pub-8726264906223836 વિચારોની વનમાળા: #પાંજીબાઈયું #women
Showing posts with label #પાંજીબાઈયું #women. Show all posts
Showing posts with label #પાંજીબાઈયું #women. Show all posts

Monday, 19 October 2020

નિષ્ફળતાથી જ સફળતાનો માર્ગ ઢૂંઢનાર: આશા ગઢવી


       જે ગામના દીકરાઓ માસ્ટર ડિગ્રી સુધી નથી પહોંચી શક્યા તે ગામની દીકરીએ તમામ દીકરાઓને પીછે છોડીને ગામ તથા ચારણ સમાજને ગૌરવ અપાવ્યું છે. પોતાના ગામમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરનાર અને એટલું જ નહીં સરકારી નોકરી મેળવનાર પહેલી દીકરી આશા ગઢવીની વાત આજે કરવાની છે. તેણે નાની ઉંમરે સંઘર્ષ વેઠયાં છે સાથે સાથે સફળતાના સોપાનો પણ સર કર્યા છે.

 

       મુંદ્રા તાલુકાના અતિ નાના ‘શેખડિયા ગામ’માં દીકરી- આશા; માતા દેવલબેન અને નાની બહેનની સાથે ખુશીથી રહે છે. આશા કહે છે કે, ‘પિતાનો વ્હાલસોયો પ્રેમ તો બાળપણથી જ ગુમાવી દીધેલો પણ માતાએ જ અમને બંને બહેનોને લાડકોડથી ઉછેરીને મોટા કર્યા છે. પિતાના વ્હાલની ખોટ તેમણે કદીય સાલવા નથી દીધી. હું જ્યારે આઠમાં ધોરણમાં નાપાસ થઇ ત્યારે નક્કી કર્યું હતું કે, મારે આગળ નથી ભણવું પણ મારી માતાએ જ મને આગળ ભણવા સમજાવી અને કહ્યું કે, જો હું ખુદ ચાલીશી વટાવ્યે અભ્યાસ પ્રારંભી શકું તો તું કેમ નહીં? હું મુંદ્રા તાલુકામાં રહેતી કેટલીય દીકરીઓને ભણતી કરવા તેમના પરિવારોને સમજાવું છું અને મારી દીકરી મારા અને ગામ માટે મિશાલ કાયમ ન કરી શકે એવું કેમ બને?’ આમ તેમનો મારા પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ સાચો સાબિત થયો અને ત્યારથી જ મેં ભણવા માટે પાછળ ફરવાનું કદી નથી વિચાર્યું. સક્ષમ જીવનનું હાલરડું મારી માતાએ મારા માટે એવું તે ગાયું કે છેક પોલીસની નોકરી સુધી પહોંચાડ્યું.’

       આશવાંગ ચેતનાની સાક્ષી આશાએ; ના સિર્ફ માતાનું નામ રોશન કર્યું છે પણ શેખડિયા ગામના ઉજ્જવળ ભવિષ્યની ચિનગારી સાબિત થઈ છે. સ્વાતંત્ર્ય દિને ગામની સૌથી વધુ અભ્યાસ કરનાર દીકરીના હાથે ધ્વજ વંદન કરાવવાની સરકારની પહેલ બાદ આશાને પોતાના ગામમાં બે વાર ધ્વજવંદન કરવાની તક મળી છે, જેની સફળતાએ અન્ય દીકરીઓને પણ આગળ ભણવા માટે પ્રેરણા પૂરી પાડી છે. જેના દ્વારા તેના પરિવારે ટીકાઓની મહામારીમાંથી પસાર થવું પડ્યું હતું; એ જ સમાજ અને એ જ ગામની દીકરીઓ માટે ‘આશા’ પ્રેરકરૂપ સાબિત થઈ છે આજે તેના લીધે ગામની અન્ય દીકરીઓ પોતાનું શાળાકીય જીવન હોંશેહોંશે આગળ વધારી શકી છે.

