pub-8726264906223836 વિચારોની વનમાળા: નિષ્ફળતાથી જ સફળતાનો માર્ગ ઢૂંઢનાર: આશા ગઢવી

Monday, 19 October 2020

નિષ્ફળતાથી જ સફળતાનો માર્ગ ઢૂંઢનાર: આશા ગઢવી


       જે ગામના દીકરાઓ માસ્ટર ડિગ્રી સુધી નથી પહોંચી શક્યા તે ગામની દીકરીએ તમામ દીકરાઓને પીછે છોડીને ગામ તથા ચારણ સમાજને ગૌરવ અપાવ્યું છે. પોતાના ગામમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરનાર અને એટલું જ નહીં સરકારી નોકરી મેળવનાર પહેલી દીકરી આશા ગઢવીની વાત આજે કરવાની છે. તેણે નાની ઉંમરે સંઘર્ષ વેઠયાં છે સાથે સાથે સફળતાના સોપાનો પણ સર કર્યા છે.

 

       મુંદ્રા તાલુકાના અતિ નાના શેખડિયા ગામમાં દીકરી- આશા; માતા દેવલબેન અને નાની બહેનની સાથે ખુશીથી રહે છે. આશા કહે છે કે, પિતાનો વ્હાલસોયો પ્રેમ તો બાળપણથી જ ગુમાવી દીધેલો પણ માતાએ જ અમને બંને બહેનોને લાડકોડથી ઉછેરીને મોટા કર્યા છે. પિતાના વ્હાલની ખોટ તેમણે કદીય સાલવા નથી દીધી. હું જ્યારે આઠમાં ધોરણમાં નાપાસ થઇ ત્યારે નક્કી કર્યું હતું કે, મારે આગળ નથી ભણવું પણ મારી માતાએ જ મને આગળ ભણવા સમજાવી અને કહ્યું કે, જો હું ખુદ ચાલીશી વટાવ્યે અભ્યાસ પ્રારંભી શકું તો તું કેમ નહીં? હું મુંદ્રા તાલુકામાં રહેતી કેટલીય દીકરીઓને ભણતી કરવા તેમના પરિવારોને સમજાવું છું અને મારી દીકરી મારા અને ગામ માટે મિશાલ કાયમ ન કરી શકે એવું કેમ બને?’ આમ તેમનો મારા પ્રત્યેનો દ્રઢ વિશ્વાસ સાચો સાબિત થયો અને ત્યારથી જ મેં ભણવા માટે પાછળ ફરવાનું કદી નથી વિચાર્યું. સક્ષમ જીવનનું હાલરડું મારી માતાએ મારા માટે એવું તે ગાયું કે છેક પોલીસની નોકરી સુધી પહોંચાડ્યું.

       શવાંગ ચેતનાની સાક્ષીશાએ; ના સિર્ફ માતાનું નામ રોશન કર્યું છે પણ શેખડિયા ગામના ઉજ્જવળ ભવિષ્યની ચિનગારી સાબિત થઈ છે. સ્વાતંત્ર્ય દિને ગામની સૌથી વધુ અભ્યાસ કરનાર દીકરીના હાથે ધ્વજ વંદન કરાવવાની સરકારની પહેલ બાદ આશાને પોતાના ગામમાં બે વાર ધ્વજવંદન કરવાની તક મળી છે, જેની સફળતાએ અન્ય દીકરીઓને પણ આગળ ભણવા માટે પ્રેરણા પૂરી પાડી છે. જેના દ્વારા તેના પરિવારે ટીકાઓની મહામારીમાંથી પસાર થવું પડ્યું હતું; એ જ સમાજ અને એ જ ગામની દીકરીઓ માટે આશા પ્રેરકરૂપ સાબિત થઈ છે આજે તેના લીધે ગામની અન્ય દીકરીઓ પોતાનું શાળાકીય જીવન હોંશેહોંશે આગળ વધારી શકી છે.

       આશા કહે છે કે, હું અને મારી બહેન ભણવા મુંદ્રા જતાં તો પાછળ જાતજાતની વાતો થતી અને મારી માતાને બધા કહેતા કે તું તારી દીકરીઓને ભણવા બહાર મોકલે છે તો પછી તે તારા કહ્યામાં નહીં રહે, તેની સલામતીના જોખમે ભણાવાની શી જરૂર છે? પરંતુ આ દરેક વાતો લાંબી ચાલી શકી નહીં, અમારો માતા પર અને માતાનો અમ દીકરીઓ પરનો વિશ્વાસ અડગ હતો અને અમે માં ના ચિંધ્યા માર્ગે આજે સફળ બની શક્યા છીએ.

