જન્મજાત ખોડખાંપણ કે કુદરતી અથવા માનવસર્જિત દિવ્યાંગ્તા એ સમાજમાં બનતી આકસ્મિક ઘટના છે. આવી
પ્રત્યેક ઘટનામાં કુદરત જો એક હાથે લઇ લે છે તો બીજા હાથે તેમના જીવનમાં છૂપી શક્તિ
અને તાકાતનો સંચાર કરે છે. તેથી દિવ્યાંગ વ્યક્તિને દયાની નહી પણ પ્રેમ અને હુંફની જરૂર હોય છે તેનાથી દિવ્યાંગ વ્યક્તિઓ પણ સામાન્ય જીવન વ્યતિત કરી શકે છે. “આપણી પાસે બધું છે એટલે આપણે આ તરફ
ધ્યાન નથી કરતા પણ જો ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો હોય તો સ્પેશિયલ બાળકો જ આપણી તરસ મટાડી શકે છે.” આવું માનનારા ડોં. શાંતુબેન પટેલ ધ્વારા નિર્માણ પામેલ
ધન્વંતરિ સ્કુલમાં આજે સારવાર અને શિક્ષણ સાથે બાળકોનું ચારિત્ર્ય ઘડતર કરવામાં
આવે છે. કચ્છમાં આવી બીજી સંસ્થાઓ છે છતાય ‘ધન્વંતરી’ની વાત
પ્રેરણાદાયી બની જાય એનું મહત્વનું કારણ છે તેને મળેલી ડો. શાંતુબેન પટેલની
સમર્પિત સેવાભક્તિ. બહારથી પોતાના નામની પ્રસિદ્ધિના અસંગી વ્યવસાયે ડોકટર હતા પણ તેઓ બાળકોની અવ્યક્ત ભાવનાઓના પરમ
સમીપે પહોંચી શકતા.
આંખોમાં તેજ, ચહેરા પર સ્મિત અને ચાલમાં અનુશાસન. સાદું પણ ‘સેવા એજ ધર્મ’ના મસીહા ડોક્ટર શાંતુબેન મૂળ માધાપર કચ્છના પણ જીવનના પ્રારંભિક
વર્ષો કેન્યામાં અને પછી ડોક્ટરની ડીગ્રી મેળવવા યુ.કે ગયેલા. પરંતુ મન તો માદરે વળગેલું એટલે યૂ.કે થી પરત ફરી વતનને જ કર્મભૂમિ બનાવ્યું. ભુજમાં જ તેમની ક્લિનિક, જેમાં બાળકોની સારવાર કરતાં. કચ્છના અંતરિયાળ ગામોમાંથી બાળકો ભુજ પહોંચી શકતા
નહીં એટલે તેઓ કેમ્પ દ્વારા અને રસીકરણની જાગૃતિ અર્થે વારંવાર ગામડાઓમાં જઈને લોકોને જાગૃત
કરતાં. બાળકોની સારવારમાં લાંબો સમય વ્યતીત થઈ જતો જેની
તેમને પણ ખ્યાલ રહેતી નહીં, હા! પણ અતરંગના લોકો સાથે અંતઃ અવાજના અણસારે પોતાનો આશય સમજાવી દેતા. જ્યારે માનસિક - શારીરિક વિકલાંગ બાળકોની સારવાર કરવાની થતી ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠતું અને એટલે જ તેમણે
ક્લિનિકના જ પ્રથમ માળે ૧૯૯૬માં ટ્રેનિંગ સેન્ટર બે
બાળદર્દીની સાથે શરૂ કર્યું. ધીમે ધીમે જેમ બાળકોને ડાયગ્નોઝ કરતા તેમ બાળકોની સંખ્યા વધતી રહી. હજુ તો ત્રણ-ચાર વર્ષ થયા જ હતા કે
કચ્છની ધરતીને ભૂકંપની મહામારીનો સામનો કરવો પડ્યો. આ ભયાનક આફતમાં દરેક વ્યક્તિ અસ્તિત્વને ટકાવી રાખવા સંઘર્ષ ખેડી રહ્યા હતા પણ
અહીંયા દસ દિવસના ગાળામાં જ શાંતુબેન એ પોતાની અવિરત સેવા ચાલુ કરી દીધી. કામચલાઉ ધોરણે શાળામાં નવજાત શિશુનું યુનિટ ખોલી દેવામાં આવ્યું, જ્યાં તેઓ દિવસ-રાતની પરવા કર્યા વગર બાળદર્દીની સેવા કરતા. તેમની આ અનન્ય સેવાની નોંધ ઘણા વિદેશી લોકો અને સરકારે લીધેલી અને બીબીસી વર્લ્ડ દ્વારા
તેમણે કરેલ
કામગીરી પર ડોક્યુમેન્ટરી પણ બનાવાયેલી.
