‘1954માં પેરીનને પદ્મ શ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું.’
‘સ્વતંત્રતા સેનાની તરીકેના નવરોજી બહેનોના નિશ્ચય અને પ્રદાન માટે મહદઅંશે વૈશ્વિક ધ્યાન મળ્યું હશે પણ શું કચ્છમાં આપણે આપ્યું? એ ભારતના એવા મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની વાત છે જે 21મી સદીમાં ભૂલાઈ ગઈ છે.’
આપણે સૌ જાણીએ છીએ કે કચ્છમાં પારસીઓ ભલે ઓછા હોય પણ તેમનું પ્રદાન ઘણું મોટું છે. કચ્છના વિકાસમાં પારસીઓનો ફાળો વિશેષ છે. આ સંદર્ભે દાદાભાઈ પછી ડો. નૌશીર દસ્તૂર અને રુસ્તમજી ડાંગોર આ બે નામ મોખરે છે. ડો. નૌશીર કચ્છના પ્રથમ ધારાસભ્ય હતા. દાંતના ડોકટર તરીકેની તેમની સેવા ઉલ્લેખનીય હતી એટલે જ લઘુમતીમાં હોવા છતાય તેમનો સેવાભાવ ધારાસભ્ય બનવા ખરો સાબિત થયો. 17 વર્ષ સુધી નગરપતિ તરીકે સેવા આપનાર રુસ્તમજીનું નામ પણ નોંધનીય છે. ગુજરાતની એમટીઆર 29 નગરપાલિકાઓમાં શરૂ કરેલ નગર સમુદાય વિકાસ યોજનાનો પ્રારંભ કચ્છના માત્ર અંજારમાં રુસ્તમજીના પ્રયાસોથી કરવામાં આવેલ હતો. ખેર આપણે વાત કરીએ આપણી નવરોજી બહેનો વિષે.
પેરીનબેનનો જન્મ 12 ઓક્ટોબર 1888ના રોજ માંડવીમાં થયો હતો. તેણે મુંબઇમાં શિક્ષણ મેળવ્યું હતું અને પેરિસ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચની ડિગ્રી પૂર્ણ કરી હતી. અભ્યાસ દરમિયાન તેઓ મેડમ ભીખાભાઇ કામા, લાલા હરદયાલ, શ્યામજી કૃષ્ણવર્મા જેવા ક્રાંતિકારીઓને મળ્યા અને ત્યારથી જ રાષ્ટ્રવ્યાપી આઝાદીની ચળવળમાં સક્રિય બન્યા હોવાનું મનાય છે.
બહેન ગોશી લન્ડનમાં અભ્યાસ કરતી હતી. ભારતમાં બલિદાનની પરંપરા સાથે બંગાળ પંજાબ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ક્રાંતિકારીઓ સફળ થયા હતા તેમાં ભારતીય કચ્છી યુવતી પણ ભળી. એક પોલિસ ક્રાન્તિકારી પાસે ગોશી અને પેરીનબેને બોમ્બવિદ્યા શીખી હતી. ઈન્ડો ઇજિપ્ત પરિષદમાં બ્રસેલ્સમાં ગોશીએ પ્રથમવાર વિશ્વના તખ્તાં પર ‘વંદે માતરમ’ ગીત ગાયું હતું, જરા વિચારો તે ક્ષણ કેવી રોમાંચક હશે?
1911માં, પેરીન ભારત આવ્યા અને બ્રિટિશરોના હાથે તેણે અહીં ખૂબ જ અપમાનજનક ભેદભાવ અનુભવ્યો. 1919માં, પેરીન અને ગોશી મહાત્મા ગાંધીજીને મળ્યા અને ગાંધીજીના અનુયાયી બન્યા. તેમણે ગાંધીજીના 'વિદેશી છોડો, સ્વદેશી અપનાવો'ના અભિયાનને પગલે ખાદીનાં કપડાં પહેરવાનું શરૂ કર્યું અને ખાદી તથા હરિજન મુક્તિના પ્રમોશનમાં સામેલ થયા. સ્વદેશીની બનતી, દારૂ પર પ્રતિબંધ અને મહિલાઓનું આયોજન, પેરીનબેનનો પ્રિય વિષય બની ગયો હતો. 1921માં તેમણે સરોજિની નાયડુ સાથે રાષ્ટ્રીય સ્ત્રી સભાની રચનામાં નોંધપાત્ર યોગદાન આપ્યું, જે ગાંધીવાદી આદર્શો પર આધારીત મહિલા અભિયાન હતું.
