिल कभी बड़ी नही होती|  इसलिए उँची उड़ान के लिए हमेशा तैयारी करते रहे, पता नहीं सफलता का मौसम कब अनुकूल हो जाए|

Saturday, 13 June 2020

સંઘર્ષિત સમયમાં પણ સેવાની સુવાસ ફેલાવનારા ડૉ. શાંતુબેન પટેલને સમરું ફરી ફરી..!




જન્મજાત ખોડખાંપણ કે કુદરતી અથવા માનવસર્જિત દિવ્યાંગ્તા એ સમાજમાં બનતી આકસ્મિક ઘટના છે. આવી પ્રત્યેક ઘટનામાં કુદરત જો એક હાથે લઇ લે છે તો બીજા હાથે તેમના જીવનમાં છૂપી શક્તિ અને તાકાતનો સંચાર કરે છે. તેથી દિવ્યાંગ વ્યક્તિને દયાની નહી પણ પ્રેમ અને હુંફની જરૂર હોય છે તેનાથી દિવ્યાંગ વ્યક્તિઓ પણ સામાન્ય જીવન વ્યતિત કરી શકે છે. “આપણી પાસે બધું છે એટલે આપણે આ તરફ ધ્યાન નથી કરતા પણ જો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો સ્પેશિયલ બાળકો જ આપણી તરસ મટાડી શકે છે.” આવું માનનારા ડોં. શાંતુબેન પટેલ ધ્વારા નિર્માણ પામેલ ધન્વંતરિ સ્કુલમાં આજે સારવાર અને શિક્ષણ સાથે બાળકોનું ચારિત્ર્ય ઘડતર કરવામાં આવે છે. કચ્છમાં આવી બીજી સંસ્થાઓ છે છતાય ‘ધન્વંતરી’ની વાત પ્રેરણાદાયી બની જાય એનું મહત્વનું કારણ છે તેને મળેલી ડો. શાંતુબેન પટેલની સમર્પિત સેવાભક્તિ. બહારથી પોતાના નામની પ્રસિદ્ધિના અસંગી વ્યવસાયે ડોકટર હતા પણ તેઓ બાળકોની અવ્યક્ત ભાવનાઓના પરમ સમીપે પહોંચી શકતા.

આંખોમાં તેજ, ચહેરા પર સ્મિત અને ચાલમાં અનુશાસન. સાદું પણ ‘સેવા એજ ધર્મ’ના મસીહા ડોક્ટર શાંતુબેન મૂળ માધાપર કચ્છના પણ જીવનના પ્રારંભિક વર્ષો કેન્યામાં અને પછી ડોક્ટરની ડીગ્રી મેળવવા યુ.કે ગયેલા. પરંતુ મન તો માદરે વળગેલું એટલે યૂ.કે થી પરત ફરી વતનને જ કર્મભૂમિ બનાવ્યું. ભુજમાં જ તેમની ક્લિનિક, જેમાં બાળકોની સારવાર કરતાં. કચ્છના અંતરિયાળ ગામોમાંથી બાળકો ભુજ પહોંચી શકતા નહીં એટલે તેઓ કેમ્પ દ્વારા અને રસીકરણની જાગૃતિ અર્થે વારંવાર ગામડાઓમાં જઈને લોકોને જાગૃત કરતાં. બાળકોની સારવારમાં લાંબો સમય વ્યતીત થઈ જતો જેની તેમને પણ ખ્યાલ રહેતી નહીં, હા! પણ અતરંગના લોકો સાથે અંતઃ અવાજના અણસારે પોતાનો આશય સમજાવી દેતા. જ્યારે માનસિક - શારીરિક વિકલાંગ બાળકોની સારવાર કરવાની થતી ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠતું અને એટલે જ તેમણે ક્લિનિકના જ પ્રથમ માળે ૧૯૯૬માં ટ્રેનિંગ સેન્ટર બે બાળદર્દીની સાથે શરૂ કર્યું. ધીમે ધીમે જેમ બાળકોને ડાયગ્નોઝ કરતા તેમ બાળકોની સંખ્યા વધતી રહી. હજુ તો ત્રણ-ચાર વર્ષ થયા જ હતા કે કચ્છની ધરતીને ભૂકંપની મહામારીનો સામનો કરવો પડ્યો. આ ભયાનક આફતમાં દરેક વ્યક્તિ અસ્તિત્વને ટકાવી રાખવા સંઘર્ષ ખેડી રહ્યા હતા પણ અહીંયા દસ દિવસના ગાળામાં જ શાંતુબેન એ પોતાની અવિરત સેવા ચાલુ કરી દીધી. કામચલાઉ ધોરણે શાળામાં નવજાત શિશુનું યુનિટ ખોલી દેવામાં આવ્યું, જ્યાં તેઓ દિવસ-રાતની પરવા કર્યા વગર બાળદર્દીની સેવા કરતા. તેમની આ અનન્ય સેવાની નોંધ ઘણા વિદેશી લોકો અને સરકારે લીધેલી અને બીબીસી વર્લ્ડ દ્વારા તેમણે કરેલ કામગીરી પર ડોક્યુમેન્ટરી પણ બનાવાયેલી. ભૂકંપના દોઢેક માસમાં જ રેડક્રોસની સહાયથી બે ટેન્ટ બાંધી દીધેલાં. તે પછી તો ધીમે ધીમે પરિસ્થિતિઓ સુધરતી ગઈ અને ડોક્ટર શાંતુબેનની સેવાને જોઈને તેમના ચાઇલ્ડ વેલ્ફેર ટ્રસ્ટને ઘણા દાતાઓએ મદદ કરેલી અને 2008માં મુન્દ્રા રીલોકેશન સાઈડ પર માંડવીના દાતા પરિવાર દ્વારા ધન્વંતરિ સ્કૂલ માટે જમીનની ફાળવણી થઈ અને સંકુલનું બાંધકામ પૂર્ણ થયું.

