pub-8726264906223836 વિચારોની વનમાળા: પુસ્તક સમીક્ષા: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધુનિક ખતરાનો દિલધડક કહાણી 'લવ યુ કચ્છ'

Monday, 5 May 2025

પુસ્તક સમીક્ષા: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધુનિક ખતરાનો દિલધડક કહાણી 'લવ યુ કચ્છ'


 પુસ્તક સમીક્ષા: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધુનિક ખતરાનો દિલધડક કહાણી 'લવ યુ કચ્છ' 

- ડો. પૂર્વી ગોસ્વામી 


'કચ્છ ફાઇલ' અને 'લાઈફ IM પૉસિબલ' પછી ફરી એકવાર કચ્છને કેન્દ્રમાં રાખી લેખક પ્રફુલ શાહ દ્વારા સર્જાયેલુ તૃતીય નવલકૃતિ 'લવ યુ કચ્છ' એક અસાધારણ થ્રિલર છે, જેમાં કચ્છ માટેના અનહદ પ્રેમ અને બેહિસાબ નફરત આમનેસામને છે. અહિ કથાનક કચ્છની ધરતીથી શરૂ થાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાના રાજકીય રમકડાં સુધી પહોંચે છે.


નવલકથામાં કચ્છ માત્ર ભૂમિ નથી, પણ એક જીવંત પાત્ર છે – "પોલીસતંત્રમાં હળવી કાનાફુસી ચાલતી હતી કે આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જરાય ઊંધુંચત્તું થયું તો ઘણાનું આવી બનશે. આ દેશની અને વડાપ્રધાનની ઇજ્જતનો સવાલ છે. જો કંઈ અજુગતું થયું તો આખી સરકાર, પોલીસતંત્ર અને અમલદાર શાહીમાં તળિયાઝાટક ફેરફાર નિશ્ચિત થશે, પણ... પણ ધોળાવીરામાં થવાનું છે શું? આ બધા પાછળ છે કોણ? એની કોઈને લેશમાત્ર જાણકારી નહોતી." ધોળાવીરામાં ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ સમિટ પર તોળાઈ રહેલું જોખમ, વડાપ્રધાન સહિતના વિશ્વભરના રાજકીય અને આર્થિક ધુરંધરોની અચાનક ઊભી થયેલી અસલામતીમાં કચ્છને ટાર્ગેટ કરાયું છે શા માટે? પ્રફુલ શાહની લેખણી એવી છે કે વાચક જાણે કચ્છના રણમાં ખુદ ઊતરી જાય છે. નાના ગામડાંમાંથી ઉઠતી અંદરની કૌટિલ્ય જેવી રણનીતિઓ અને ષડયંત્રો – અને એના સામેથી ઉભી થતી દેશભક્તિની દીવાલ – આ બધું આખરે માનવતાના વિજયમાં પીગળી જાય છે.


"આ દેશને ને કચ્છને બરાબર પાઠ ભણાવવો છે. આપણા સૌના જીવનની બરબાદીનું વળતર વસૂલ કરવું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે… ત્યાં સુધી જીવતેજીવ કે મર્યા બાદ પણ મારા મનને શાંતિ નહીં મળે." આ સાંભળીને ચાર જણા ઊભા થઈ ગયા, “પણ આપ શું વિચારો છો?” “વિચારવાનો સમય ક્યારનો ય ગયો? હવે તો એ વિચારને, એ પ્લાનને અમલમાં મૂકવાનો છે." મિર્ઝા ખડખડાટ હસવા માંડ્યો, “ના, કચ્છને ઇનામ મળશે, જરૂર મળશે, કારણ કે લવ યુ કચ્છ.” આવા વાક્યો વાંચીને વાચક જો કચ્છનો હોય તો જરા વાર માટે ગભરાઇ જાય કે ક્યાક હમણાં જ કોઈ અઘટિત ઘટના ન બની જાય! પાત્રો ભલે કલ્પિત હોય, પણ તેમની ચરિત્ર રચના જીવંત અને અસરકારક છે. મિર્ઝા, લવજી શર્મા, પ્રતાપ જેવા પાત્રો ગુજરાતી સાહિત્યમાં સંવાદો દ્વારા અસર છોડી જાય છે. કૃતિનો ક્લાઈમેક્સ તો ખાસ ઉલ્લેખપાત્ર છે. નવોદિત લેખિકા અને રહસ્યમય ડ્રાઇવર કથામાં સતત પડઘાતા રહસ્ય, રોમાંચ અને રોમાન્સ થકી વચ્ચે એક નવી જ ઊંચાઈ અને પરિમાણ આપે છે.

