pub-8726264906223836 વિચારોની વનમાળા: કસદાર કચ્છની નટખટ અદાકારા: કોમલ ઠક્કર

Sunday 18 October 2020

કસદાર કચ્છની નટખટ અદાકારા: કોમલ ઠક્કર

કોમલ: “રડીને હળવીફૂલ થઈ જાઉં છું પણ કોઈ જ દુઃખને મનમાં નથી રાખતી.”

    ભારતીય ફિલ્મ જગતમાં ગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ વધી રહ્યું છે. આપણાં કચ્છ જિલ્લા પાસે પણ એવી અદાકારા છે જે પોતાના લાજવાબ અભિનયથી દર્શકોને પોતાની તરફ આકર્ષી શકે છે. 

રંગીન મિજાજી, નટખટ સ્વભાવ અને મનમોહક અદા છે જેની; તે કોમલ ઠક્કરને આજે જાણીએ. ફિલ્મ જગતમાં ઢાંસું એન્ટ્રી કર્યા બાદ આજે પૂરા પંદર વર્ષે તેણે પોતાના જીવનની રંગબેરંગી વાતો દિલ ખોલીને કરી.

        કોમલનો સાવ સામાન્ય પરિવાર છે, પિતાએ મીઠાઈની દુકાનમા મજૂરી કરીને છ બહેનો અને ભાઈને ઉછેર્યા. ગળથૂથીમાં રંગભૂમિ અને અભિનયના કોઈ સંસ્કાર મળ્યા નથી છતાય સ્વબળે પોતાના નામનો ડંકો વગાડનાર કોમલે માત્ર આંઠ ધોરણ સુધીનો અભ્યાસ કરેલો પણ ત્રીસી વટાવી ચૂકેલી કોમલે પાછળથી ઘરબેઠાં કોલેજ પૂરી કરી લીધી છે.  


        મનમોહક અદાઓની આ રાણીનો અભિનય માટેનો કોઈ વિચાર ન હતો પણ તેની બહેને 2004 મિસ કચ્છની સ્પર્ધામાં નામાંકન કરાવી દીધું. અનાયાસે કોમલે ભાગ લીધેલો અને મિસ કચ્છનો ખિતાબ જીતી લીધો. તે પછી તરત જ તેને દેવાનંદ સાથે એક નાનો રોલ ઓફર થયો તેમાં તેના કામની સરાહના થઈ, તેજ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યારથી જ આ ક્ષેત્રમાં આગળ વધવા પરિવારે પ્રેરણા આપી અને ધીરે ધીરે આ અભિનય કરવાની આવડત એ કોમલનો શોખ બની ગયો.




        કોઠાર ભરાય એટલા સન્માન પ્રાપ્ત કરી ચૂકેલી કોમલ કહે છે કે, મારી દરેક સિદ્ધિઓ મારી અકળ મહેનતનું પરિણામ છે. નાના કે મોટા, મેં દરેક રોલ ખૂબ જવાબદારીપૂર્વક નિભાવ્યા છે. કોમલ માને છે કે જો એકવાર કોઈ નબળું પ્રદર્શન લોકો જોઈ લે તો ફરી બીજીવાર તમને જોવા લાંબા સમય પછી રાજી થાય છે. તે કહે છે કે, અહિયાં તમને લોકોની મરજી મુજબ રહેવાનુ હોય છે. શરીર અને સુંદરતાને સતત જાળવી રાખવા પ્રયત્નો કરવા પડે અને આ બધાનો ખર્ચ ખૂબ હોય છે. તમને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ, ડાયેટ પ્લાનર, કોસ્ચ્યુમ ડિઝાઇનરને સાથે રાખીને જંગી ખર્ચા કરવા પડે છે ત્યારે તમે રૂપેરી પડદે સુંદર દેખાઈ શકો છો. આમ લોકોને દરરોજ કઈક નવું જોઈએ અને જો તમે તમારા ચાહકોને પસંદ કરતાં હોવ તો તે કરવું જ પડે.


