pub-8726264906223836 વિચારોની વનમાળા: #પાંજી બાઈયું #women
Showing posts with label #પાંજી બાઈયું #women. Show all posts
Showing posts with label #પાંજી બાઈયું #women. Show all posts

Tuesday, 31 August 2021

શારીરિક- માનસિક જખ્મો ભરવાનું કામ કરતી ‘ધ મમ્મી’

 


પોલીસ, પોલિટિક્સ, પત્રકારત્વનું સંગમ રાચતી સહિષ્ણુ સમાજસેવિકા છે: ત્રિવેણીબહેન આચાર્ય

 

'જેને પ્રેમ કર્યો એણે જ મને વેંચી દીધી', 'ઔરત હોતી હી હૈ જિસ્મકી પ્યાસ બુઝાને કે લિયે', 'દીકરી વેંચીને રોટલો ખાઈ શકીશું', 'માલ કો બેચ માલ કમાયેંગે', 'ડિમાન્ડ હૈ સપ્લાય તો દેના હી પડેગા' વાક્યો પરથી સીધી ખબર પડે કે ક્યાંક ભૂખ સંતોષવા તો ક્યાંક પૈસા કમાવવા માનવવ્યાપ્ત દેહવેપારની વાત છે. 

અમાંગલિક દેહવેપાર અત્ર, તત્ર, સર્વત્ર છે. ઇતિહાસ કથિત કિસ્સાઓ તથા વર્તમાન પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. વિવિધ ભાષામાં વિવિધ સાહિત્ય પ્રકારે નગરવધુ, વેશ્યા, તવાયફ, સેક્સવર્કર, ગણિકાની વાતોને, ભાવનાઓને, પરિસ્થિતિઓને આલેખવામાં આવી છે. પણ સમાજથી તિરસ્કૃત મહિલાના જીવનને સમજતી મહિલા કે સંસ્થાને એકવાર તો સમજવું જોઈએ. ખેર સંસ્થાની વાત ફરી ક્યારેક માંડીશું આજે વાત કરીએ એક વિરાંગનાની. તેણે ગુલાબી સપનાં બતાવી પોતાના ચુંગલમાં ફસાવતાં દલાલોના સાર્વજનિક નેટવર્કમાંથી, છેલ્લા અઢી દાયકામાં 15000 થીવધુ દીકરીઓને રેસક્યુ કરી છે, જે 'રેસ્ક્યુ ફાઉન્ડેશન' ચલાવે છે.




આપણે તો વહુને આખી જિંદગી નીકળી જાય તોય ‘ધિ’ માનવાનું ચૂકી જઈએ છીએ. પણ ત્રિવેણીબહેને તો હજારો પારકી દીકરીઓને પોતાની બનાવી છે. જેઓ તેમને ‘મમ્મી’ કહીને જ બોલાવે છે. આ 'મમ્મી'એ પુત્રીનો ઉછેર, સારાં સંસ્કારોનું સિંચન, ભણતર આપવા સાથે રોજગાર મળી રહે તેવા પ્રયત્નો ઉપરાંત જે દીકરી ઈચ્છે તેમનું કન્યાદાન પણ કર્યું છે.

અનેકોવાર જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે બહેનને 24 કલાક પોલીસ રક્ષણમાં રહેવું પડે છે. ખરાં અર્થમાં ‘બેટી બચાઓ’ની કામગીરી કરનાર તે વીરાંગનાને સેવાનાં કામો કરવાં બદલ ઘણી ટીકાઓ સાંભળવી પડી છે. ઘરમાં પણ સખત વિરોધ થતો કે સમાજ કલ્યાણ બીજાં કામો છે, દેહ વ્યાપાર કરતી દીકરીઓને બચાવવાનો ભૂત ઉતારી નાખ. રેડલાઈટ એરિયામાં જ કામ કરવું જરૂરી નથી. એક તરફ માથાભારે શખ્સની ધમકીઓ હોય તો બીજી તરફ રાજકારણીઓનાં દબાણ પરંતુ ત્રિવેણીબહેન તદ્દન વિરુદ્ધ દિશામાં કામ કરતાં હોય, જરૂર પડે તો પતિનો સહારો લે અથવા પત્રકારત્વની તાકાત બતાવે. કશાયની પરવા કર્યા વિના બચાવ કામગીરીમાં દિલ-ઓ-દિમાગ ખપાવી દે.