1925માં, પેરિને ધૂનજીશા કેપ્ટન સાથે લગ્ન કર્યા, જે વકીલ હતા. લગ્ન પછી પણ તે રાજકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી. 1930માં તે બોમ્બે પ્રાંતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદ માટે ચૂંટાયેલી પ્રથમ મહિલા બની. તેમણે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરેલા સમૂહ અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો અને જેના કારણે તેમને ધરપકડ કરવામાં આવ્યા હતા અને 1930માં જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. 1932માં જેલમાંથી મુક્ત થયા પછી, પેરીનબેને ગાંધી સેવા સેનાના સચિવ તરીકે સેવા આપી હતી અને 1935માં સ્થાપિત હિન્દુસ્તાની પ્રચાર સભાના કાર્યમાં પણ જોડાયા હતા. તે મુંબઈ પ્રદેશ કોંગ્રેસની સંઘર્ષ સમિતિની પ્રથમ મહિલા પ્રમુખ હતી. તે વિનાયક દામોદર સાવરકરને લંડનની જેલમાંથી મુક્ત કરવાની પ્રક્રિયામાં સામેલ હોવાનું કહેવાય છે. મેડમ કામા બગડેલી તબિયત સાથે ભારત પાછા ફર્યા અને મુંબઈની હોસ્પીટલમાં સારવાર લીધી હતી જ્યાં આ નવરોજી બહેનોએ તેમની શુશ્રુષા કરી હતી.
તેમની સૌથી નાની બેન ખુરશીદ (1894-1966) તો આ બંને બહેનો કરતાં પણ વધુ બહાદુર હતી. રાષ્ટ્રવાદી ચળવળમાં પોતાને માટે વિશેષ અનોખી ભૂમિકા તેમણે ભજવી હતી. તે તો સંગીત નિષ્ણાત બની ગઈ હતી અને ફ્રાન્સના આધુનિક સંગીતકારોમાં તે ખૂબ લોકપ્રિય હતી. પરંતુ તેમણે ગાંધી સાથે કામ કરવા માટે 1920ના દાયકામાં આશાસ્પદ સંગીત કારકીર્દિ છોડી દીધી હતી. ખુરશીદે તો ઉત્તર- પશ્ચિમી પ્રાંતના ખુદાઇ ખિદમતગારો સાથે કામ કર્યું હતું અને કહેવાય છે કે ખાન અબ્દુલ ગફાર ખાન સાથે સૌથી નજીકના સંબંધ હતા અને અમુક વર્ષો તેને જેલમાં પણ વિતાવવા પડ્યા હતા. 1930માં, અમદાવાદની સરકારી કોલેજમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવવાના પ્રયાસ માટે અન્ય ક્રાંતિકારીઓ સાથે ખુરશીદની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગાંધીના વિશ્વાસપાત્ર લેફ્ટનન્ટ હતા જેમણે હિન્દુ-મુસ્લિમ એકતાનો ઉપદેશ આપ્યો. તેમણે હિંદુ બંધકોની થઈ રહેલી અપહરણોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કર્યો, જેને આ ક્ષેત્રમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા પણ માન્યતા મળી હતી. બીજી બહેન, નરગીસની સાથે, તેઓ “કેપ્ટન સિસ્ટર્સ” તરીકે જાણીતા બન્યાં કારણકે આ બહેનોએ કેપ્ટન પરિવારના ત્રણ ભાઈઓ સાથે લગ્ન કર્યા હતા.
આઝાદીના શરૂઆતના વર્ષોમાં (1954માં) પેરીનને પદ્મ શ્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને વર્ષ 1958માં પેરીનનું અવસાન થયું. દુર્ભાગ્યે, નૌરોજીના પૌત્ર-પૌત્રમાંથી કોઈને પોતાનું સંતાન નહોતું અને તેથી નાઓરોજીના પરિવારની આ શાખા લુપ્ત થઈ ગઈ.
ગાંધીજીના અનુયાયી પારસી બહેનોએ તેમનું આખું જીવન ભારતના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. દાદાભાઇ નવરોજીની પૌત્રી હોવાથી સ્વરાજ્યની ભાવના તેમના લોહીમાં ક્યાંક હાજર થઈ ગઈ હતી. સ્વતંત્રતા સેનાની તરીકેના તેમના નિશ્ચય અને પ્રદાન માટે મહદઅંશે વૈશ્વિક ધ્યાન મળ્યું હશે પણ શું કચ્છમાં આપણે આપ્યું? એ ભારતના એવા મહાન મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની વાત છે જે 21મી સદીમાં ભૂલાઈ ગઈ છે.
કૉલમ: “પાંજી બાઈયું”
લેખક: ડો. પૂર્વી ગોસ્વામી
Email: purvigswm@gmail.com
No comments:
Post a Comment