       આશા કહે છે કે, ‘હું અને મારી બહેન ભણવા મુંદ્રા જતાં તો પાછળ જાતજાતની વાતો થતી અને મારી માતાને બધા કહેતા કે તું તારી દીકરીઓને ભણવા બહાર મોકલે છે તો પછી તે તારા કહ્યામાં નહીં રહે, તેની સલામતીના જોખમે ભણાવાની શી જરૂર છે? પરંતુ આ દરેક વાતો લાંબી ચાલી શકી નહીં, અમારો માતા પર અને માતાનો અમ દીકરીઓ પરનો વિશ્વાસ અડગ હતો અને અમે માં ના ચિંધ્યા માર્ગે આજે સફળ બની શક્યા છીએ.’

       હાલમાં જ આશાને ગુજરાત સરકારની કોન્સ્ટેબલની ભરતીનો નિમણૂક પત્ર પ્રાપ્ત થયો છે અને ત્યારથી જ આશા વિધિવત ટ્રેનીગમાં જોડાઈ ગઈ છે. નકારનો આર મેળવતી નારી ભલે અબળા કહેવાય પણ તેની પાસે બુદ્ધિ ચાતુર્ય અને સહનશીલતા જેવા અસીમ શસ્ત્ર છે જેનાં ઉપયોગથી સ્ત્રીના સફળતાના માર્ગે તમામ પાસા સીધાં જ પડે છે.

       આશાનું બાળપણ પિતાની છત્રછાયા વગરનું વીતવું, પ્રાથમિક શિક્ષણ પછી આગળ ભણવા પરિવાર જ નહીં પણ ગામ અને સમાજની ટીકાઓને સહન કરવી, સામાન્ય ગરીબી સાથે જીવતા એક એક રૂપિયાનો હિસાબ સંતોષપૂર્વક મેળવવો, કોલેજ પછી માસ્ટર ડિગ્રી મેળવવા પોતાની સગાઈ તોડવા સુધીની નોબત સહન કરવી. આ બધા જ વાક્યો બોલવા કે લખવા સરળ હોઈ શકે પણ તે દરેક પરિસ્થિતિઓને જીવવું એટલું જ અઘરું છે. આ ‘માં –દીકરીઓએ’ આવી કપરી પરિસ્થિતીઓમાં કોણ જાણે કેટલાય દિવસો વિતાવ્યા હશે? પણ આશાના જીવનનાં ઉખાણાં તો આવી જ રીતે ઉકેલાયા છે. સ્ત્રી સ્વાવલંબનના કિસ્સાઓ લોકો સમક્ષ રજૂ થાય એ ખૂબ સારી બાબત છે અને જરૂરી એટલા જ છે પણ આ સ્વાવલંબનની યાત્રા કેટલી કઠિન હોય છે એની પરિકલ્પના આપણું હૈયું હચમચાવી દે છે.

       જ્યારે સ્વાવલંબનની રાહ પકડો ત્યારે આડે આવતી મુશ્કેલીઓ તમારી સફળતાના એક માર્ગને બંધ કરી નાખે પણ બીજા દ્વારો ખુલ્લાં કરી દે છે, મહિલા માટે કામ કરતી સંસ્થા કેએમવીએસના સહયોગથી વણથંભી વાટ પકડનારા દેવલબેન અને તેમના પરિવારને અદાણી ફાઉન્ડેશનની પણ ઘણી મદદ મળી છે. જેના લીધે પિતાની છત્રછાયા વગર જ આશા, એકવાલી માતાના સશક્તિકરણની જીવંત ઉદાહરણ સાબિત થઇ છે. સ્ત્રી સ્વાવલંબનના ત્રિસંગાથી આ ચારણ દીકરી આશા કચ્છની શિક્ષણથી વંચિત દીકરીઓને ભણતી કરવા માટે પ્રેરકરૂપ ઉદાહરણ છે.

       “આપણો પરિવાર અને સમાજ યશસ્વી બને તે આપણી જવાબદારી છે.” આ આશાનો સંકલ્પ છે; એનો અર્થ છે કે આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે તે સંલગ્ન થઈ ગઈ છે. ભવિષ્યમાં આશા જીપીએસસી વર્ગ 1ની પરીક્ષા પાસ કરીને રાજ્યને સમર્પિત સેવામાં પોતાની ફરજ અદા કરવા માંગે છે.



“કોઈનો સુધાર ઉપહાસથી નહીં, તેને નવી રીતે વિચારવાની અને બદલાવવાની તક આપવાથી થાય છે.” આશા રાખું કે, ‘આશા’ના આ પ્રેરક જીવનની કહાનીથી બીજી દીકરીઓ માટે વૈચારિક દ્રષ્ટિકોણ ધરાવતી હકારાત્મક આશાની કિરણ ફૂટશે.