વર્ષ 1993ની વાત છે. સુનિલ દત્ત રક્ષાબંધન રેડલાઈટ એરિયામાં ઉજવશે જેને ત્રિવેણીબહેન રૂબરૂ જઈ કવર કરવાની હિંમત બતાવી અને ગયા પણ. દલાલોના ચુંગલમાં ફસાયેલી દીકરીએ મદદ માંગી અને આ લાચારીભરી દાસ્તાનથી ત્રિવેણીબહેન હલબલી ગયા. તેઓ ઘરે આવ્યા અને પતિને રજુઆત કરી કહ્યું કે ‘મારે એ દીકરીને બચાવવી છે.’ તેઓ પોલીસ મદદ સાથે દીકરીને બચાવવા ગયા ત્યારે બીજી 14 યુવતીઓએ આઝાદી માટે કણસવા લાગી. દારૂ-સિગારેટની આદત, ગાળો બોલવી, રાતે જાગે ને દિવસે ઊંઘે. તમામ ખરાબ આદતો સાથે એક કે બે નહિ; 15 દીકરીઓને ઘરે લઇ આવ્યા. દંપતીએ દીકરીઓને બચાવી તો લીધી પણ રાખવી ક્યાં? લોકોની મદદ માંગી તો જવાબ મળ્યો, 'સમાજસેવાનો ભૂત વળગ્યો છે તો ભોગવો'. નેપાળી ચહેરાં હતા એટલે ઘરે પરત મુકવા નેપાળ ગયા પણ 3-4 દીકરીને જ પોતાના ઘર યાદ હતા અને બાકીની દીકરીઓને ત્યાંની જ 'મૈતી' મહિલા આશ્રમમાં છોડી. 

આ અનુભવે દંપતીએ સમાજથી તિરસ્કૃત મહિલાવર્ગ માટે નેપાળની 'મૈતી' સંસ્થાની બ્રાન્ચ મુંબઈમાં ઉભી કરી અને રેડલાઇટ એરિયામાંથી શોષિત દીકરીઓને બહાર કાઢવા પ્રય્તનશીલ બન્યાં. પરંતુ આ પ્રયત્નો ખુબ કપરાં હતા. રોકાણ, મિલકત, દાગીના બધું વેંચી દીધું. આર્થિક ભીંસ સાથે પણ મનોબળ ગુમાવ્યા વિના સંકલ્પને જીવંત રાખ્યું. ત્રિવેણીબહેન કહે છે, 'સારું કામ કરો એટલે કુદરત મદદ કરે. એવું જ અહીંયા થયું. વર્ષ 2000માં અમેરિકાથી રિબોક કંપની દ્વારા એક લાખ ડોલરના પુરસ્કાર સાથે 'હ્યુમન રાઈટ એવોર્ડ' જાહેર થયો. પણ લેવા કેમ જવું? બેંક બેલેન્સ ન હતી એટલે વિઝા મળી નહીં. પણ સૌથી પહેલા રેસ્ક્યુ ઑપરેશન વખતે એક નેપાળી દીકરીને મુંબઈમાં નોકરી માટે સાથે લઇ આવેલા તેને પુરસ્કાર લેવા મોકલી. એ પુરસ્કારની રકમ અમારા માટે ખરેખર ખુબ મહત્વની હતી જેના સહારે અમે 'મૈતી' ને રેસ્ક્યુ ફાઉન્ડેશનનું નવું સ્વરૂપ આપી શક્યા. પછી તો વિવિધ દાતાઓની મદદથી વિશાળ સેન્ટર બનાવ્યું, એઇડ્સ હોસ્પિટલ બનાવી. વહીવટી જવાબદારી, કાનૂની કાર્યવાહી, દાનની સગવડ કરવી, સ્ત્રી સુરક્ષા અને સન્માનની જાળવણી કરવી એ સહેલી બાબત નથી. આજે તેમના સંસ્થા સંચાલનના સફળ સાહસો દિલ્હી, મુંબઈ, પુના અને પાલઘરમાં ચાલે છે. માનસિક- શારીરિક રીતે ઘવાયેલી દીકરીઓ કોઈ ખોટું ન કરી બેસે તે માટે સતત દેખરેખ રાખવી પડે. તેઓ પીડામાંથી બહાર આવે, હકારાત્મક નવજીવનની શરુઆત કરે તે માટેના તમામ પ્રયાસો બહેનની સંસ્થા કરે છે. તેમણે ગુજરાતનાં સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ ઘણી દીકરીઓને રેસ્ક્યુ કરી છે. જેને આ ઉમદા કામગીરી બદલ અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. 

