pub-8726264906223836 વિચારોની વનમાળા: સર્જનહારનું મજબૂત સર્જન – માતૃહૃદય

Tuesday, 16 February 2021

સર્જનહારનું મજબૂત સર્જન – માતૃહૃદય


સર્જનહારનું મજબૂત સર્જન – માતૃહૃદય



કંસે તો દેવકીના તરત જન્મેલા છ પુત્રોને મારી નાખ્યા હતા, પણ કચ્છની દેવકીએ તો રાજકુંવરની રક્ષા ખાતર પોતાની નજર સામે છ દીકરાઓના અકાળ મૃત્યુ જોયા.

 

        માતૃહૃદય !! દુનિયાનો સર્વ શ્રેષ્ઠ પ્રેમ કે જેની તુલના અશક્ય છે, જેનો વિકલ્પ કાઈ જ નથી. સ્વર્ગથી પણ વધુ સુખ આપનારા આ માતૃપ્રેમને પામવા પ્રભુએ પણ પૃથ્વી પર અવતાર લેવું પડ્યું છે. તેમાં વિવિધતાનો પાર નથી, છતાય માતાને દરેક બાળક પ્રત્યે એક્યભાવ હોય છે. આજે આવા જ એક માતૃહૃદયને તમારી સમક્ષ રજુ કરવાની છે, જે કચ્છ પ્રદેશની “દેવકીમૈયા” હતી. કંસમામાએ તો દેવકીમૈયાના જન્મતાવૈત જ બાળકોની હત્યા કરી હતી જયારે “કચ્છની દેવકી – મલ્લણી”ના તો જુવાનજોધ છ - છ બાળકોની નિર્મમ હત્યા તેની સામે જ કરવામાં આવી. નિર્દયી રાવળે છછર બુટાના છ-છ  પુત્રોને તલવારના ઘા વડે કાપી નાખ્યા અને એ સ્વામીભક્ત મલ્લણીને પોતાના રાજકુંવરને બચાવવા આવું બલિદાન નિર્દયી બનીને જ આપવું પડ્યું.

“રાવર હમીર મારેઓ, ધિલમેં રખી ધગો,

ખેંગાર સાહેબ ગિની કરે, છચ્છર તેઆં ભગો.”

(જામ રાવળે મનમાં કપટ રાખીને જામ હમીરનો ઘાત કર્યો અને છચ્છર બૂટો કુંવર ખેંગારજી તથા સાહેબજીને લઈને નાસવા લાગ્યો.)

        આજથી 500 વર્ષ પહેલાનું કચ્છનું ઇતિહાસ જોઈએ તો માલુમ પડે કે આખાય કચ્છ પ્રદેશમાં કોઈ એક રાજા રાજ્ય ન કરતા પણ નાના મોટા ગરાસિયા પોતાની વાડ સિંહાસન તળે દબાવીને બેઠા હતા. આ દરેક ગરાસદારો એકબીજામાં વેર રાખતા અને લાગ મળે તો સંહારલીલા ચાલુ કરી દેતા. ત્યારે લાખાના પુત્ર રાવળ અને લાખિયાર વીયરાના રાજાનો પુત્ર હમીરજી એકબીજા સાથે યુદ્વ કરીને પોતાનો રાજ્ય વિસ્તારવા માંગતા હતા. રાવળ પોતાની યુક્તિ પર સફળ થયો અને હમીરજીને તેની આખી ટુકડી સાથે મારી નાખ્યો. રાવળ પણ હમીરજીના વંશને ખતમ કરીને રાજ્ય પડાવી લેવા માંગતો હતો પણ હમીરજીનો વફાદાર છછર બુટ્ટો તેના બંને રાજકુમારોને લઈને રેલડી ગામે આવ્યો અને મિત્ર ભીયાં કક્કલને આશરો આપવા કહ્યું. કક્કલ અને તેની પત્ની મલ્લણીએ રાજકુમારોની રક્ષાર્થે ઝૂંપડીની પાછળ ઘાસની ગંજી ઉકેલી પોલાણ કર્યું અને બે કુમારો સાથે બુટ્ટાને સંતાડી મુક્યા.


        હિંસક કંસે દેવકીના બાળકોને જન્મતાંવૈત પથ્થર પર પછાડી મારી નાખ્યા ત્યારે દેવકીનો આક્રંદ અસહનીય હતો. શાસ્ત્રોમાં આ પ્રસંગનો ઉલ્લેખ મળે છે કે માતા દેવકીએ પતિ વાસુદેવને કહેલું કે, આના કરતા તો મરી જાવું સારું. ત્યારે વાસુદેવે કહ્યું, આપણા શીરે મોટી જવાબદારી છે, જગતના નાથ શ્રીકૃષ્ણને તારા ગર્ભથી જન્મ લેવાનું છે, એટલે આપણે કુદરતની લીલાને સહન કર્યે જ છૂટકો! જે માતાએ નવ મહિના શિશુને ગર્ભમાં સેવ્યો છે અને તેને છાતી સરસો ચાંપે એ પહેલાં જ કંસ બાળકોની નિર્મમ હત્યાનો હતભાગી બને છે. જે ક્રૂરતાની સાંગોપાંગ આકારણી શાસ્ત્રોએ કરી છે તે ખરેખર હ્રદયધ્રાવક હતી. તો વિચાર કરો કે માતા મલ્લણીએ બાળકોને કેટકેટલાય આરમાનો સેવીને મોટા કર્યા હશે. પરંતુ અહિયાં તો જાણે આ બાળકો રાવળના હાથે પાકતી ઉમરે હલાલ થવા ઉછેરાયા હશે.


