pub-8726264906223836 વિચારોની વનમાળા: લોકડાઉનનેય કર્યું ડાઉન : નયનાબેન થેપલાવાળા

Monday, 13 July 2020

લોકડાઉનનેય કર્યું ડાઉન : નયનાબેન થેપલાવાળા



        ક્યારેક જીવનની ખરાબ પરિસ્થિતિઓ વ્યક્તિને પાંગળી બનાવી દે છે તો ક્યારેક સાહસિક. પરિસ્થિતિ જ વ્યક્તિને સારા કે ખરાબ માર્ગે લઈ જતી હોય છે. સેવાભાવે વ્યવસાય કરતા નયનાબેન મહેશભાઈ ડુડિયાની જિંદગીના સમીકરણો કંઈક આવા જ છે. કોરોના મહામારીના લીધે આખા દેશની આર્થિક ગતિવિધિઓ અટકી ગઈ હતી એવા સમયમાં નયનાબેનનું ગૃહઉદ્યોગ મં પ્રવાહમાં પણ ચાલુંછે. ત્રણ- ત્રણ કમા પુરુષોની આવક પ્રક્રિયા લોકડાઉનના લીધે સદંતર બંધ થઈ ગઈ તેવાં કપરા સમયમાં પણનાબેન દૈનિક ૩ થી ૪ કિલોના થેપલાના ઓર્ડર પૂરાં કરીને પરિવારનું પેટીયું રળી શક્યા. થેપલા તો આમેય આપણા ગુજરાતીઓનું પ્રિય ભોજન છે. નાસ્તા તરીકે ખાઓ કે પછી ઈચ્છો તો મુખ્ય ભોજન તરીકે માણો, થેપલા તો લગભગ બધાની પસંદમાં આવે તેવી વાનગી છે. આ થેપલા સાથે જોડાયેલા નનાબેનની જે કહાની છે એ તમને પસંદ પડે તેવી છે.

 

        સેવાભાવી સ્વભાવ અને હસમુખાં ચહેરાવાળા નયનાબેન કે જેઓ સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે. નાનપણથી આજ સુધીના જીવનસંઘર્ષમાં જીવથી શિવ તરફની સેવાની રાહે સોપાનો સર કર્યા છે. પ્રાથમિક શિક્ષણ માંડ પૂરું કરી શકનારા નયનાબેન કહે છે કે, પિતાની ચાની કેન્ટીનની મર્યાદિત આવકને લીધે છ ભાઈ – બહેનો સાથે અમારા પરિવારનું જીવન ખૂબ મુશ્કેલીભર્યું હતું. હું પણ આડોશ- પાડોશના ઘરકામ કરતી. મારા લગ્ન પણ સાવ સામાન્ય કુટુંબમાં થયા અને પતિની રિક્ષા ચલાવવાથી મળતી કમાણીથી ઘર ચલાવવું અઘરું પડતું. તેથી સાસરિયામાં ભુજના જાણીતાં લક્ષ્મી પાપડ ગૃહઉદ્યોગમાં ત્રણ રૂપિયા કિલોના ભાવે પાપડ વણવા જતી. ભૂકંપનાં લીધે એ કામ પણ છૂટી ગયું. પરંતુ મારા બે દીકરાના ઉછેર માટે મેં ઘરે જ પાપડ વણવાના ચાલુ કર્યા. મહિનાની માત્ર 100 રૂપિયાની આવક માટે પાપ વણી- વણીને ઢગલા કરવા પડતાં. સમય રહેતાં તેમણે થેપલા બનાવવાના પણ ચાલુ કર્યા અને તે ગ્રાહકોને ભારે પસંદ પડ્યા, સાથે તેમણે અથાણાં અને દિવાળી પર અન્ય ફરસાણ પણ બનાવવાનાં ચાલુ કર્યા. આમ ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો રહ્યો અને જોતજોતામાં વ્યવસાયને પંદર વર્ષ થઈ ગયા. નયનાબેનનો આ ગૃહઉદ્યોગ કોઈ પણ સહાય વિના અવિરત ચાલુ છે અને લોકડાઉનમાં તો આ જ વ્યવસાય પરિવારનો મુખ્ય આવકનો સ્ત્રોત બની રહ્યો છે. હાથનો સ્વાદ અને હૈયાની લાગણીના ભાવે ગ્રાહકો સામેથી પાપડ- થેપલા ખરીદવા આવતાં અને તેઓ નયનાબેન થેપલાવાળા તરીકે પ્રખ્યાત થઈ ગયા.

