થોડા દિવસ પહેલા શ્રી વિષ્ણુ પંડ્યા લિખિત એક લેખ વાંચ્યો. શીર્ષક હતો, ‘થ્રી સિસ્ટર્સ: ફ્રોમ માંડવી ટુ લંડન વાયા પારિસ’. વાંચ્યા પછી ખબર પડી કે આ તો કચ્છના માંડવીની દીકરીઓ વિષેની વાત હતી. આજે હું વાત કરવા જઈ રહી છું એ છે; ભારતના મહાન સ્વાતંત્ર્યસેનાની દાદાભાઇ નવરોજીની પૌત્રીઓ પેરીન, ગોશી, ખુરશીદ, ડો. મેહેર જે 21મી સદીમાં ભૂલાઈ ગઈ છે. આપણી આ ચાર કચ્છી બહેનોની રસપ્રદ કહાની આપણે ભૂલી ગયા છીએ.
ગુજરાતનાં કચ્છને પણ મહાન હસ્તીઓની ભૂમિ તરીકે ગણવામાં આવે છે. આ ધરાએ ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓને જન્મ આપ્યો છે જેમણે રાષ્ટ્રની રક્ષા અર્થે પોતાના જીવનો બલિદાન આપવા તૈયારી બતાવી હોય. કચ્છના માંડવીની વાત કરીએ એટલે પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સ્વાતંત્ર્ય માટેની આગેકૂચ યાદ આવે. માંડવી હવે પંડિત શ્યામજી કૃષ્ણવર્માના જન્મસ્થાન તરીકે અને ઐતિહાસિક સ્મારક ‘ક્રાંતિતીર્થ’નાં નામે જગવિખ્યાત બન્યું છે. ઇતિહાસનો યોગ એવો છે કે માંડવીમાં જન્મેલા શ્યામજીની સંગાથે છેક લંડનમાં આઝાદીની જંગમાં સહકર્મી દાદાભાઇ નવરોજીની પૌત્રીઓ હતી તે પણ માંડવીમાં જ જન્મી છે.
કચ્છ મ્યુઝિયમના ભૂતપુર્વ ક્યુરેટર દિલીપભાઇ વૈદ્ય કહે છે કે, ‘આજે આ બહેનો વિષે આપણે વધુ નથી જાણતા, એના ઘણા કારણો હોઈ શકે પણ તેમાં મૂખ્ય છે કે પારસીઓ શાંતિપ્રિય હોય અને બીજી હકીકત એ પણ છે કે આજે કચ્છમાં દાદાભાઈ નવરોજીના પરિવારમાંથી કોઈ નથી બચ્યું એટલે તે પરિવારના ઇતિહાસનું સંવર્ધન નામશેષ બની જાય એ સ્વાભાવિક છે.’ તેમ છતાં પારસી 1812માં કચ્છ આવ્યા હતા જેમાં સ્કોટીશ બ્રિટિશ રાજકીય એજન્ટ મેક મર્ડોનો અંજાર ખાતેનો રહેણાંક બંગલો પુરાતત્ત્વીય સ્મારક તરીકે સચવાયો છે કારણ કે તેની અનન્ય કામગીરી એ આર્ટ પેઇન્ટિંગ્સ છે. તેમની પ્રથમ નોંધાયેલ વસ્તી 40 હતી જે 1921 માં સૌથી વધુ 68 પર પહોંચી હતી, જેમાં સૌથી વધુ 52 ભુજમાં રહેતા હતા. તેમની વચ્ચે એક અસામાન્ય સ્થળાંતર કરતો પરિવાર હતો. આ પરિવાર ભારતની સ્વતંત્રતા ચળવળના પ્રખર નેતા દાદાભાઇ નવરોજીનો હતો.
દાદાભાઇ નવરોજીને 'ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન' તરીકે ઓળખવામાં આવે છે. તે એક બૌદ્ધિક, શિક્ષણવિદ, અને ભારતના પ્રખ્યાત પ્રારંભિક રાજકીય અને સામાજિક નેતા હતા. દાદાભાઇ નવરોજી તે વ્યક્તિ હતા જેના કારણે મહાત્મા ગાંધીએ સ્વ-શાસન માટે પોતાનો જીવ આપ્યો. દાદાભાઇ નવરોજીના નાની ઉંમરે ગુલબાઈ શ્રોફ સાથે લગ્ન થયા હતા. તેમના ત્રણ બાળકો હતા: ડો.અરદેશર, જેમણે વીરબાઈ દાદિના સાથે લગ્ન કર્યા; શિરીન, જેણે ફ્રેમ દાદિના સાથે લગ્ન કર્યા અને માણેકબાઈ, જેમણે હોમી દાદિના સાથે લગ્ન કર્યા.
