કચ્છ કે ગુજરાતનું નહિ પણ દેશનું નામ રોશન કર્યું છે, ઊંચી ઉડાનો ભર્યા પછી પણ ‘ડાઉન ટુ અર્થ’ પેર્સનાલિટી લઈને ચાલે છે પાયલોટ પૂજા આહિર (પટેલ).
આપણાં દેશમાં એવું એકેય ક્ષેત્ર નહીં
હોય જેમાં મહિલાએ પદાર્પણ ન કર્યું હોય. કોઈ પણ કામ પુરુષ કે મહિલા માટે નથી
હોતું. આ કામ માત્ર આપણા નિર્ણય પર જ નિર્ભર કરે છે. મહિલા ધારે તે કરી
શકે છે. ‘સફળતા મેળવવાની ચાહ હોય તો રાહ આપોઆપ નક્કી થઈ જતી
હોય છે.’ ના સૂત્રને સાર્થક કરનારી પૂજા પાયલોટને આજે આપણે
જાણીએ.
મૂળ કચ્છના ભુજ તાલુકાના કાલી તલાવડીના
વ્યવસાય અર્થે ગાંધીનગર શિફ્ટ થયેલા રમેશભાઈ અને સરસ્વતીબેન આહિરની દીકરી પૂજાએ આકાશમાં ઊંચી ઉડાનો
ભરવા તેનું બાળપણનું સપનું સ્વબળે સાકાર કર્યું છે.
બાળપણથી જ એવિએશન ક્ષેત્રમાં કરિયર બનવાનું સપનું જોયું હતું એટલે મારી પાયલોટ બનવા માટેની તપાસ સતત ચાલુ રહેતી. ગાંધીનગરની માઉન્ટ કર્મેલ સ્કૂલમાં દસ પછી સાયન્સ ન હતું એટલે સેંટ ઝેવિયર્સમાં એડમિશન લીધું અને સારા ટકા સાથે બારમું પાસ કર્યું. કોલેજ કરવા નામ નોંધાવ્યું હતું પણ પાઇલોટ બનવા બારમું કાફી છે તો મને કોલેજ કરીને ત્રણ વર્ષ બગાડવા ન હતા. તેણે ઘરે પોતાના કરિયર બાબતે ઈચ્છા જણાવીને કીધું કે તે અમેરિકા જઈને ફ્લાઇંગ ટ્રેનીંગ લેવા માંગે છે. આ માટે તેણે નજીકમાં જ અમદાવાદ ફ્લાઇંગ સ્કૂલમાં પપ્પાને વિઝિટ કરાવી. ઘરમાં બધા સંકોચાયા કે હજુ બારમું પાસ કર્યું છે એટલી ઉંમર પણ નથી કે એકલી અમેરિકા મૂકી દેવું. યુવા પૂજાના મન પર ઝૂનૂન સવાર હતો કે ગમે તેવી પરિસ્થિતિઓ આવે પાયલોટ બનીને જ રહીશ. અને આજ ધગશને લીધે તેને ઘરમાંથી રજા મળી.
પૂજા કહે છેકે, ‘મેં જાતે જ અમેરિકા જવા મારૂ પાસપોર્ટ બનાવ્યું અને અમેરિકાની એવિએશન ફ્લાઇંગ સ્કૂલ એટલાન્ટામાં અડમિશન લીધું હતું. જ્યાં અમેરિકન કોચ સર જોન પાસે ટ્રેનીંગ લીધેલી. હું માત્ર 17ની ઉંમરે અમેરિકા ગઈ હતી એટલે ખાવા પીવામાં થોડી તકલીફ રહી કેમ કે મને ખાવાનું બનાવતા આવડતું ન હતું. પરંતુ સફલતા કે આગે કુછભી ટીક નહીં શકતા, ત્યાં મેં 14 જ કલાકની ફ્લાઇંગમાં સોલો ફ્લાઇંગ માટેની સક્ષમતા પુરવાર કરી દીધી. સો કલાક સોલો ફ્લાઇંગની સાથે કુલ 250 કલાકોની ઉડ્ડયન અભ્યાસ મેં દસ મહિનામાં જ પૂર્ણ કરી લીધું અને વર્ષ 2008ના અંતમાં કોમર્શિયલ પાઇલોટના લાઇસન્સ સાથે ભારત પરત ફરી. તે વખતે ઇંડિયન કોસ્ટ ગાર્ડની જાહેરાત આવી અને ‘ક્લાસ વન ગેઝેટેડ ઓફિસર’ બનવાનું પિતાનું સપનું પૂરું કરવા 2010માં ઇંડિયન કોસ્ટ ગાર્ડમાં પૂજા (શોર્ટ સર્વિસ કમિશન ઓફિસર રેન્જ) આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે જોડાઈ અને ઇન્ડિયન નેવલ એકેડેમી- કેરળમાં છ મહિનાની ટ્રેનીંગ પૂર્ણ કરી. તે કહે છે કે, આ મિલીટરી ટ્રેનીંગ ઘણી કઠિન હતી પણ સ્કૂલ સમયથી વિકસાવેલો સ્પોર્ટી એટીટ્યુડ ખૂબ કામ લાગ્યો. સ્કૂલ દરમિયાન પણ એથ્લેટિક્સમાં અવ્વલ, બાસ્કેટબોલ ટીમની કેપ્ટન તરીકે રહી ચૂકેલી પૂજા છોકરાઓને હંફાવી દેતી.