       હાલમાં જ આશાને ગુજરાત સરકારની કોન્સ્ટેબલની ભરતીનો નિમણૂક પત્ર પ્રાપ્ત થયો છે અને ત્યારથી જ આશા વિધિવત ટ્રેનીગમાં જોડાઈ ગઈ છે. નકારનો આર મેળવતી નારી ભલે અબળા કહેવાય પણ તેની પાસે બુદ્ધિ ચાતુર્ય અને સહનશીલતા જેવા અસીમ શસ્ત્ર છે જેનાં ઉપયોગથી સ્ત્રીના સફળતાના માર્ગે તમામ પાસા સીધાં જ પડે છે.

       આશાનું બાળપણ પિતાની છત્રછાયા વગરનું વીતવું, પ્રાથમિક શિક્ષણ પછી આગળ ભણવા પરિવાર જ નહીં પણ ગામ અને સમાજની ટીકાઓને સહન કરવી, સામાન્ય ગરીબી સાથે જીવતા એક એક રૂપિયાનો હિસાબ સંતોષપૂર્વક મેળવવો, કોલેજ પછી માસ્ટર ડિગ્રી મેળવવા પોતાની સગાઈ તોડવા સુધીની નોબત સહન કરવી. આ બધા જ વાક્યો બોલવા કે લખવા સરળ હોઈ શકે પણ તે દરેક પરિસ્થિતિઓને જીવવું એટલું જ અઘરું છે.માં –દીકરીઓએ આવી કપરી પરિસ્થિતીઓમાં કોણ જાણે કેટલાય દિવસો વિતાવ્યા હશે? પણ આશાના જીવનનાં ઉખાણાં તો આવી જ રીતે ઉકેલાયા છે. સ્ત્રી સ્વાવલંબનના કિસ્સાઓ લોકો સમક્ષ રજૂ થાય એ ખૂબ સારી બાબત છે અને જરૂરી એટલા જ છે પણ આ સ્વાવલંબનની યાત્રા કેટલી કઠિન હોય છે એની પરિકલ્પના આપણું હૈયું હચમચાવી દે છે.

       જ્યારે સ્વાવલંબનની રાહ પકડો ત્યારે આડે આવતી મુશ્કેલીઓ તમારી સફળતાના એક માર્ગને બંધ કરી નાખે પણ બીજા દ્વારો ખુલ્લાં કરી દે છે, મહિલા માટે કામ કરતી સંસ્થા કેએમવીએસના સહયોગથી વણથંભી વાટ પકડનારા દેવલબેન અને તેમના પરિવારને અદાણી ફાઉન્ડેશનની પણ ઘણી મદદ મળી છે. જેના લીધે પિતાની છત્રછાયા વગર જ આશા, એકવાલી માતાના સશક્તિકરણની જીવંત ઉદાહરણ સાબિત થઇ છે. સ્ત્રી સ્વાવલંબનના ત્રિસંગાથી આ ચારણ દીકરી આશા કચ્છની શિક્ષણથી વંચિત દીકરીઓને ભણતી કરવા માટે પ્રેરકરૂપ ઉદાહરણ છે.

       “આપણો પરિવાર અને સમાજ યશસ્વી બને તે આપણી જવાબદારી છે.” આ આશાનો સંકલ્પ છે; એનો અર્થ છે કે આ કાર્યમાં પ્રાણ, મન અને સમગ્ર શક્તિ સાથે તે સંલગ્ન થઈ ગઈ છે. ભવિષ્યમાં શા જીપીએસસી વર્ગ 1ની પરીક્ષા પાસ કરીને રાજ્યને સમર્પિત સેવામાં પોતાની ફરજ અદા કરવા માંગે છે.



“કોઈનો સુધાર ઉપહાથી નહીં, તેને નવી રીતે વિચારવાની અને બદલાવવાની તક આપવાથી થાય છે.” આશા રાખું કે, આશાના આ પ્રેરક જીવનની કહાનીથી બીજી દીકરીઓ માટે વૈચારિક દ્રષ્ટિકોણ ધરાવતી હકારાત્મક આશાની કિરણ ફૂટશે.

 

કૉલમ: પાંજી બાઈયું

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

No comments:

Post a Comment