 

કૉલમ: “પાંજી બાઈયું”

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

Sunday, 18 October 2020

કસદાર કચ્છની નટખટ અદાકારા: કોમલ ઠક્કર

કોમલ: “રડીને હળવીફૂલ થઈ જાઉં છું પણ કોઈ જ દુઃખને મનમાં નથી રાખતી.”

    ભારતીય ફિલ્મ જગતમાં ગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ વધી રહ્યું છે. આપણાં કચ્છ જિલ્લા પાસે પણ એવી અદાકારા છે જે પોતાના લાજવાબ અભિનયથી દર્શકોને પોતાની તરફ આકર્ષી શકે છે. 

રંગીન મિજાજી, નટખટ સ્વભાવ અને મનમોહક અદા છે જેની; તે કોમલ ઠક્કરને આજે જાણીએ. ફિલ્મ જગતમાં ઢાંસું એન્ટ્રી કર્યા બાદ આજે પૂરા પંદર વર્ષે તેણે પોતાના જીવનની રંગબેરંગી વાતો દિલ ખોલીને કરી.

        કોમલનો સાવ સામાન્ય પરિવાર છે, પિતાએ મીઠાઈની દુકાનમા મજૂરી કરીને છ બહેનો અને ભાઈને ઉછેર્યા. ગળથૂથીમાં રંગભૂમિ અને અભિનયના કોઈ સંસ્કાર મળ્યા નથી છતાય સ્વબળે પોતાના નામનો ડંકો વગાડનાર કોમલે માત્ર આંઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો પણ ત્રીસી વટાવી ચૂકેલી કોમલે પાછળથી ઘરબેઠાં કોલેજ પૂરી કરી લીધી છે.  


        મનમોહક અદાઓની આ રાણીનો અભિનય માટેનો કોઈ વિચાર ન હતો પણ તેની બહેને 2004 મિસ કચ્છની સ્પર્ધામાં નામાંકન કરાવી દીધું. અનાયાસે કોમલે ભાગ લીધેલો અને મિસ કચ્છનો ખિતાબ જીતી લીધો. તે પછી તરત જ તેને દેવાનંદ સાથે એક નાનો રોલ ઓફર થયો તેમાં તેના કામની સરાહના થઈ, તેજ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યારથી જ આ ક્ષેત્રમાં આગળ વધવા પરિવારે પ્રેરણા આપી અને ધીરે ધીરે આ અભિનય કરવાની આવડત એ કોમલનો શોખ બની ગયો.




        કોઠાર ભરાય એટલા સન્માન પ્રાપ્ત કરી ચૂકેલી કોમલ કહે છે કે, ‘મારી દરેક સિદ્ધિઓ મારી અકળ મહેનતનું પરિણામ છે. નાના કે મોટા, મેં દરેક રોલ ખૂબ જવાબદારીપૂર્વક નિભાવ્યા છે.’ કોમલ માને છે કે જો એકવાર કોઈ નબળું પ્રદર્શન લોકો જોઈ લે તો ફરી બીજીવાર તમને જોવા લાંબા સમય પછી રાજી થાય છે. તે કહે છે કે, ‘અહિયાં તમને લોકોની મરજી મુજબ રહેવાનુ હોય છે. શરીર અને સુંદરતાને સતત જાળવી રાખવા પ્રયત્નો કરવા પડે અને આ બધાનો ખર્ચ ખૂબ હોય છે. તમને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ, ડાયેટ પ્લાનર, કોસ્ચ્યુમ ડિઝાઇનરને સાથે રાખીને જંગી ખર્ચા કરવા પડે છે ત્યારે તમે રૂપેરી પડદે સુંદર દેખાઈ શકો છો. આમ લોકોને દરરોજ કઈક નવું જોઈએ અને જો તમે તમારા ચાહકોને પસંદ કરતાં હોવ તો તે કરવું જ પડે.’