ભૂકંપના દોઢેક
માસમાં જ રેડક્રોસની સહાયથી
બે ટેન્ટ બાંધી દીધેલાં. તે પછી તો ધીમે ધીમે પરિસ્થિતિઓ સુધરતી ગઈ અને
ડોક્ટર શાંતુબેનની સેવાને જોઈને તેમના ચાઇલ્ડ વેલ્ફેર ટ્રસ્ટને ઘણા દાતાઓએ મદદ કરેલી અને 2008માં
મુન્દ્રા રીલોકેશન સાઈડ પર માંડવીના દાતા પરિવાર દ્વારા ધન્વંતરિ સ્કૂલ માટે જમીનની ફાળવણી થઈ અને સંકુલનું બાંધકામ પૂર્ણ થયું.
1998થી સાથે જોડાયેલા શાળાના આચાર્યા ડિમ્પલબેનને એમના વિષે પૂછતાં જણાવે છે કે,
“આપણે આકાશમાં જેમ જેમ ઊંચા ઉડતા જઈએ છીએ,
તેમ તેમ જે ઉડી શકતા નથી એવા લોકો માટે
નાના ને નાના થતા જઈએ છીએ.”
ફ્રેડરિક નિત્સેના આ વાક્યને શાંતુબેનની ‘ડાઉન ટુ અર્થ પર્સનાલિટી’ સાચું સાબિત કરતી. શાંતુબેન એ અનુશાસનશીલ
અને સાહસિક મહિલા હતા. મહેસાણા વોટરપાર્ક હોય કે આણંદનો પ્રવાસ તેઓ એકલા જ સ્ટાફ સાથે બાળકોને પ્રવાસમાં લઈ ગયેલા અને સામાન્ય બાળકોની જેમ જ તેમને મોજશોખ કરાવતા. તેમણે વાર્ષિક મહોત્સવ, બાળકોના જન્મદિવસ, તહેવારોની ઉજવણી, કાર્નિવલમાં ભાગ લેવું, નવરાત્રીની ગરબા સ્પર્ધામાં ભાગ લેવડાવવું એ બધું જ કરેલું જેથી આ બાળકો પાછા સામાન્ય જીવનમાં પદાર્પણ કરી
શકે. બીજાં બાળકોની જેમ આ બાળકો પરિવાર સાથે રહે
અને પરિવારના વાત્સલ્યથી વંચિત ન રહે એટલે જ તેમણે
હોસ્ટેલનો કોઈ દિવસ આગ્રહ રાખેલો નહીં. બેંગ્લોર મુંબઈ વડોદરા ક્યાંય પણ સ્પેશિયલ
ટ્રેનિંગ કરાવવાની હોય તો તેઓ ખુદ સ્ટાફની સાથે ચાલતા માર્ગદર્શન પુરૂં પાડતાં, તેઓ માત્ર બાળકો માટે જ નહીં પણ અમારા
માટે પણ પ્રેરણાસ્ત્રોત હતા. તેઓ આનાપાનના પ્રખર પ્રણેતા હતા, એટલે બાળકોની માનસિક સ્વસ્થતા વધારવા આનાપાનના વર્ગો નિયમિત
ચાલુ રાખવાનો આગ્રહ કરતા.
2013માં સિનિયર સિટીઝનનો એવોર્ડ મેળવનારા ડો. શાંતુબેનની સેવાને
રાજ્ય કે દેશ નહીં પણ વિદેશથી ઘણી બધી સરાહના મળતી. ગર્વની વાત તો એ છે કે એક મહિલાના
સાહસથી પ્રજ્વલિત આ સેવાની ધૂણી આજે અખંડિત છે. આજે પણ ધનવંતરીનું વહીવટ સંપૂર્ણ રીતે મહિલા દ્વારા નિર્વિવાદપણે ચલાવવામાં
આવે છે. 110 બાળકોની સંખ્યા સાથે ધનવંતરી સ્કૂલમાં
વોચમેન અને ડ્રાઇવર સિવાય કોઈ જ પુરુષ કર્મચારી કાર્ય કરતા નથી.
ડોં. શાંતુબેને બાળકોની આંગળી પકડી, સ્ટાફનો વાંસો થાબડ્યો, વાલીઓની ગતિને પ્રેરી, લોકોને સેવા કરવા ઉત્સાહ પ્રેર્યો અને વિપત્તિમાં સહભાગી બનીને પોતાના જીવનને સમેટી લીધું. “સ્નેહનું એક બિંદુ, બની ગયું સિંધુ. એક તરંગ બની વિસ્તર્યું.” નિર્જિવ શબ્દોમાં આપણા હૃદયનો સ્નેહરસ સીંચીને એમાં પ્રાણ ફૂંકવાનું આપણી
આસપાસ -ચોપાસ ચાલતું જ રહે છે અને એના થકી જ અનેક સમસ્યાઓ અને પડકારો વચ્ચે પણ
માનવીને જીવન જીવવા પ્રેરણા મળી રહે છે.
કૉલમ- "પાંજી બાઈયું"
પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર કચ્છ એડિશન
તારીખ: 02/06/2020
😘😘😘
ReplyDelete