pub-8726264906223836 વિચારોની વનમાળા: શારીરિક- માનસિક જખ્મો ભરવાનું કામ કરતી ‘ધ મમ્મી’

Tuesday 31 August 2021

શારીરિક- માનસિક જખ્મો ભરવાનું કામ કરતી ‘ધ મમ્મી’

 


પોલીસ, પોલિટિક્સ, પત્રકારત્વનું સંગમ રાચતી સહિષ્ણુ સમાજસેવિકા છે: ત્રિવેણીબહેન આચાર્ય

 

'જેને પ્રેમ કર્યો એણે જ મને વેંચી દીધી', 'ઔરત હોતી હી હૈ જિસ્મકી પ્યાસ બુઝાને કે લિયે', 'દીકરી વેંચીને રોટલો ખાઈ શકીશું', 'માલ કો બેચ માલ કમાયેંગે', 'ડિમાન્ડ હૈ સપ્લાય તો દેના હી પડેગા' વાક્યો પરથી સીધી ખબર પડે કે ક્યાંક ભૂખ સંતોષવા તો ક્યાંક પૈસા કમાવવા માનવવ્યાપ્ત દેહવેપારની વાત છે. 

અમાંગલિક દેહવેપાર અત્ર, તત્ર, સર્વત્ર છે. ઇતિહાસ કથિત કિસ્સાઓ તથા વર્તમાન પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. વિવિધ ભાષામાં વિવિધ સાહિત્ય પ્રકારે નગરવધુ, વેશ્યા, તવાયફ, સેક્સવર્કર, ગણિકાની વાતોને, ભાવનાઓને, પરિસ્થિતિઓને આલેખવામાં આવી છે. પણ સમાજથી તિરસ્કૃત મહિલાના જીવનને સમજતી મહિલા કે સંસ્થાને એકવાર તો સમજવું જોઈએ. ખેર સંસ્થાની વાત ફરી ક્યારેક માંડીશું આજે વાત કરીએ એક વિરાંગનાની. તેણે ગુલાબી સપનાં બતાવી પોતાના ચુંગલમાં ફસાવતાં દલાલોના સાર્વજનિક નેટવર્કમાંથી, છેલ્લા અઢી દાયકામાં 15000 થીવધુ દીકરીઓને રેસક્યુ કરી છે, જે 'રેસ્ક્યુ ફાઉન્ડેશન' ચલાવે છે.




આપણે તો વહુને આખી જિંદગી નીકળી જાય તોય ધિમાનવાનું ચૂકી જઈએ છીએ. પણ ત્રિવેણીબહેને તો હજારો પારકી દીકરીઓને પોતાની બનાવી છે. જેઓ તેમને મમ્મીકહીને જ બોલાવે છે. આ 'મમ્મી'એ પુત્રીનો ઉછેર, સારાં સંસ્કારોનું સિંચન, ભણતર આપવા સાથે રોજગાર મળી રહે તેવા પ્રયત્નો ઉપરાંત જે દીકરી ઈચ્છે તેમનું કન્યાદાન પણ કર્યું છે.

અનેકોવાર જાનથી મારી નાખવાની ધમકીઓ વચ્ચે બહેનને 24 કલાક પોલીસ રક્ષણમાં રહેવું પડે છે. ખરાં અર્થમાં બેટી બચાઓની કામગીરી કરનાર તે વીરાંગનાને સેવાનાં કામો કરવાં બદલ ઘણી ટીકાઓ સાંભળવી પડી છે. ઘરમાં પણ સખત વિરોધ થતો કે સમાજ કલ્યાણ બીજાં કામો છે, દેહ વ્યાપાર કરતી દીકરીઓને બચાવવાનો ભૂત ઉતારી નાખ. રેડલાઈટ એરિયામાં જ કામ કરવું જરૂરી નથી. એક તરફ માથાભારે શખ્સની ધમકીઓ હોય તો બીજી તરફ રાજકારણીઓનાં દબાણ પરંતુ ત્રિવેણીબહેન તદ્દન વિરુદ્ધ દિશામાં કામ કરતાં હોય, જરૂર પડે તો પતિનો સહારો લે અથવા પત્રકારત્વની તાકાત બતાવે. કશાયની પરવા કર્યા વિના બચાવ કામગીરીમાં દિલ-ઓ-દિમાગ ખપાવી દે.