રાપર તાલુકાના માથેલ ગામની પરાજીયા રાજગોર જ્ઞાતિની આ દીકરીના લગ્ન નવમાં ધોરણમાં હતી ત્યારે આર્મીમેન બાલકૃષ્ણ આચાર્ય સાથે થયેલા. લગ્ન પછી તેમણે ભણવાનું ચાલુ રાખ્યું, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વની બે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. 57 વર્ષીય મહિલા આજે ત્રીજી માસ્ટર ડિગ્રી સમાજકાર્ય વિષય સાથે ભણી રહી છે.

વર્ષ 2005માં પતિના મૃત્યુ બાદ સમાજની વચ્ચે પરિવારની સાથે રહી તમામ જવાબદારી બહેને એકલાં હાથે સંભાળી છે. તેઓ દિલેર સામાજિક કાર્યકર છે, જેણે પોતાના ઘરમા જ દોજખ જેવી જિંદગીમાંથી છૂટેલી સ્ત્રીઓની માવજત માટે શેલ્ટર હોમની શરૂઆત કરી હતી. તે સહિષ્ણુ પત્ની છે, જે પોતાના જ પતિને ગ્રાહક બનાવીને તે અરિયામાં મોકલતી અને પીડિત દીકરીઓને બચાવવા માટેની યોજના ઘડતી. ન્યુઝ પેપરમાં પ્રૂફ રીડર તરીકેની શરૂઆત કરતાં સ્પેશિયલ રિપોર્ટર તરીકેની ઉમદા કામગીરી કરી બતાવી. આટલું જ નહીં કૂટણખાનામાં ફસાયેલી સ્ત્રીઓને રેસક્યુ કરતી વખતે મળતી ધમકીઓ અને દબાણોને નીપટવા, સચ્ચાઈને બહાર લાવવા પત્રકારત્વના વ્યવસાયનો બખૂબી ઉપયોગ કર્યો, જે તેમની ભણતર સાથે ગણતરની સફળતા સૂચવે છે. તેમણે સંસ્થાની દીકરીઓને તૈયાર કરી છે અને કહે છે કે, ‘કાલસવારે હું નહીં હોઉં તોય મારી આ પેઢી બધું સંભાળી લેશે.’




આપણાં કચ્છને રજવાડાઓએ અલગથી રેડ લાઈટ એરિયા ફાળવ્યો હતો જે સમય રહેતા વિલુપ્ત થયો પણ વ્યવસાય તો ફૂલ્યોફાલ્યો છે. આજે 20 હજાર થી વધુની બોલી એક સર્વિસ માટે ડિમાન્ડ કરવામાં આવે છે અને આ કોઈ મેટ્રોના ભાવ નથી. ઘણી શાખસંગત મહિલાઓ દલદલમાં ફસાયેલી રહી ગઈ હશે. કાશ ત્રિવેણીબહેન જેવા કોઈ મહિલા કચ્છને પણ મળે જે આ તિરસ્કૃત વર્ગ માટે નક્કર પરિણામો લાવી આપે!