1998થી સાથે જોડાયેલા શાળાના આચાર્યા ડિમ્પલબેનને એમના વિષે પૂછતાં જણાવે છે કે,

“આપણે આકાશમાં જેમ જેમ ઊંચા ઉડતા જઈએ છીએ,

તેમ તેમ જે ઉડી શકતા નથી એવા લોકો માટે

નાના ને નાના થતા જઈએ છીએ.”

ફ્રેડરિક નિત્સેના આ વાક્યને શાંતુબેનની ‘ડાઉન ટુ અર્થ પર્સનાલિટી’ સાચું સાબિત કરતી. શાંતુબેન એ અનુશાસનશીલ અને સાહસિક મહિલા હતા. મહેસાણા વોટરપાર્ક હોય કે આણંદનો પ્રવાસ તેઓ એકલા જ સ્ટાફ સાથે બાળકોને પ્રવાસમાં લઈ ગયેલા અને સામાન્ય બાળકોની જેમ જ તેમને મોજશોખ કરાવતા. તેમણે વાર્ષિક મહોત્સવ, બાળકોના જન્મદિવસ, તહેવારોની ઉજવણી, કાર્નિવલમાં ભાગ લેવું, નવરાત્રીની ગરબા સ્પર્ધામાં ભાગ લેવડાવવું એ બધું જ કરેલું જેથી આ બાળકો પાછા સામાન્ય જીવનમાં પદાર્પણ કરી શકે. બીજાં બાળકોની જેમ આ બાળકો પરિવાર સાથે રહે અને પરિવારના વાત્સલ્યથી વંચિત ન રહે એટલે જ તેમણે હોસ્ટેલનો કોઈ દિવસ આગ્રહ રાખેલો નહીં. બેંગ્લોર મુંબઈ વડોદરા ક્યાંય પણ સ્પેશિયલ ટ્રેનિંગ કરાવવાની હોય તો તેઓ ખુદ સ્ટાફની સાથે ચાલતા માર્ગદર્શન પુરૂં પાડતાં, તેઓ માત્ર બાળકો માટે જ નહીં પણ અમારા માટે પણ પ્રેરણાસ્ત્રોત હતા. તેઓ આનાપાનના પ્રખર પ્રણેતા હતા, એટલે બાળકોની માનસિક સ્વસ્થતા વધારવા આનાપાનના વર્ગો નિયમિત ચાલુ રાખવાનો આગ્રહ કરતા.

2013માં સિનિયર સિટીઝનનો એવોર્ડ મેળવનારા ડો. શાંતુબેનની સેવાને રાજ્ય કે દેશ નહીં પણ વિદેશથી ઘણી બધી સરાહના મળતી. ગર્વની વાત તો એ છે કે એક મહિલાના સાહસથી પ્રજ્વલિત આ સેવાની ધૂણી આજે અખંડિત છે. આજે પણ ધનવંતરીનું વહીવટ સંપૂર્ણ રીતે મહિલા દ્વારા નિર્વિવાદપણે ચલાવવામાં આવે છે. 110 બાળકોની સંખ્યા સાથે ધનવંતરી સ્કૂલમાં વોચમેન અને ડ્રાઇવર સિવાય કોઈ જ પુરુષ કર્મચારી કાર્ય કરતા નથી.

ડોં. શાંતુબેને બાળકોની આંગળી પકડી, સ્ટાફનો વાંસો થાબડ્યો, વાલીઓની ગતિને પ્રેરી, લોકોને સેવા કરવા ઉત્સાહ પ્રેર્યો અને વિપત્તિમાં સહભાગી બનીને પોતાના જીવનને સમેટી લીધું. “સ્નેહનું એક બિંદુ, બની ગયું સિંધુ. એક તરંગ બની વિસ્તર્યું.” નિર્જિવ શબ્દોમાં આપણા હૃદયનો સ્નેહરસ સીંચીને એમાં પ્રાણ ફૂંકવાનું આપણી આસપાસ -ચોપાસ ચાલતું જ રહે છે અને એના થકી જ અનેક સમસ્યાઓ અને પડકારો વચ્ચે પણ માનવીને જીવન જીવવા પ્રેરણા મળી રહે છે.


કૉલમ- "પાંજી બાઈયું"

પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર કચ્છ એડિશન

તારીખ: 02/06/2020