        કોમલ અનુભવો વિષે કહે છે કે, ‘મને કોઈ મોટી મુશ્કેલીઓ તો નથી આવી પણ આ ક્ષેત્રમાં ટકી રહેવા દિવસ- રાત જાગીને મારા પ્રોજેકટ પૂરા કર્યા છે, એક મજૂરની જેમ મેં મહેનત કરી છે. પણ કહે છે ને, 'મહેનતના ફળ મીઠા હોય' આજ કાળી મજૂરીએ મને આજે સફળતા અને ગૌરવ બંને અપાવ્યાં છે. દરેક કાર્યમાથી કઈક નવું કરવાની તથા શીખવાની પ્રેરણા મને મળે છે અને એટલે જ મને કોઈ પણ રોલ કરવામાં મુશ્કેલી નથી પડતી. મેં કોઈ પણ પ્રોજેકટ મરજી વિરુદ્ધ નથી કર્યા અને ઓફર આવી એટલે સ્વીકારી જ લેવું તે મને ન ચાલે એટલે તેને નક્કી કરવામાં હું ખાસ્સો સમય પણ લઉં છું.




        ગુજરાતી ફિલ્મો સાથે કોમલે રાજસ્થાની, પંજાબી અને હિન્દી જગતમાં પણ પોતાના નામનો સિક્કો જમાવી દીધો છે. ‘માય ફાધર ઇકબાલ’, ‘બેવફા સનમ તારી બહુ મહેરબાની’, ‘ધરતી પરના ખેલ’ જેવી બહુ ચર્ચિત ફિલ્મોના લીડ રોલમાં કોમલે કામ કર્યું છે. માસુમ ચેહરો અને નટખટ સ્મિત રેલાવતી કોમલે દસ હજારથી વધુ આલ્બમોમાં પણ કામ કર્યું છે.


        છેલ્લાં ચાર વર્ષથી મુંબઈ રહેતી કોમલ મીઠાઇ ખાવાની ખૂબ શોખીન છે, જ્યારે પણ તે કચ્છ આવે ત્યારે કોઈજ ડાયેટને ધ્યાને લીધાં વગર મોજથી શુદ્ધ કચ્છી ભોજન લેવાનું પસંદ કરે છે. લોકડાઉનનો સમય તેણે કચ્છમાં જ વિતાવ્યું અને તે સમય દરમિયાન તેણે ત્રણ પ્રોજેકટ પણ ફાઇનલ કર્યા છે, તે ફિલ્મો હજી ફ્લોર પર ગઈ નથી એટલે હાલ તે જાહેર નથી કરવા માંગતી પણ કોમલની આવનારી ફિલ્મોથી દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહેશે એ નક્કી છે.  


        ફિલ્મી સિતારાઓના આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓ અંગે કોમલ કહે છે, ‘ફિલ્મી દુનિયા આખી અલગ છે, તેમાં ઘણા ઉતાર ચઢાવ છે, ઘણીવાર જીવન તાણગ્રસ્ત બની જાય છે. તેણે કહ્યું, ‘આત્મહત્યા એ કોઈ ઉપાય નથી એટલે આવા સમયે હું રડીને હળવીફૂલ થઈ જાઉં છું પણ કોઈ જ વાત કે દુઃખ મનમાં નથી રાખતી. આપણાં કચ્છની ઓછી દીકરીઓ હશે જે રૂપેરી પરદે પદાર્પણ કર્યું હોય તો હું આવા કોઈજ નિરુત્સાહી પગલાં ભરીને કચ્છી દીકરીઓ માટે આ રસ્તો બંધ કરાવવા નથી માંગતી. મારે આ ક્ષેત્રમાં સારૂ કામ કરીને પોતાનું અને મારાં કચ્છનું નામ આગળ લાવવું છે.’




        મક્કમ મનોબળ અને સુંદર દેખાવ તથા ઉચ્ચ અભિનય પ્રતિભા ધરાવતી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મોનું ઘરેણું અને કચ્છની શાન છે. ગુજરાતી ફિલ્મોમાં આબાદ ભૂમિકાઓ ભજવનાર કોમલ હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું નામ ઉજળું કરતી રહે તેવી શુભેચ્છા.

 

કૉલમ: “પાંજી બાઈયું”

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

Friday, 10 July 2020

કળા, કૌશલ્ય અને કસબનું ત્રિવેણી સંગમ : કંકુબેન વણકર

જે ગામનાં જળ, જમીન, જંગલ, જનતા દરેકનો વિકાસ થયો છે તે ગામનાં સરપંચની સંઘર્ષ સાથે સ્વાવલંબનની યાત્રા ખરેખર નોંધનીય છે.