 

 

કૉલમ: “પાંજી બાઈયું”

                                                       લેખક: ડૉ. પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

 

Wednesday, 30 September 2020

ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાયલોટ તરીકે સ્થાન મેળવનાર પ્રથમ કચ્છી યુવાદીકરી પૂજા આહિર (પટેલ)

કચ્છ કે ગુજરાતનું નહિ પણ દેશનું નામ રોશન કર્યું છે, ઊંચી ઉડાનો ભર્યા પછી પણ ‘ડાઉન ટુ અર્થ’ પેર્સનાલિટી લઈને ચાલે છે પાયલોટ પૂજા આહિર (પટેલ).

 

આપણાં દેશમાં એવું એકેય ક્ષેત્ર નહીં હોય જેમાં મહિલાએ પદાર્પણ ન કર્યું હોય. કોઈ પણ કામ પુરુષ કે મહિલા માટે નથી હોતું. આ કામ માત્ર આપણા નિર્ણય પર જ નિર્ભર કરે છે. મહિલા ધારે તે કરી શકે છે. ‘સફળતા મેળવવાની ચાહ હોય તો રાહ આપોઆપ નક્કી થઈ જતી હોય છે.’ ના સૂત્રને સાર્થક કરનારી પૂજા પાયલોટને આજે આપણે જાણીએ.

મૂળ કચ્છના ભુજ તાલુકાના કાલી તલાવડીના વ્યવસાય અર્થે ગાંધીનગર શિફ્ટ થયેલા રમેશભાઈ અને સરસ્વતીબેન આહિરની દીકરી પૂજાએ આકાશમાં ઊંચી ઉડાનો ભરવા તેનું બાળપણનું સપનું સ્વબળે સાકાર કર્યું છે.

બાળપણથી જ એવિએશન ક્ષેત્રમાં કરિયર બનવાનું સપનું જોયું હતું એટલે મારી પાયલોટ બનવા માટેની તપાસ સતત ચાલુ રહેતી. ગાંધીનગરની માઉન્ટ કર્મેલ સ્કૂલમાં દસ પછી સાયન્સ ન હતું એટલે સેંટ ઝેવિયર્સમાં એડમિશન લીધું અને સારા ટકા સાથે બારમું પાસ કર્યું. કોલેજ કરવા નામ નોંધાવ્યું હતું પણ પાઇલોટ બનવા બારમું કાફી છે તો મને કોલેજ કરીને ત્રણ વર્ષ બગાડવા ન હતા. તેણે ઘરે પોતાના કરિયર બાબતે ઈચ્છા જણાવીને કીધું કે તે અમેરિકા જઈને ફ્લાઇંગ ટ્રેનીંગ લેવા માંગે છે. આ માટે તેણે નજીકમાં જ અમદાવાદ ફ્લાઇંગ સ્કૂલમાં પપ્પાને વિઝિટ કરાવી. ઘરમાં બધા સંકોચાયા કે હજુ બારમું પાસ કર્યું છે એટલી ઉંમર પણ નથી કે એકલી અમેરિકા મૂકી દેવું. યુવા પૂજાના મન પર ઝૂનૂન સવાર હતો કે ગમે તેવી પરિસ્થિતિઓ આવે પાયલોટ બનીને જ રહીશ. અને આજ ધગશને લીધે તેને ઘરમાંથી રજા મળી. 