કચ્છના રાજવીઓ સાથે દાદાભાઈના ગાઢ સંબંધો હતા. દાદાભાઈ નાનપણમાં જ ઈંગ્લેન્ડ ગયા હતા અને બ્રિટીશ સંસદના સભ્ય બન્યા હતા; તે સમયે તેમણે હોમરૂલની લડત લડી હતી, તેથી તેમણે સલામતીના કારણોસર પોતાના એકમાત્ર પુત્ર ડો. અરદેશરને મુંબઈથી કચ્છ ખસેડ્યો હતો. ડો.અરદેશર સપરિવાર કચ્છના માંડવી બંદરે સ્થાયી થયા હતા. તેમણે પોતાની તબીબી સારવાર માંડવીમાં ચાલુ રાખી હતી અને તેમને આઠ બાળકો હતાં, જેમાં પાંચ દીકરીઓ પેરીન, નરગીસ, ગોશી, મેહેરબાનુ, ખુરશીદ ત્રણ દીકરા જાલ, સરોસ અને કર્ષસ્પ. દાદાભાઈના રાજવી પરિવાર સાથેનાં સંબંધો એટલા નજીક હતા કે કચ્છ રાજવી પરિવારના સભ્યો સરોસ અને મેહેરને ‘મામા’ અને ‘માસી’ કહીને સંબોધન આપતા. ડો. અરદેશર ઓક્ટોબર 1893માં માત્ર 33 વર્ષની વયે અવસાન પામ્યા હતા જેની કબર આજે પણ માંડવી પારસીઓના કબ્રસ્તાનમાં છે. વીરબાઈ ભણેલા હોવાથી તેમને વહીવટી કામગીરીમાં મદદમાં લઈ શકાય તે હેતુથી મહારાઓશ્રીએ ડો. અરદેશરના પરિવારને રહેવા માટે ભુજમાં બંગલો આપ્યો જેથી આ પારસી પરિવાર ભુજમાં સ્થાયી થયો. ડો. અરદેશરનાં બાળકો ભુજની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ભણેલા હતા અને ઉચ્ચ અભ્યાસ માટે મુંબઇ તથા ઇંગ્લેન્ડ ગયા હતા.
ડો. અરદેશર નવરોજીના ઘણા બાળકોની કારકિર્દીમાં વિશિષ્ટ કારકિર્દી હતી. તેમની મોટી પુત્રી ડો. મેહેર, 1906માં ઇંગ્લેંડની એડિનબર્ગ યુનિવર્સિટીમાં મેડિકલની ડિગ્રી મેળવનાર તે વર્ગમાં એકમાત્ર ભારતીય મહિલા હતા. તેણી કચ્છના પહેલા મહિલા તબીબ પણ હતા. તેઓ ડિગ્રી મેળવ્યા પછી સિંધ સ્થાયી થયા હતા પરંતુ કચ્છની સ્થાનિક લોકોની તબીબી સેવાર્થે કોઈ મહિલા તબીબ ન હોતા કચ્છમાં રાજવી પરિવાર દ્વારા બોલવવામાં આવ્યું અને ત્યારથી જીવનપર્યંત તેમણે ભુજના લોકોને તબીબી સારવાર આપી. ભુજવાલા પરિવાર ડો. મેહેર અને સરોસ વિષે કહે છેકે, ‘આ બંને ભાઈ-બહેનની રાજવી પરિવાર સાથે રોજની બેઠક થતી. સરોસ નવરોજી તો કચ્છના અટેચી કમિશ્નર પણ હતા. આ બંને ભાઈ-બહેને લગ્ન કર્યા ન હતા. ડો. મેહેર વિષે તેઓ વધુમાં કહે છેકે, તેઓ એકદમ સખ્ત વલણ ધરાવતા, કોઈ પણ તેમની ખોટી રીતે મસ્તી કરી શકે નહીં. ડો. મેહેર પહેલેથી કહેતા કે, હું મરું તો મને પારસીઓના કબ્રસ્તાનમાં લઈ જવું નહીં, તેમના રહેણાંકની જગ્યાએ જ પોતાની કબર બનાવવાની તેમની ઈચ્છા હતી. ખેર, એ રહસ્ય છે કે તેઓ પારસીઓના કબ્રસ્તાન પ્રત્યે અણગમો શા માટે ધરાવતા હતા? 1974માં 93 વર્ષની વયે ડો. મેહેર અવસાન પામ્યાં અને સાર્વજનિક જગ્યાએ અનુકૂળ ન બનતા તેમને ભુજ પારસીઓના કબ્રસ્તાનમાં જ જગ્યા આપવામાં આવી. ભુજ અને માંડવીમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી આ કબરોની દેખરેખ આજે 'કચ્છ પારસી અંજુમન ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવે છે.’
બીજી પારસી બહેનો વિષેની વાત આવતા અંકમાં કરીશું.
કૉલમ: “પાંજી બાઈયું”
લેખક: ડો. પૂર્વી ગોસ્વામી
Email: purvigswm@gmail.com
No comments:
Post a Comment