    કચ્છ જિલ્લાની કેટલીયે ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં સરપંચ તરીકે મહિલાઓ છે પરંતુ તેમને પંચાયતની કામગીરી કરવાની કોઈ અનુમતી હોતી નથી. પંચાયતના દરેક કાર્યો “સરપંચ પતિ” દ્વારા કરવામાં આવે છે; પણ કુક્માના સરપંચ કંકુબેન સાથે એવું નથી, તેમના પતિએ જ ચુંટણી માટે નામાંકન કર્યું અને પત્ની માટે પ્રચાર પણ કર્યો. ભારે બહુમતીથી વિજય મેળવીને સરપંચ પદ મળતા જ તેઓ ગામની સુખાકારી માટે કામે લાગી ગયા છે એટલું જ નહીં કંકુબેનની નિષ્ઠાને લીધે કચ્છભરની તમામ અગ્રેસર સંસ્થાઓ રાજીપે કુકમા માટે કામ કરવા પ્રેરાય છે.

    કંકુબેન વણાટકામનાં અચ્છા કારીગર પણ છે તેઓ સાડી વણાટમાં રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. વર્ષ 2015માં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણીની સૌપ્રથમ શરૂઆત થઈ જેમાં સમગ્ર ભારતમાંથી એકમાત્ર મહિલા કારીગર કંકુબેને પીએમ મોદીજી સમક્ષ પ્રદર્શન આપ્યું હતું.  

    કંકુબેન પોતે સાતમા ધોરણથી વધારે ભણી નથી શક્યા પરંતુ ગામની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરી શકે તે માટે નવતર પગલું ભર્યું છે. તેમણે ગામની શિક્ષણમાં તેજસ્વિ દીકરીઓના નામથી ગામના 16 માર્ગોને શણગારી દીધા છે. કેન્દ્ર સરકારની “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના હેઠળ રસ્તાઓના નામ દીકરીઓના નામે રાખવાનું નક્કી થયું હતું જેની અમલવારી કચ્છમાં છેક ફેબ્રુઆરી 2020માં થઈ જ્યારે કંકુબેને આ દૂરંદેશી પગલું 2 વર્ષ પહેલાં જ લઈને તેમની આગવી કાર્યશૈલીનો પરચો કરાવ્યો હતો.

    કંકુબેને પોતાની કોઠાસુઝથી ગામના કાર્યો કર્યા છે. જેવા કે ગામનાં સીસી રોડ બનાવ્યા, તેમજ વિધવા સહાય યોજનાના ફોર્મ પણ ભરાવીને સહાય અપાવી છે. ‘એકલ શક્તિ યોજના’ ધ્વારા વિધવા મહિલાને તાલીમની સાથે રોજગારી આપીને જે પહલ કરી છે તેનાં થકી ગામમાં મહિલા સશકિતકરણ શક્ય બન્યું છે. તેઓ સરપંચ બન્યા પહેલાંથી જ પોતાની સાથે 30 જેટલી બહેનોને વણાટકામમાં સાથે જોડીને રોજગારી આપતા હતા.

    દારૂવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી પણ કંકુબેનના રાજમાં દારૂ વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી.

ગામમાં વિશાળ જગ્યા ખુલ્લી હતી જ્યાં લોકો કચરો ફેંકતા તેથી તે જગ્યા દુર્ગંધ મારતો ઉકરડો બની ગઈ હતી, કંકુબેને આ જગ્યાને સાફ કરાવીને, ચોતરફ દીવાલ ચણાવી દીધી અને તેને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા ‘સાવિત્રીબાઈ ફૂલે’ ચોક નામ આપી દીધું. આજે આ જગ્યાએ ગૌસેવા, મહિલા ઉત્થાન તથા સતસંગની પ્રવૃત્તિઓ થઈ રહી છે.

    કુક્મા ગામના બાળકો માટે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓ માટે ગ્રંથાલય સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આખુય ગામ સીસીટીવી કેમેરાથી લેસ છે, આ સિસ્ટમના કારણે તેઓ ગુનાખોરીનું પ્રમાણ ઘટાડી શક્યા છે, સાથે જાહેરમાં ફેકાતા કચરા અને સરકારી સંપત્તિને નુકશાન થતુ પણ અટકયુ છે. કંકુબેન ખુદ પોતાની ઓફિસમાં સીસીટીવીનું કંટ્રોલ રાખીને સમગ્ર ગામમાં દેખરેખ રાખે છે. 