પૂજા કહે છેકે, ‘મેં જાતે જ અમેરિકા જવા મારૂ પાસપોર્ટ બનાવ્યું અને અમેરિકાની એવિએશન ફ્લાઇંગ સ્કૂલ એટલાન્ટામાં અડમિશન લીધું હતું. જ્યાં અમેરિકન કોચ સર જોન પાસે ટ્રેનીંગ લીધેલી. હું માત્ર 17ની ઉંમરે અમેરિકા ગઈ હતી એટલે ખાવા પીવામાં થોડી તકલીફ રહી કેમ કે મને ખાવાનું બનાવતા આવડતું ન હતું. પરંતુ સફલતા કે આગે કુછભી ટીક નહીં શકતા, ત્યાં મેં 14 જ કલાકની ફ્લાઇંગમાં સોલો ફ્લાઇંગ માટેની સક્ષમતા પુરવાર કરી દીધી. સો કલાક સોલો ફ્લાઇંગની સાથે કુલ 250 કલાકોની ઉડ્ડયન અભ્યાસ મેં દસ મહિનામાં જ પૂર્ણ કરી લીધું અને વર્ષ 2008ના અંતમાં કોમર્શિયલ પાઇલોટના લાઇસન્સ સાથે ભારત પરત ફરી. તે વખતે ઇંડિયન કોસ્ટ ગાર્ડની જાહેરાત આવી અને ‘ક્લાસ વન ગેઝેટેડ ઓફિસર’ બનવાનું પિતાનું સપનું પૂરું કરવા 2010માં ઇંડિયન કોસ્ટ ગાર્ડમાં પૂજા (શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર રેન્જ) આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે જોડાઈ અને ઇન્ડિયન નેવલ એકેડેમી- કેરળમાં છ મહિનાની ટ્રેનીંગ પૂર્ણ કરી. તે કહે છે કે, આ મિલીટરી ટ્રેનીંગ ઘણી કઠિન હતી પણ સ્કૂલ સમયથી વિકસાવેલો સ્પોર્ટી એટીટ્યુડ ખૂબ કામ લાગ્યો. સ્કૂલ દરમિયાન પણ એથ્લેટિક્સમાં અવ્વલ, બાસ્કેટબોલ ટીમની કેપ્ટન તરીકે રહી ચૂકેલી પૂજા છોકરાઓને હંફાવી દેતી.

ટ્રેનીંગ બાદ પૂજાનું પહેલું પોસ્ટિંગ નસીબજોગે ગુજરાતમાં પોરબંદર ખાતે થયું. પોરબંદરની યાદો સાથે તે કહે છેકે, ‘પેટ્રોલીંગ દરમિયાન કચ્છ રેંજમાં ઉડાન ભરવાનું થતું ત્યારે વતનને યાદ કરી લેતી.’

કલકતા અને દમણ પોસ્ટિંગ દરમિયાન પૂજાએ અનેક ઓપરેશન કર્યા છે. ભારત-બાંગ્લા બોર્ડર પર વાવાઝોડાને લીધે 200થી વધુ માછીમારો ડૂબી ગયા હતા એ સર્ચ- રેસક્યુંની કામગીરીમાં તેની સરાહના થઈ હતી. માલદિવ્સના નાના-નાના ટાપુઓ પર લગાતાર ચાર દિવસના સર્ચ રેસક્યુંના ઓપરેશનમાં પૂજાએ બધી એરક્રાફ્ટ લેન્ડ કરાવીને પોતાની બહાદુરીનો ડંકો બોલાવ્યો હતો. તે પછી ભારત, માલદિવ્સ અને શ્રીલંકા દેશોની સંયુક્ત પ્રેક્ટિસ થઈ હતી જેમાં પુજા એકમાત્ર મહિલા પાઇલોટ તરીકે પર્ફોર્મન્સ આપ્યું હતું.


વધુમાં પૂજા કહે છેકે, ‘કો-પાઇલોટ તરીકે મહિલાને સ્થાન મળતું હોય ત્યાં વર્ષ 2015માં ઈતિહાસમાં પ્રથમવાર ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના નેશનલ ફ્લિટ રિવ્યુના ફોર્મેશન ફ્લાઇંગ વખતે લીડિંગ પાઇલોટ તરીકે મારી પસંદગી થઈ. કેટલાય ઓફિસરોને પોતાની 60 વર્ષની કારકિર્દીમાં ન મળે તે અનુભવ હું કરી શકી જે મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ રહેશે.’



ઘણી સિદ્ધિઓ હાંસલ કરી જેના લીધે દરેક કચ્છીની છાતી ગજ ગજ ફુલે. શ્રેષ્ઠ પાઇલોટનો ખિતાબ જીતનારી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાઇલોટ તરીકે સ્થાન મેળવનાર પ્રથમ કચ્છી યુવાદીકરી પૂજાનું વર્ષ 2009માં ઝારા ડુંગર ખાતે અષાઢી બીજની ઉજવણી કાર્યક્રમમાં તે વખતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું. 