વર્ષ 1993ની વાત છે. સુનિલ દત્ત રક્ષાબંધન રેડલાઈટ એરિયામાં ઉજવશે જેને ત્રિવેણીબહેન રૂબરૂ જઈ કવર કરવાની હિંમત બતાવી અને ગયા પણ. દલાલોના ચુંગલમાં ફસાયેલી દીકરીએ મદદ માંગી અને આ લાચારીભરી દાસ્તાનથી ત્રિવેણીબહેન હલબલી ગયા. તેઓ ઘરે આવ્યા અને પતિને રજુઆત કરી કહ્યું કે મારે એ દીકરીને બચાવવી છે.તેઓ પોલીસ મદદ સાથે દીકરીને બચાવવા ગયા ત્યારે બીજી 14 યુવતીઓએ આઝાદી માટે કણસવા લાગી. દારૂ-સિગારેટની આદત, ગાળો બોલવી, રાતે જાગે ને દિવસે ઊંઘે. તમામ ખરાબ આદતો સાથે એક કે બે નહિ; 15 દીકરીઓને ઘરે લઇ આવ્યા. દંપતીએ દીકરીઓને બચાવી તો લીધી પણ રાખવી ક્યાં? લોકોની મદદ માંગી તો જવાબ મળ્યો, 'સમાજસેવાનો ભૂત વળગ્યો છે તો ભોગવો'. નેપાળી ચહેરાં હતા એટલે ઘરે પરત મુકવા નેપાળ ગયા પણ 3-4 દીકરીને જ પોતાના ઘર યાદ હતા અને બાકીની દીકરીઓને ત્યાંની જ 'મૈતી' મહિલા આશ્રમમાં છોડી. 

આ અનુભવે દંપતીએ સમાજથી તિરસ્કૃત મહિલાવર્ગ માટે નેપાળની 'મૈતી' સંસ્થાની બ્રાન્ચ મુંબઈમાં ઉભી કરી અને રેડલાઇટ એરિયામાંથી શોષિત દીકરીઓને બહાર કાઢવા પ્રય્તનશીલ બન્યાં. પરંતુ આ પ્રયત્નો ખુબ કપરાં હતા. રોકાણ, મિલકત, દાગીના બધું વેંચી દીધું. આર્થિક ભીંસ સાથે પણ મનોબળ ગુમાવ્યા વિના સંકલ્પને જીવંત રાખ્યું. ત્રિવેણીબહેન કહે છે, 'સારું કામ કરો એટલે કુદરત મદદ કરે. એવું જ અહીંયા થયું. વર્ષ 2000માં અમેરિકાથી રિબોક કંપની દ્વારા એક લાખ ડોલરના પુરસ્કાર સાથે 'હ્યુમન રાઈટ એવોર્ડ' જાહેર થયો. પણ લેવા કેમ જવું? બેંક બેલેન્સ ન હતી એટલે વિઝા મળી નહીં. પણ સૌથી પહેલા રેસ્ક્યુ ઑપરેશન વખતે એક નેપાળી દીકરીને મુંબઈમાં નોકરી માટે સાથે લઇ આવેલા તેને પુરસ્કાર લેવા મોકલી. એ પુરસ્કારની રકમ અમારા માટે ખરેખર ખુબ મહત્વની હતી જેના સહારે અમે 'મૈતી' ને રેસ્ક્યુ ફાઉન્ડેશનનું નવું સ્વરૂપ આપી શક્યા. પછી તો વિવિધ દાતાઓની મદદથી વિશાળ સેન્ટર બનાવ્યું, એઇડ્સ હોસ્પિટલ બનાવી. વહીવટી જવાબદારી, કાનૂની કાર્યવાહી, દાનની સગવડ કરવી, સ્ત્રી સુરક્ષા અને સન્માનની જાળવણી કરવી એ સહેલી બાબત નથી. આજે તેમના સંસ્થા સંચાલનના સફળ સાહસો દિલ્હી, મુંબઈ, પુના અને પાલઘરમાં ચાલે છે. માનસિક- શારીરિક રીતે ઘવાયેલી દીકરીઓ કોઈ ખોટું ન કરી બેસે તે માટે સતત દેખરેખ રાખવી પડે. તેઓ પીડામાંથી બહાર આવે, હકારાત્મક નવજીવનની શરુઆત કરે તે માટેના તમામ પ્રયાસો બહેનની સંસ્થા કરે છે. તેમણે ગુજરાતનાં સુરત, રાજકોટ, અમદાવાદમાં પણ ઘણી દીકરીઓને રેસ્ક્યુ કરી છે. જેને આ ઉમદા કામગીરી બદલ અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. 