    તમે કુક્મા જાઓ તો કંકુબેન પંચાયત ઓફિસેથી સીધા જ તળાવ દેખાડવા લઈ જાય અને સ્વચ્છ તળાવ જોઈને આભા થઈ જવાય અને ત્યાં કિનારે સુંદર ઘાટ બનાવ્યું છે. આ તળાવની ખાસિયત છે કે કંકુબેને ધર્મ સાથે સ્વચ્છતાને જોડી દીધું છે, ત્યાં દર અમાસે લોકો ભેગા થઈને સફાઈ કરે છે.

    ટેકનોલોજીની દ્રષ્ટિએ જુઓ કે રોજગારી, વીજળી, પાણી સહિતની તમામ સુવિધાઓ કંકુબેને ઉપલબ્ધ કરાવીને સમગ્ર દેશમાં કુક્માને દિનદયાળ ઉપાધ્યાય શ્રેષ્ઠ ગ્રામ પંચાયત- 2020નો એવોર્ડ પણ અપાવ્યો છે. વિકસિત શહેરને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ જોઇ લોકો કુક્મા ગામના વિકાસની ચર્ચાઓ કરતા થઇ ગયા છે તેથી જ 11થી વધુ રાજ્યોના પ્રતિનિધિઓએ આ ગામની મુલાકાત લઇ પોતાના ગામમાં વિકાસ મોડેલ તરીકે કુક્માને પસંદ કરે છે.

    સરપંચ તરીકે ટકી રહેવા માટેનો સંઘર્ષ ખેડતાં વર્ષોથી ગામડાઓમાં પરંપરાગત રીતે ચાલતા જ્ઞાતીવાદ અને ઉંચનીચનાં ભેદભાવનાં ભોગી તેઓ પણ બન્યા છે પરંતુ એ બધાથી હારી થાકીને બેસી જવાના બદલે તેમણે ગામનાં સેવક બનીને ગ્રામવિકાસના કામો કરવા માંડયા છે. કંકુબેન કહે છે કે, “ગામલોકોની પાયાની સમસ્યાઓ દુર કરીને સમૃધ્ધી લાવી પરંતુ આ બધુ થયુ એટલે મારા વિરોધીઓના પેટમાં તેલ રેડાયુ તેમણે કોઇ પણ ભોગે મને બદનામ કરવાના અને હેરાન કરવાનાં પેંતરા રચ્યા; પરંતુ આવા કોઇપણ પ્રપંચને વશ નહિ થાઉ તે વાત પણ નકકી છે કારણ કે મેં નેમ લીધી છે કે હાઇકોર્ટમાં જવાનુ થશે તો જઇશ પરંતુ મારી સાચી નીતી અને ગામના વિકાસ બાબતે નમતુ નહિ ઝોખું.

    ખરેખર, “માણસની ઇચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. જે વિપરીત પરિસ્થિતિઓમાં કેટલાક લોકો રડતાં હોય છે, એજ મુશ્કેલીઓમાં બીજી વ્યક્તિ ઉત્સાહથી નવીનતમ કાર્ય કરતી હોય છે અને આ સાહસ તેમની જીવનપર્યંત સફળતાનું મૂળ હાર્દ બની જાય છે.”

    લોકડાઉનનાં સમયમાં પણ પંચાયતી સરકારી સહાય સાથે શ્રમજીવીઓને રોજગારી આપીને અનુકંપા દાખવી હતી. લોકોને ફાયદો થાય તો તેમની શ્રદ્ધા બેવડાઈ જાય આમ કંકુબેનને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું છે. કચ્છનું સૌથી નોંધપાત્ર ગામ કુક્મા દરેકના હોઠે આવી જાય. કોઈ એમ કહે કે કુક્મામાં રામરાજ્ય છે તો તે ખોટું નથી. કંકુબેને ગામને એવું કંડાર્યું છે કે અન્ય ગામોનાં પ્રતિનિધિઓ તેમના રાહચીંધ્યા માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે.