ઇન્ડિયન કોમર્શિયલ પાઇલોટનું લાઇસન્સ મેળવનાર પૂજાએ નક્કી કરેલું કે, સિવિલ પાઇલોટ બનીને પેસેંજર પ્લેન ઉડાડશે એટલે કોસ્ટ ગાર્ડમાં ડેપ્યુટી કમાન્ડન્ટના હોદ્દા સાથે આઠ વર્ષ પછી નિવૃતિ લીધી અને 2018માં ઈંડિગો એરલાઇન્સમાં કેપ્ટન તરીકે જોઇન કર્યું અને હાલમાં તે ચેન્નઈ છે. પૂજાના વિવાહ ગાંધીધામ નક્કી થયા છે અને 14 વર્ષ ઘરથી દૂર રહેનારી પુજાની એકજ ઇચ્છા છે કે સગપણ પહેલા અમદાવાદ ટ્રાન્સફર થાય તો થોડો સમય પરિવાર સાથે વિતાવે.


પૂજા કહે છે કે, ‘જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની રીત એ છે કે પોતાની મુશ્કેલીઓનું મૂલ્ય આંકી કદર કરો, તેમાથી શીખ મેળવીને આગળ વધો. મેં પોતાના મનનો અવાજ સાંભળ્યો અને દેશનું માન વધાર્યું. આ બધું મારા માતા-પિતાના સહકારને આભારી છે જો એમણે મને રોકી હોત તો હું ક્યારેય આગળ વધી શકી ન હોત.’ 

એવો એક સમાજ કે જ્યાં બાળવિવાહની પ્રથાઓ હતી, જે શાળામાં જેઠ ભણતો હોય ત્યાં વહુને ન મોકલી શકાય. ભરતકળામાં પ્રખ્યાત આહિરસમાજ અનેક કુરિવાજોને ત્યજીને સમૃદ્ધ સમાજ સાબિત થયો છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂજા અને તેનો પરિવાર છે.  


કૉલમ- "પાંજી બાઈયું"

પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 22/09/2020

Monday, 13 July 2020

લોકડાઉનનેય કર્યું ડાઉન : નયનાબેન થેપલાવાળા



        ક્યારેક જીવનની ખરાબ પરિસ્થિતિઓ વ્યક્તિને પાંગળી બનાવી દે છે તો ક્યારેક સાહસિક. પરિસ્થિતિ જ વ્યક્તિને સારા કે ખરાબ માર્ગે લઈ જતી હોય છે. સેવાભાવે વ્યવસાય કરતા નયનાબેન મહેશભાઈ ડુડિયાની જિંદગીના સમીકરણો કંઈક આવા જ છે. કોરોના મહામારીના લીધે આખા દેશની આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ હતી એવા સમયમાં નયનાબેનનું ગૃહઉદ્યોગ મંદ પ્રવાહમાં પણ ચાલું જ છે. ત્રણ- ત્રણ કમાઉ પુરુષોની આવક પ્રક્રિયા લોકડાઉનના લીધે સદંતર બંધ થઈ ગઈ તેવાં કપરા સમયમાં પણ નયનાબેન દૈનિક ૩ થી ૪ કિલોના થેપલાના ઓર્ડર પૂરાં કરીને પરિવારનું પેટીયું રળી શક્યા. થેપલા તો આમેય આપણા ગુજરાતીઓનું પ્રિય ભોજન છે. નાસ્તા તરીકે ખાઓ કે પછી ઈચ્છો તો મુખ્ય ભોજન તરીકે માણો, થેપલા તો લગભગ બધાની પસંદમાં આવે તેવી વાનગી છે. આ થેપલા સાથે જોડાયેલા નયનાબેનની જે કહાની છે એ તમને પસંદ પડે તેવી છે.