        કોમલ અનુભવો વિષે કહે છે કે, મને કોઈ મોટી મુશ્કેલીઓ તો નથી આવી પણ આ ક્ષેત્રમાં ટકી રહેવા દિવસ- રાત જાગીને મારા પ્રોજેકટ પૂરા કર્યા છે, એક મજૂરની જેમ મેં મહેનત કરી છે. પણ કહે છે ને, 'મહેનતના ફળ મીઠા હોય' આજ કાળી મજૂરીએ મને આજે સફળતા અને ગૌરવ બંને અપાવ્યાં છે. દરેક કાર્યમાથી કઈક નવું કરવાની તથા શીખવાની પ્રેરણા મને મળે છે અને એટલે જ મને કોઈ પણ રોલ કરવામાં મુશ્કેલી નથી પડતી. મેં કોઈ પણ પ્રોજેકટ મરજી વિરુદ્ધ નથી કર્યા અને ઓફર આવી એટલે સ્વીકારી જ લેવું તે મને ન ચાલે એટલે તેને નક્કી કરવામાં હું ખાસ્સો સમય પણ લઉં છું.




        ગુજરાતી ફિલ્મો સાથે કોમલે રાજસ્થાની, પંજાબી અને હિન્દી જગતમાં પણ પોતાના નામનો સિક્કો જમાવી દીધો છે. માય ફાધર ઇકબાલ’, બેવફા સનમ તારી બહુ મહેરબાની’, ધરતી પરના ખેલ જેવી બહુ ચર્ચિત ફિલ્મોના લીડ રોલમાં કોમલે કામ કર્યું છે. માસુમ ચેહરો અને નટખટ સ્મિત રેલાવતી કોમલે દસ હજારથી વધુ આલ્બમોમાં પણ કામ કર્યું છે.


        છેલ્લાં ચાર વર્ષથી મુંબઈ રહેતી કોમલ મીઠાઇ ખાવાની ખૂબ શોખીન છે, જ્યારે પણ તે કચ્છ આવે ત્યારે કોઈજ ડાયેટને ધ્યાને લીધાં વગર મોજથી શુદ્ધ કચ્છી ભોજન લેવાનું પસંદ કરે છે. લોકડાઉનનો સમય તેણે કચ્છમાં જ વિતાવ્યું અને તે સમય દરમિયાન તેણે ત્રણ પ્રોજેકટ પણ ફાઇનલ કર્યા છે, તે ફિલ્મો હજી ફ્લોર પર ગઈ નથી એટલે હાલ તે જાહેર નથી કરવા માંગતી પણ કોમલની આવનારી ફિલ્મોથી દર્શકોને ભરપૂર મનોરંજન મળી રહેશે એ નક્કી છે.  


        ફિલ્મી સિતારાઓના આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓ અંગે કોમલ કહે છે, ફિલ્મી દુનિયા આખી અલગ છે, તેમાં ઘણા ઉતાર ચઢાવ છે, ઘણીવાર જીવન તાણગ્રસ્ત બની જાય છે. તેણે કહ્યું, આત્મહત્યા એ કોઈ ઉપાય નથી એટલે આવા સમયે હું રડીને હળવીફૂલ થઈ જાઉં છું પણ કોઈ જ વાત કે દુઃખ મનમાં નથી રાખતી. આપણાં કચ્છની ઓછી દીકરીઓ હશે જે રૂપેરી પરદે પદાર્પણ કર્યું હોય તો હું આવા કોઈજ નિરુત્સાહી પગલાં ભરીને કચ્છી દીકરીઓ માટે આ રસ્તો બંધ કરાવવા નથી માંગતી. મારે આ ક્ષેત્રમાં સારૂ કામ કરીને પોતાનું અને મારાં કચ્છનું નામ આગળ લાવવું છે.




        મક્કમ મનોબળ અને સુંદર દેખાવ તથા ઉચ્ચ અભિનય પ્રતિભા ધરાવતી કોમલ ઠક્કર ગુજરાતી ફિલ્મોનું ઘરેણું અને કચ્છની શાન છે. ગુજરાતી ફિલ્મોમાં આબાદ ભૂમિકાઓ ભજવનાર કોમલ હિન્દી ફિલ્મ જગતમાં પોતાનું નામ ઉજળું કરતી રહે તેવી શુભેચ્છા.

 

કૉલમ: પાંજી બાઈયું

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

No comments:

Post a Comment