ટ્રેનીંગ બાદ પૂજાનું પહેલું
પોસ્ટિંગ નસીબજોગે ગુજરાતમાં પોરબંદર ખાતે થયું. પોરબંદરની યાદો સાથે તે કહે છેકે, ‘પેટ્રોલીંગ દરમિયાન કચ્છ રેંજમાં ઉડાન ભરવાનું થતું ત્યારે વતનને યાદ કરી લેતી.’
કલકતા અને દમણ પોસ્ટિંગ દરમિયાન પૂજાએ
અનેક ઓપરેશન કર્યા છે. ભારત-બાંગ્લા બોર્ડર પર વાવાઝોડાને લીધે 200થી વધુ માછીમારો
ડૂબી ગયા હતા એ સર્ચ- રેસક્યુંની કામગીરીમાં તેની સરાહના થઈ હતી. માલદિવ્સના
નાના-નાના ટાપુઓ પર લગાતાર ચાર દિવસના સર્ચ રેસક્યુંના ઓપરેશનમાં પૂજાએ બધી
એરક્રાફ્ટ લેન્ડ કરાવીને પોતાની બહાદુરીનો ડંકો બોલાવ્યો હતો. તે પછી ભારત, માલદિવ્સ
અને શ્રીલંકા દેશોની સંયુક્ત પ્રેક્ટિસ થઈ હતી જેમાં પુજા એકમાત્ર મહિલા પાઇલોટ
તરીકે પર્ફોર્મન્સ આપ્યું હતું.
વધુમાં પૂજા કહે છેકે, ‘કો-પાઇલોટ તરીકે મહિલાને સ્થાન મળતું હોય ત્યાં વર્ષ 2015માં ઈતિહાસમાં પ્રથમવાર
ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડના નેશનલ ફ્લિટ રિવ્યુના ફોર્મેશન ફ્લાઇંગ વખતે લીડિંગ
પાઇલોટ તરીકે મારી પસંદગી થઈ. કેટલાય ઓફિસરોને પોતાની 60 વર્ષની કારકિર્દીમાં ન મળે
તે અનુભવ હું કરી શકી જે મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ રહેશે.’
ઘણી સિદ્ધિઓ હાંસલ કરી જેના લીધે
દરેક કચ્છીની છાતી ગજ ગજ ફુલે. શ્રેષ્ઠ પાઇલોટનો ખિતાબ જીતનારી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં પાઇલોટ તરીકે સ્થાન
મેળવનાર પ્રથમ કચ્છી યુવાદીકરી પૂજાનું વર્ષ 2009માં ઝારા ડુંગર ખાતે
અષાઢી બીજની ઉજવણી કાર્યક્રમમાં તે વખતના મુખ્યમંત્રી અને હાલના દેશના
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
ઇન્ડિયન કોમર્શિયલ પાઇલોટનું લાઇસન્સ
મેળવનાર પૂજાએ નક્કી કરેલું કે, સિવિલ પાઇલોટ બનીને પેસેંજર પ્લેન ઉડાડશે
એટલે કોસ્ટ ગાર્ડમાં ડેપ્યુટી કમાન્ડન્ટના હોદ્દા સાથે આઠ વર્ષ પછી નિવૃતિ લીધી
અને 2018માં ઈંડિગો એરલાઇન્સમાં કેપ્ટન તરીકે જોઇન કર્યું અને હાલમાં તે ચેન્નઈ છે. પૂજાના વિવાહ ગાંધીધામ નક્કી થયા છે અને 14 વર્ષ ઘરથી દૂર રહેનારી પુજાની
એકજ ઇચ્છા છે કે સગપણ પહેલા અમદાવાદ ટ્રાન્સફર થાય તો થોડો સમય પરિવાર સાથે
વિતાવે.
પૂજા કહે છે કે, ‘જીવનને શાંતિપૂર્ણ રીતે પસાર કરવાની રીત એ છે કે પોતાની મુશ્કેલીઓનું મૂલ્ય આંકી કદર કરો, તેમાથી શીખ મેળવીને આગળ વધો. મેં પોતાના મનનો અવાજ સાંભળ્યો અને દેશનું માન વધાર્યું. આ બધું મારા માતા-પિતાના સહકારને આભારી છે જો એમણે મને રોકી હોત તો હું ક્યારેય આગળ વધી શકી ન હોત.’
એવો એક સમાજ કે જ્યાં બાળવિવાહની પ્રથાઓ હતી, જે શાળામાં જેઠ ભણતો હોય ત્યાં વહુને ન મોકલી શકાય. ભરતકળામાં પ્રખ્યાત આહિરસમાજ અનેક કુરિવાજોને ત્યજીને સમૃદ્ધ સમાજ સાબિત થયો છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂજા અને તેનો પરિવાર છે.
કૉલમ- "પાંજી બાઈયું"
પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન
તારીખ: 22/09/2020
Congratulations
ReplyDeleteThank You 😊
DeleteCongratulations
ReplyDeleteAll the best for future endeavour
Thank You Very Much ☺️
DeleteCongratulations..!!!
ReplyDelete