 

        સેવાભાવી સ્વભાવ અને હસમુખાં ચહેરાવાળા નયનાબેન કે જેઓ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. નાનપણથી આજ સુધીના જીવનસંઘર્ષમાં જીવથી શિવ તરફની સેવાની રાહે સોપાનો સર કર્યા છે. પ્રાથમિક શિક્ષણ માંડ પૂરું કરી શકનારા નયનાબેન કહે છે કે, ‘પિતાની ચાની કેન્ટીનની મર્યાદિત આવકને લીધે છ ભાઈ – બહેનો સાથે અમારા પરિવારનું જીવન ખૂબ મુશ્કેલીભર્યું હતું. હું પણ આડોશ- પાડોશના ઘરકામ કરતી. મારા લગ્ન પણ સાવ સામાન્ય કુટુંબમાં થયા અને પતિની રિક્ષા ચલાવવાથી મળતી કમાણીથી ઘર ચલાવવું અઘરું પડતું. તેથી સાસરિયામાં ભુજના જાણીતાં લક્ષ્મી પાપડ ગૃહઉદ્યોગમાં ત્રણ રૂપિયા કિલોના ભાવે પાપડ વણવા જતી. ભૂકંપનાં લીધે એ કામ પણ છૂટી ગયું. પરંતુ મારા બે દીકરાના ઉછેર માટે મેં ઘરે જ પાપડ વણવાના ચાલુ કર્યા. મહિનાની માત્ર 100 રૂપિયાની આવક માટે પાપડ વણી- વણીને ઢગલા કરવા પડતાં.’ સમય રહેતાં તેમણે થેપલા બનાવવાના પણ ચાલુ કર્યા અને તે ગ્રાહકોને ભારે પસંદ પડ્યા, સાથે તેમણે અથાણાં અને દિવાળી પર અન્ય ફરસાણ પણ બનાવવાનાં ચાલુ કર્યા. આમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો રહ્યો અને જોતજોતામાં વ્યવસાયને પંદર વર્ષ થઈ ગયા. નયનાબેનનો આ ગૃહઉદ્યોગ કોઈ પણ સહાય વિના અવિરત ચાલુ છે અને લોકડાઉનમાં તો આ જ વ્યવસાય પરિવારનો મુખ્ય આવકનો સ્ત્રોત બની રહ્યો છે. હાથનો સ્વાદ અને હૈયાની લાગણીના ભાવે ગ્રાહકો સામેથી પાપડ- થેપલા ખરીદવા આવતાં અને તેઓ ‘નયનાબેન થેપલાવાળા’ તરીકે પ્રખ્યાત થઈ ગયા.

 

        ધંધાનો ‘કક્કો’ પણ નયનાબેન શીખ્યા નથી, છતાય થેપલા- પાપડનું વેંચાણ ગ્રાહકોના ‘વર્ડ ઓફ માઉથ’ દ્વારા કરી શકે છે. માર્કેટિંગનો આ રસ્તો તેઓએ પોતાની સૂઝબૂઝથી અપનાવ્યો છે. સામાન્ય નોકરિયાત જેટલો નફો ઘરે જ કમાઈ લેતા નયનાબેનને કોઈ જાહેરાત કે પેકિંગની ચિંતા કરવી પડતી નથી. નયનાબેન એમ જ કહે છે કે ‘મારા ગ્રાહકનો સંતોષ જ મારી જાહેરાત છે.’ તેઓ કોઈ પણ ગ્રાહક ઘરે આવે તો જે વસ્તુ બનાવી હોય તે લાગણીથી ચખાડે. જાહેરાત માટે વેપારીઓ ‘નમૂના તરીકે માલ’ આપતા હોય પણ નયનાબેનને તો ક્યાં આવી ખબર હોય? કહેવાનો મતલબ એ છે કે, “મનુષ્યની વાસ્તવિક શક્તિ તેની ઇચ્છા શક્તિ જ છે. કારણકે તે જ જીવનની રાહ, કર્મની નિર્માત્રી અને પ્રેરક હોય છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં કર્મ નથી.”