 

        ધંધાનો કક્કો પણ નયનાબેન શીખ્યા નથી, છતાય થેપલા- પાપડનું વેંચાણ ગ્રાહકોના વર્ડ ઓફ માઉથ દ્વારા કરી શકે છે. માર્કેટિંગનો આ રસ્તો તેઓએ પોતાની સૂઝબૂઝથી અપનાવ્યો છે. સામાન્ય નોકરિયાત જેટલો નફો ઘરે જ કમાઈ લેતા નયનાબેનને કોઈ જાહેરાત કે પેકિંગની ચિંતા કરવી પડતી નથી. નયનાબેન એમ જ કહે છે કે મારા ગ્રાહકનો સંતોષ મારી જાહેરાત છે. તેઓ કોઈ પણ ગ્રાહક ઘરે આવે તો જે વસ્તુ બનાવી હોય તે લાગણીથી ચખાડે. જાહેરાત માટે વેપારીઓ નમૂના તરીકે માલ આપતા હોય પણ નયનાબેનને તો ક્યાં આવી ખબર હો? કહેવાનો મતલબ એ છે કે,મનુષ્યની વાસ્તવિક શક્તિ તેની ઇચ્છા શક્તિ જ છે. કારણકે તે જ જીવનની રાહ, કર્મની નિર્માત્રી અને પ્રેરક હોય છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં કર્મ નથી.”




 જીવથી શિવ તરફની સેવાનો નાતો નિભાવતાં: નયનાબેન થેપલાવાળા

        લોકો મુંબઈ જાય કે દુબઈ; તેઓના ટીમમાં નયનાબેનના થેપલા પસંદગીની પહેલી હરોળમાં આવે. સાતમ –આઠમનાં તહેવારો, દિવાળી અને ઉનાળુ વેકેશન, અધિક માસ દરમિયાનના સમયમાં નયનાબેનના થેપલાની ભરપૂર માંગ હોય છે. એક કિલોમાં આશરે 60 જેટલા થેપલા આપતા નયનાબેન કહે છે કે જ્યારે આવી સિઝન હોય ત્યારે દિવસના ૫૦૦થી વધુ નંગ થેપલા તેઓ એકલા હાથે તૈયાર કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે? આ થેપલા માત્ર વેચા માલ નથી, તેની બનાવટમાં વપરાતા કાચામાલની ઊંચી ગુણવત્તા સાથે તેમનો આધ્યાત્મભાવ પણ મિશ્રિત હોય છે. નયનાબેનની આ જ ખાસિયત છે તેમની કામગીરીને વિશેષ બનાવે છે. તેઓ કહે છે કે, આખા દિવસ દરમિયાન થેપલા બનાવવાની કામગીરીમાં રચ્યા-પચ્યા હોવાથી મંદિર જઈને પૂજાપાઠનો કોઈ સમય જ ન મળે. એટલે કામ સાથે જ દરરોજ અગિયાર વાર હનુમાન ચાલીસાના પાઠ ઘરે કરી લઉં છું. આમ ધ્યાત્મનો પવિત્ર રસ પણ તેમના થેપલાંનાં સ્વાદમાં વણાઈ જાય છે, અને એટલે જ કદાચ નયનાબેનના થેપલા ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હશે! નયનાબેન પોતાની આવકનો ચોથા ભાગનો હિસ્સો અબોલ જીવોની સેવામાં કાઢે છે. માછલીઓને દાણા, કાગડાને ગાંઠીયા, કુતરાને રોટલા વગેરે જેવી સેવા નયનાબેન છેલ્લા 15 વર્ષથી કરે છે. આખા ફળિયાના કૂતરાનુ રોજનું ભોજન નનાબેનના ફાળે હોય છે.

        કોઈ પણ ધંધો નાનો કે મોટો નથી હોતો. સંઘર્ષરત સમયને નીવારવાની તાકાત જો કેળવવી હોય તો બસ દ્રઢ ઇચ્છાશક્તિ સાથે કામ કર્યે રાખવું. સફળતા આપોઆપ આપણે મળી જતી હોય છે. વાનપ્રસ્થ જીવનમાં પ્રવેશી ચૂકેલા નયનાબેને લોકડાઉનમાં પણ સાત સભ્યોવાળા પરિવારનું વણથંભી આર્થિક ગુજરાન ચલાવીને સાબિત કરી દીધું કે પ્રબળ ઈચ્છાશક્તિ દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં ટકી રહી શકાય છે. દેશ-વિદેશના લોકો હોય, યાત્રાએ જનાર સંઘો કે પછી પ્રવાસે જનારા વિદ્યાર્થીઓ, આ દરેકના ભૂખની કડી નનાબેન સાથે જોડાયેલી છે.

        બે દાયકાથી પોતાના બનાવેલા થેપલાનો સ્વાદ લોકોની જીભે પહોંચાડનારા નનાબેનનું જીવન એકદમ સરળ અને સાત્વિક છે. “વહેંચી શકાય એટલે વેંચું છું” વાક્યને સાર્થક કરનારા નયનાબેન કોઈ પણ મદદ વિના સ્વબળે ધંધો ચલાવે છે અને તેમની આ સક્રિય કામગીરી દરેક માટે પ્રેરણારૂપ છે.


કૉલમ- "પાંજી બાઈયું"

પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 14/07/2020


No comments:

Post a Comment