રાપર તાલુકાના માથેલ ગામની પરાજીયા રાજગોર જ્ઞાતિની આ દીકરીના લગ્ન નવમાં ધોરણમાં હતી ત્યારે આર્મીમેન બાલકૃષ્ણ આચાર્ય સાથે થયેલા. લગ્ન પછી તેમણે ભણવાનું ચાલુ રાખ્યું, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વની બે માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી. 57 વર્ષીય મહિલા આજે ત્રીજી માસ્ટર ડિગ્રી સમાજકાર્ય વિષય સાથે ભણી રહી છે.

વર્ષ 2005માં પતિના મૃત્યુ બાદ સમાજની વચ્ચે પરિવારની સાથે રહી તમામ જવાબદારી બહેને એકલાં હાથે સંભાળી છે. તેઓ દિલેર સામાજિક કાર્યકર છે, જેણે પોતાના ઘરમા જ દોજખ જેવી જિંદગીમાંથી છૂટેલી સ્ત્રીઓની માવજત માટે શેલ્ટર હોમની શરૂઆત કરી હતી. તે સહિષ્ણુ પત્ની છે, જે પોતાના જ પતિને ગ્રાહક બનાવીને તે અરિયામાં મોકલતી અને પીડિત દીકરીઓને બચાવવા માટેની યોજના ઘડતી. ન્યુઝ પેપરમાં પ્રૂફ રીડર તરીકેની શરૂઆત કરતાં સ્પેશિયલ રિપોર્ટર તરીકેની ઉમદા કામગીરી કરી બતાવી. આટલું જ નહીં કૂટણખાનામાં ફસાયેલી સ્ત્રીઓને રેસક્યુ કરતી વખતે મળતી ધમકીઓ અને દબાણોને નીપટવા, સચ્ચાઈને બહાર લાવવા પત્રકારત્વના વ્યવસાયનો બખૂબી ઉપયોગ કર્યો, જે તેમની ભણતર સાથે ગણતરની સફળતા સૂચવે છે. તેમણે સંસ્થાની દીકરીઓને તૈયાર કરી છે અને કહે છે કે, ‘કાલસવારે હું નહીં હોઉં તોય મારી આ પેઢી બધું સંભાળી લેશે.




આપણાં કચ્છને રજવાડાઓએ અલગથી રેડ લાઈટ એરિયા ફાળવ્યો હતો જે સમય રહેતા વિલુપ્ત થયો પણ વ્યવસાય તો ફૂલ્યોફાલ્યો છે. આજે 20 હજાર થી વધુની બોલી એક સર્વિસ માટે ડિમાન્ડ કરવામાં આવે છે અને આ કોઈ મેટ્રોના ભાવ નથી. ઘણી શાખસંગત મહિલાઓ દલદલમાં ફસાયેલી રહી ગઈ હશે. કાશ ત્રિવેણીબહેન જેવા કોઈ મહિલા કચ્છને પણ મળે જે આ તિરસ્કૃત વર્ગ માટે નક્કર પરિણામો લાવી આપે!

 

 

કૉલમ: પાંજી બાઈયું

                                                       લેખક: ડૉ. પૂર્વી ગોસ્વામી

                        Email: purvigswm@gmail.com

 

 

1 comment: