pub-8726264906223836 વિચારોની વનમાળા: કળા, કૌશલ્ય અને કસબનું ત્રિવેણી સંગમ : કંકુબેન વણકર

Friday, 10 July 2020

કળા, કૌશલ્ય અને કસબનું ત્રિવેણી સંગમ : કંકુબેન વણકર

જે ગામનાં જળ, જમીન, જંગલ, જનતા દરેકનો વિકાસ થયો છે તે ગામનાં સરપંચની સંઘર્ષ સાથે સ્વાવલંબનની યાત્રા ખરેખર નોંધનીય છે.


    કચ્છ જિલ્લાની કેટલીયે ગ્રામ પંચાયતો એવી છે કે જ્યાં સરપંચ તરીકે મહિલાઓ છે પરંતુ તેમને પંચાયતની કામગીરી કરવાની કોઈ અનુમતી હોતી નથી. પંચાયતના દરેક કાર્યો “સરપંચ પતિ” દ્વારા કરવામાં આવે છે; પણ કુક્માના સરપંચ કંકુબેન સાથે એવું નથી, તેમના પતિએ જ ચુંટણી માટે નામાંકન કર્યું અને પત્ની માટે પ્રચાર પણ કર્યો. ભારે બહુમતીથી વિજય મેળવીને સરપંચ પદ મળતા જ તેઓ ગામની સુખાકારી માટે કામે લાગી ગયા છે એટલું જ નહીં કંકુબેનની નિષ્ઠાને લીધે કચ્છભરની તમામ અગ્રેસર સંસ્થાઓ રાજીપે કુકમા માટે કામ કરવા પ્રેરાય છે.

    કંકુબેન વણાટકામનાં અચ્છા કારીગર પણ છે તેઓ સાડી વણાટમાં રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવી ચુક્યા છે. વર્ષ 2015માં નેશનલ હેન્ડલૂમ દિવસની ઉજવણીની સૌપ્રથમ શરૂઆત થઈ જેમાં સમગ્ર ભારતમાંથી એકમાત્ર મહિલા કારીગર કંકુબેને પીએમ મોદીજી સમક્ષ પ્રદર્શન આપ્યું હતું.  

    કંકુબેન પોતે સાતમા ધોરણથી વધારે ભણી નથી શક્યા પરંતુ ગામની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહિત કરી શકે તે માટે નવતર પગલું ભર્યું છે. તેમણે ગામની શિક્ષણમાં તેજસ્વિ દીકરીઓના નામથી ગામના 16 માર્ગોને શણગારી દીધા છે. કેન્દ્ર સરકારની બેટી બચાઓ, બેટી પઢાઓયોજના હેઠળ રસ્તાઓના નામ દીકરીઓના નામે રાખવાનું નક્કી થયું હતું જેની અમલવારી કચ્છમાં છેક ફેબ્રુઆરી 2020માં થઈ જ્યારે કંકુબેને આ દૂરંદેશી પગલું 2 વર્ષ પહેલાં જ લઈને તેમની આગવી કાર્યશૈલીનો પરચો કરાવ્યો હતો.

    કંકુબેને પોતાની કોઠાસુઝથી ગામના કાર્યો કર્યા છે. જેવા કે ગામનાં સીસી રોડ બનાવ્યા, તેમજ વિધવા સહાય યોજનાના ફોર્મ પણ ભરાવીને સહાય અપાવી છે. એકલ શક્તિ યોજના ધ્વારા વિધવા મહિલાને તાલીમની સાથે રોજગારી આપીને જે પહલ કરી છે તેનાં થકી ગામમાં મહિલા સશકિતકરણ શક્ય બન્યું છે. તેઓ સરપંચ બન્યા પહેલાંથી જ પોતાની સાથે 30 જેટલી બહેનોને વણાટકામમાં સાથે જોડીને રોજગારી આપતા હતા.

    દારૂવિરોધી ઝુંબેશની ગમે તેટલી પ્રેસનોટ છપાય કે શપથ લેવાય, તેનું પરિણામ જોવા મળતું નથી પણ કંકુબેનના રાજમાં દારૂ વેચવા પર જ પ્રતિબંધ છે અને એ કોઈ તોડતું નથી.

ગામમાં વિશાળ જગ્યા ખુલ્લી હતી જ્યાં લોકો કચરો ફેંકતા તેથી તે જગ્યા દુર્ગંધ મારતો ઉકરડો બની ગઈ હતી, કંકુબેને આ જગ્યાને સાફ કરાવીને, ચોતરફ દીવાલ ચણાવી દીધી અને તેને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે ચોક નામ આપી દીધું. આજે આ જગ્યાએ ગૌસેવા, મહિલા ઉત્થાન તથા સતસંગની પ્રવૃત્તિઓ થઈ રહી છે.

    કુક્મા ગામના બાળકો માટે કોમ્પ્યુટર ટ્રેનિંગ સેન્ટર, વિદ્યાર્થીઓ અને જીજ્ઞાસુઓ માટે ગ્રંથાલય સહિતની તમામ સુવિધાઓ આપવામાં આવી છે. આખુય ગામ સીસીટીવી કેમેરાથી લેસ છે, આ સિસ્ટમના કારણે તેઓ ગુનાખોરીનું પ્રમાણ ઘટાડી શક્યા છે, સાથે જાહેરમાં ફેકાતા કચરા અને સરકારી સંપત્તિને નુકશાન થતુ પણ અટકયુ છે. કંકુબેન ખુદ પોતાની ઓફિસમાં સીસીટીવીનું કંટ્રોલ રાખીને સમગ્ર ગામમાં દેખરેખ રાખે છે. 

    તમે કુક્મા જાઓ તો કંકુબેન પંચાયત ઓફિસેથી સીધા જ તળાવ દેખાડવા લઈ જાય અને સ્વચ્છ તળાવ જોઈને આભા થઈ જવાય અને ત્યાં કિનારે સુંદર ઘાટ બનાવ્યું છે. આ તળાવની ખાસિયત છે કે કંકુબેને ધર્મ સાથે સ્વચ્છતાને જોડી દીધું છે, ત્યાં દર અમાસે લોકો ભેગા થઈને સફાઈ કરે છે.

    ટેકનોલોજીની દ્રષ્ટિએ જુઓ કે રોજગારી, વીજળી, પાણી સહિતની તમામ સુવિધાઓ કંકુબેને ઉપલબ્ધ કરાવીને સમગ્ર દેશમાં કુક્માને દિનદયાળ ઉપાધ્યાય શ્રેષ્ઠ ગ્રામ પંચાયત- 2020નો એવોર્ડ પણ અપાવ્યો છે. વિકસિત શહેરને પણ ટક્કર મારે તેવી સુવિધાઓ જોઇ લોકો કુક્મા ગામના વિકાસની ચર્ચાઓ કરતા થઇ ગયા છે તેથી જ 11થી વધુ રાજ્યોના પ્રતિનિધિઓએ આ ગામની મુલાકાત લઇ પોતાના ગામમાં વિકાસ મોડેલ તરીકે કુક્માને પસંદ કરે છે.

    સરપંચ તરીકે ટકી રહેવા માટેનો સંઘર્ષ ખેડતાં વર્ષોથી ગામડાઓમાં પરંપરાગત રીતે ચાલતા જ્ઞાતીવાદ અને ઉંચનીચનાં ભેદભાવનાં ભોગી તેઓ પણ બન્યા છે પરંતુ એ બધાથી હારી થાકીને બેસી જવાના બદલે તેમણે ગામનાં સેવક બનીને ગ્રામવિકાસના કામો કરવા માંડયા છે. કંકુબેન કહે છે કે, “ગામલોકોની પાયાની સમસ્યાઓ દુર કરીને સમૃધ્ધી લાવી પરંતુ આ બધુ થયુ એટલે મારા વિરોધીઓના પેટમાં તેલ રેડાયુ તેમણે કોઇ પણ ભોગે મને બદનામ કરવાના અને હેરાન કરવાનાં પેંતરા રચ્યા; પરંતુ આવા કોઇપણ પ્રપંચને વશ નહિ થાઉ તે વાત પણ નકકી છે કારણ કે મેં નેમ લીધી છે કે હાઇકોર્ટમાં જવાનુ થશે તો જઇશ પરંતુ મારી સાચી નીતી અને ગામના વિકાસ બાબતે નમતુ નહિ ઝોખું.

    ખરેખર, “માણસની ઇચ્છા હોય કે ન હોય, છતાં જીવનમાં પરિવર્તનશીલ પરિસ્થિતિઓ આવતી રહે છે. જે વિપરીત પરિસ્થિતિઓમાં કેટલાક લોકો રડતાં હોય છે, એજ મુશ્કેલીઓમાં બીજી વ્યક્તિ ઉત્સાહથી નવીનતમ કાર્ય કરતી હોય છે અને આ સાહસ તેમની જીવનપર્યંત સફળતાનું મૂળ હાર્દ બની જાય છે.”

    લોકડાઉનનાં સમયમાં પણ પંચાયતી સરકારી સહાય સાથે શ્રમજીવીઓને રોજગારી આપીને અનુકંપા દાખવી હતી. લોકોને ફાયદો થાય તો તેમની શ્રદ્ધા બેવડાઈ જાય આમ કંકુબેનને કારણે ગામ સ્વચ્છ, સુરક્ષિત અને સમૃદ્ધ બન્યું છે. કચ્છનું સૌથી નોંધપાત્ર ગામ કુક્મા દરેકના હોઠે આવી જાય. કોઈ એમ કહે કે કુક્મામાં રામરાજ્ય છે તો તે ખોટું નથી. કંકુબેને ગામને એવું કંડાર્યું છે કે અન્ય ગામોનાં પ્રતિનિધિઓ તેમના રાહચીંધ્યા માર્ગે ચાલવા મજબૂર બન્યાં છે.

    હું તો એમજ કહીશ કે, "આ ગામની નવી પેઢી એક સરપંચ મહિલાને નિડરતાથી નિર્ણય લેતા જોઈને મોટી થઈ રહી છે જેથી તેમને પણ સ્વાવલંબનની પ્રેરણાત્મક દિશા મળી રહેશે."

 

કૉલમ: પાંજી બાઈયું


પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 07/07/2020

                                                       લેખક: પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com


No comments:

Post a Comment