    હું તો એમજ કહીશ કે, "આ ગામની નવી પેઢી એક સરપંચ મહિલાને નિડરતાથી નિર્ણય લેતા જોઈને મોટી થઈ રહી છે જેથી તેમને પણ સ્વાવલંબનની પ્રેરણાત્મક દિશા મળી રહેશે."

 

કૉલમ: “પાંજી બાઈયું”


પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 07/07/2020

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com


Tuesday, 16 June 2020

શૌર્યનાં સ્વાંગને સજાવી : દાસી ફારક ‘ઝીકડી’

    


    ત્યાગની પરમસીમા છે જે, મમતાની મૂરત છે જે, દાસી ધર્મનો બેમિશાલ ઉદાહરણ કહી શકાય જેને- તેની આજે વાત કરવાની છે. ભુજ તાલુકામાં હબાય ડુંગર પાસે આવેલ ઝીકડી ગામ જામ ફૂલે પોતાની પાલક માતાના નામથી વસાવ્યું હતું. જેનો ઇતિહાસ કદાચ ગામનાં લોકો જાણતા હશે કાં તો ઈતિહાસકારો, જેણે વત્તા - ઓછાં અંશે ભૂતકાળને ટટોરવાની કોશિશ કરી હશે. રાજકુમાર ફૂલની રક્ષા ખાતર પોતાના પુતરની કતલ થતાં જોઇ અને ચીંથરેહાલ અવસ્થામાં ગામડિયણ મજૂરણ દાસીબાઈ ઝીકડી ફુલને તેડી બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ ગઈ. આમ તેને દેશપ્રેમ કહો કે પછી સ્વામીભક્તિ, દાસી ઝીકડીએ તેને નિભાવીને ઇતિહાસના અમરપાત્રોમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે.      

        ઈ.સ. ૮૪૩માં કંથકોટનો કિલ્લો ચણાઈ ગયો હતો. જામ સાડ નામના રાજાએ કિલ્લો અને મોડકૂવો ચણાવી પોતાનું મુલ્લક આબાદ કરવા મચી પડ્યો. કંથકોટ હવે રમણીય ગિરિદુર્ગ બની ગયો. ત્યાં જૈન લોકોએ એક ભવ્ય જૈનમંદિર બાંધ્યું. ધરણે જોયું કે સાડની સત્તા વધતી જાય છે. તેને ધરમસંકટ ઊભો થયો. એક તરફ પોતાની બહેન તો બીજી તરફ પોતાનું રાજ્ય- કોને રાખવું? જામ સાડની ચડતી જોઇને તેનો સાળો, ધરણ વાઘેલા ઇર્ષાની આગમાં શેકાવા લાગ્યો. તેણે સાડને મારી નાખવાનો નિર્ણય કર્યો અને એક ભયંકર રાત્રે તે સાડના મહેલે જઈ તેને પથારીમાં જ ફેંસી નાખ્યો . સાડની દાસી ફારક આ બધું જોઈ ગઈ. તેણીને સમજાઈ ગયું કે ધરણ હવે સાડના પુત્ર ફૂલને પણ મારી નાખશે. તેથી તેણી પોતાના પુત્ર તથા ફૂલને લઈ તરત જ નાસવા લાગી. ધરણે સાડને તો મારી નાખ્યો હવે તેને સૂઝયું કે તેના પુત્ર ફૂલને પણ મારી નાખવો જોઈએ તેથી પોતાના સિપાહીઓને ફૂલને ગમે ત્યાંથી પકડીને મારી નાખવો એવો હુકમ આપ્યો. જામ સાડના મૃત્યુ સમયે પુત્ર ફૂલકુમાર હજુ બાળક હતો. ત્યારે ફારક દાસી તેને લઈ, સિંધ તરફ ભાગી નીકળી. ધરણ વાઘેલા પાછળ જ હતો. એને બચાવવા માટે ગમે તેવું બલિદાન આપવું પડી શકે છે, તેથી તેણીએ પોતાના પુત્રનાં કપડાં રાજ કુમારને અને રાજકુમારનાં પોતાના પુત્રને કપડાં પહેરાવી દીધાં. ધરણ વાઘેલાએ દાસીના પુત્રને ફૂલકુમાર સમજી મારી નાખ્યો. દાસી ફારક અવાક્ થઈ ગઈ પોતાના પ્રિય પુત્રનું આવું કારમું મૃત્યુ જોઈને તેણીનું હૃદય ફાટફાટ થવા લાગ્યું પણ તેણીને સંતોષ હતો કે મારા પુત્રના ભોગે પણ રાજકુમારને બચાવી લીધું છે. ફારક દાસી નિમકહલાલી નિભાવી તેને બાંભણાસરમાં દુલારા પાદશાહના રાજ્યમાં લઇ ગઈ. ત્યાં તે મોટો થયો. દાસીએ રાજાને બધી સાચી વાત કરી. દાસીની સ્વામીભક્તિથી ખુશ થઈને પાદશાહે પોતાની પુત્રીના લગ્ન ફૂલકુમાર સાથે કરાવ્યા. થોડા વર્ષ પછી પોતાના પિતાનો વેર વાળવા અને  મામાનો વધ કરવા ફૂલકુમાર કચ્છ આવવા નીકળ્યો. કચ્છમાં આવી મામા ધરણ વાઘેલાને ફાંસીએ ચડાવી મારી નાખ્યો. કચ્છમાં એક ડુંગર પર સુંદર સ્થાન જોઈ ત્યાં પિતાની જેમ જ કિલ્લો ચણાવવાનું  શરુ કર્યું અને નામ રાખ્યું ‘બોલાડીગઢ’. જ્યારે બધું બરાબર થઈ ગયું ત્યારે ફૂલકુમારે પોતાના માટે પોતાના પુત્રનો ભોગ આપનાર અને પોતાને રાજ્યપદ અપાવનાર દાસી ફારકનું નામ અમર કરવા એક નવું ગામ વસાવ્યું અને તેનું નામ દાસી ફારકના બીજા નામ ઝીકડી પરથી ‘ ઝીકડી ’ ગામ વસાવ્યું. આમ ફૂલકુમારે પોતાની માતા સમાન ફારકને દાસી નહીં પણ પોતાની સગી માતા હોય તેમ રાખતો અને તેટલું જ માન આપતો. તેને રાજી રાખવા તમામ પ્રયત્નો કરતો. રાજ્યના મોટા - મોટા નિર્ણયો પણ તેણીની સલાહથી લેતો.