        જામ રાવળ આખાય પ્રદેશમાં શોધતો- શોધતો ભીયાં કક્કલને ત્યાં આવી પહોંચ્યો. તેણે બંને કુમારો ક્યાં છે? તે જણાવવા કહ્યું અને જો ખબર ન આપે તો મલ્લણીના બધા પુત્રોને મારી નાખવાની ધમકી આપી. જ્યારે મલ્લણી એ કહ્યું કે, કોઈ રાજકુમારો અહીંયા નથી’, ત્યારે રાવળે નિર્દયી બનીને એક પછી એક મલ્લણીના જુવાનજોધ ફૂલ જેવા છ - છ કુમારોને રેંસી નાખ્યા. ઘાતકી રાવળ પુત્રોને મારતો આવે છે અને મલ્લણી પોક મૂકીને પુત્રોની હત્યા પર આક્રંદ કરી રહી છે છતાંય રાવળને સહેજે રહેમ પડતો નથી. મલ્લણી એક માતા, હ્રદય પર પત્થર રાખીને પોતાની વહાલપના દરિયે મમતાની ઓછપ દાખવીને રાષ્ટ્રપ્રેમની બેમિશાલ મુર્તિરૂપ બની જાય છે.

“રાવળ કક્કલ મારેઆ, તાણે કરે તરાર,

ભીંયે સંધા ભાર, પછાડે પિથું કેઆ.”

(જામ રાવળે તેજસ્વી તલવાર ખેંચીને ભીંયા કક્કલના બાળકોના કટકે કટકા કરી નાખ્યા.)

        જયારે સાતમા પુત્રને મારવા રાવળ આગળ વધે છે, ત્યારે સેનાપતિ કહે છે કે, જો રાજકુમારો અહીંયા હોત તો મલ્લણી પોતાના છ - છ બાળકોની બલિદાની ન આપત. તે નિર્દોષ હશે એટલે તેના સાતમા પુત્રને છોડી દો. રાવળ ઝૂંપડીમાંથી નીકળતા પસ્તાતો હોય તેમ બહાર નીકળી જાય છે. તેના નીકળ્યા પછી ઘાસની ગંજીમાંથી બુટ્ટો અને બંને રાજકુમારો માવડી મલ્લણીને પ્રણામ કરતાં રવાના થઈ જાય છે. પણ સૌં રાજધર્મ નિભાવવા મજબૂર હતા. આમ દેવકીમૈયા મલ્લણીનો અમાપ બલિદાન પ્રદેશનાં વંશને બચાવી લેવા સક્ષમ બન્યું. પછી તો સૌ કોઈ જાણે છે કે, મોટા રાજકુમાર ખૈગારજીએ મહમદ બેગડાને સિંહથી બચાવ્યો હતો એટલે બેગડાએ લશ્કરી મદદ આપી ખૈગારજીને કચ્છ પર ચડાઈ કરવાની મદદ કરી અને કચ્છના રાપર કે જેનું મૂળ નામ સાપર હતું તેને જીતી લઈને ખેંગારજી પહેલાં એ પોતાની રાજગાદી મેળવી લીધી.

કચ્છ કક્કલેં રખેઓ, રખેઓ કાછે રા,

કાં વિયાણી મલ્લણી, કાં અકબર મા.”

        (ક્કક્લોએ કચ્છ અને કચ્છના માલિક્નું રક્ષણ કર્યું. દિલ્હીપતિ અકબરશાહને જન્મ આપવાને જેટલું માન તેની માતાને ઘટે છે તેટલું જ માન આ કક્કલ કુમારોને જન્મ આપનાર તેમની માતા મલ્લણીને પણ ઘટે છે.)

        પોતાના રાજ્ય પ્રત્યે વફાદારી દેખાડનાર કચ્છની માતા દેવકી મલ્લણીએ પોતાના છ-છ પુત્રોનો બલિદાન આપી દીધો. હૃદયના છ - છ ટુકડા થયા છતાંય રાજકુમારોનો અસ્તિત્વ ટકાવી રાખ્યું. આ ભક્તિભાવક કચ્છીબાઈને કચ્છ પ્રદેશની મહિલા કોઈ દિવસ ભૂલી શકશે નહીં. તો આવો આપણે સૌ સાથે મળી મમતાની મૂરત કચ્છજી બાઈ મલ્લણીને શાબ્દિક શ્રધ્ધાસુમન અર્પણ કરીએ. 

(પંક્તિ સૌજન્ય સાભાર: કચ્છ કલાધર-2)

 

 કૉલમ: પાંજી બાઈયું

તા: 17/02/2021 

                                                                લેખક: ડો. પૂર્વી ગોસ્વામી

                                                                         Email: purvigswm@gmail.com 

No comments:

Post a Comment