 જીવથી શિવ તરફની સેવાનો નાતો નિભાવતાં: નયનાબેન થેપલાવાળા

        લોકો મુંબઈ જાય કે દુબઈ; તેઓના ટીમણમાં નયનાબેનના થેપલા પસંદગીની પહેલી હરોળમાં આવે. સાતમ –આઠમનાં તહેવારો, દિવાળી અને ઉનાળુ વેકેશન, અધિક માસ દરમિયાનના સમયમાં નયનાબેનના થેપલાની ભરપૂર માંગ હોય છે. એક કિલોમાં આશરે 60 જેટલા થેપલા આપતા નયનાબેન કહે છે કે ‘જ્યારે આવી સિઝન હોય ત્યારે દિવસના ૫૦૦થી વધુ નંગ થેપલા તેઓ એકલા હાથે તૈયાર કરતા હોય છે.’ પરંતુ શું તમને ખબર છે? આ થેપલા માત્ર વેચાઉ માલ નથી, તેની બનાવટમાં વપરાતા કાચામાલની ઊંચી ગુણવત્તા સાથે તેમનો આધ્યાત્મભાવ પણ મિશ્રિત હોય છે. નયનાબેનની આ જ ખાસિયત છે તેમની કામગીરીને વિશેષ બનાવે છે. તેઓ કહે છે કે, ‘આખા દિવસ દરમિયાન થેપલા બનાવવાની કામગીરીમાં રચ્યા-પચ્યા હોવાથી મંદિર જઈને પૂજાપાઠનો કોઈ સમય જ ન મળે. એટલે કામ સાથે જ દરરોજ અગિયાર વાર હનુમાન ચાલીસાના પાઠ ઘરે કરી લઉં છું. આમ આધ્યાત્મનો પવિત્ર રસ પણ તેમના થેપલાંનાં સ્વાદમાં વણાઈ જાય છે, અને એટલે જ કદાચ નયનાબેનના થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હશે! નયનાબેન પોતાની આવકનો ચોથા ભાગનો હિસ્સો અબોલ જીવોની સેવામાં કાઢે છે. માછલીઓને દાણા, કાગડાને ગાંઠીયા, કુતરાને રોટલા વગેરે જેવી સેવા નયનાબેન છેલ્લા 15 વર્ષથી કરે છે. આખા ફળિયાના કૂતરાઓનુ રોજનું ભોજન નયનાબેનના ફાળે હોય છે.

        કોઈ પણ ધંધો નાનો કે મોટો નથી હોતો. સંઘર્ષરત સમયને નીવારવાની તાકાત જો કેળવવી હોય તો બસ દ્રઢ ઇચ્છાશક્તિ સાથે કામ કર્યે રાખવું. સફળતા આપોઆપ આપણે મળી જતી હોય છે. વાનપ્રસ્થ જીવનમાં પ્રવેશી ચૂકેલા નયનાબેને લોકડાઉનમાં પણ સાત સભ્યોવાળા પરિવારનું વણથંભી આર્થિક ગુજરાન ચલાવીને સાબિત કરી દીધું કે પ્રબળ ઈચ્છાશક્તિ દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં ટકી રહી શકાય છે. દેશ-વિદેશના લોકો હોય, યાત્રાએ જનાર સંઘો કે પછી પ્રવાસે જનારા વિદ્યાર્થીઓ, આ દરેકના ભૂખની કડી નયનાબેન સાથે જોડાયેલી છે.

        બે દાયકાથી પોતાના બનાવેલા થેપલાનો સ્વાદ લોકોની જીભે પહોંચાડનારા નયનાબેનનું જીવન એકદમ સરળ અને સાત્વિક છે. “વહેંચી શકાય એટલે વેંચું છું” વાક્યને સાર્થક કરનારા નયનાબેન કોઈ પણ મદદ વિના સ્વબળે ધંધો ચલાવે છે અને તેમની આ સક્રિય કામગીરી દરેક માટે પ્રેરણારૂપ છે.


કૉલમ- "પાંજી બાઈયું"

પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 14/07/2020