        રાજા રામ, કૈકેયીમાતા અને તેની દાસી મંથરા તથા અકબર અને તેની દૂધમાતા માહમ અનગાની વાતો સૌ કોઈને ખબર હશે પણ આ દરેક કિસ્સાઓમાં દાસી નમકહરામી કરતી અથવા ક્રૂર હ્રદયી બતાવાઇ છે, જ્યારે દાસી ફારક ઝીકડી અને જામ ફૂલના પાત્રો પવિત્રતાને સ્પર્શ કરાવે છે, વાત્સલ્યની મહિમા રજૂ કરે છે. તો આ સકારાત્મક ઉદાહરણ પૂરું પાડનારું ઇતિહાસ કચ્છના જ ખુણે ધરબાયેલું કેમ રહે? નારીની મહત્તા તેના પ્રેમ, હુંફ, ત્યાગ, કરુણા, સહનશક્તિ અને શીલતા સાથે વણાયેલી હોય છે. સમાજમાં બની ગયેલાં આવા અલૌકિક કિસ્સાઓને યાદ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે.   

        માણસ અને દેશ ઘડવા લાગણી અને વિદ્વત્તાના બે કાંઠે વહેતી નદી જેવા અવતારી અજુબાઓ જ જોઈશે. દાસી ઝીકડી પણ એક અવતારી અજાયબી હતી. ધન્ય છે આવી વીરનારીને કે જેણે પોતે દાસી હોવા છતાં પોતાના રાજા ખાતર અને પોતાના વતન ખાતર પોતાની રાજ્યભક્તિ બતાવી. પોતાના પુત્રનું બલિદાન આપી અને ફૂલકુમારના પ્રાણ બચાવ્યા, મોટા કર્યા અને આખરે રાજ્ય અપાવ્યું. તેના બલિદાનને લીધે આજે પણ ભુજ તાલુકામાં હબાય ડુંગર પાસે “ઝીકડી” ગામ હયાત છે અને એ વીરાંગના દાસીની યાદગીરી કાયમ રાખી રહ્યું છે.

કૉલમ- "પાંજી બાઈયું"

પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 09/06/2020