પ્રતાપ પગીએ ગંભીર અવાજમાં જવાબ આપ્યો, “જુઓ કચ્છમાં અંધાધૂંધીનો માહોલ ફેલાવવો હોય ત્યારે આ ગામ સંતાવા માટે ખૂબ સારું અને સલામત ગણાય. આમ છે રાજકોટના મોરબીમાં પણ એ સુરેન્દ્રનગરની પાસેના નાના રણના ટીકર તરફનું ગામ ગણાય. અહીં રણનોય લાભ મળે અને સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે અહીં સંતાવાથી કચ્છના પોલીસ અને સિક્યોરિટી એજન્સીની નજરથી દૂર રહેવાય અને પોતાના ટાર્ગેટથી નજીક પણ રહી શકાય.” આ આફતમાં એકાકી દુનિયામાં સરહદી જિલ્લાની સલામતીમાં ખૂબ મહત્વનુ સ્થાન ધરાવતા રણના પગીઓની ભૂમિકાનું મહત્વ આજની પેઢીઓને નલવકથા પરિચય કરાવે છે.

સમ ખાવા પૂરતી એકેય કડી કે માહિતી વગર સમય સાથેની દોડ જીતવી કેવી રીતે? એ સવાલ પર અટકી જવાને બદલે બધા એકજુટ થઈને વિનાશક આફતમાંથી કચ્છને બહાર લાવવા કઈ રીતે સફળ થાય છે તેની આ ગાથા છે.

એકદમ ફુલપ્રૂફ પ્લાનમાં પણ કચ્છને લવ કરતાં લોકો સામે હુમલાખોરો કઈ રીતે હારે છે એ જાણવાના સુખદ અંત સાથે પ્રફુલ શાહે કલ્પનાની દુનિયામાં જે રીતે જિવાડયા છે એ માટે એમનો આભાર.


લેખક પ્રફુલભાઈ વિશે વધુમાં કહેવું હોય તો, ‘જન્મભૂમિ', 'ગુજરાત સમાચાર', 'મિડ-ડે' અને ‘સમાંતર પ્રવાહ' જેવાં નામાંકિત અખબારોમાં મહત્ત્વપૂર્ણ જવાબદારી સફળતાથી નિભાવ્યા બાદ પારિતોષિક વિજેતા અને વિક્રમસર્જક લેખક પ્રફુલ શાહ એશિયાના બે દાયકા જૂના ઐતિહાસિક અખબાર 'મુંબઈ સમાચાર'માંથી નિવૃત્ત થયા. હવે ફલટાઈમ પુસ્તક ઉપરાંત ફિલ્મ-વેબ શો અને એકથી વધુ પ્રખ્યાત અખબારોમાં કૉલમલેખનમાં સાથે પ્રવૃત્ત છે. તેમના યુદ્ધવીરો પરના પુસ્તક ‘યુદ્ધ કેસરી’ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ પારિતોષિકથી નવાજ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના ગુજરાતી માધ્યમના ધો. ૧૨ના પાઠયપુસ્તક 'યુવક ભારતી’માં ‘દીપા મલિક - કંઈ જ અશક્ય નથી’ અને ધો. ૭ના ‘બાલભારતી’માં ‘એક જ વીરલો' નામના પ્રફુલ શાહ લિખિત પાઠ ભણાવાય છે.


પુસ્તકનું નામ : Love You કચ્છ- રણમાં રોમેન્ટીક થ્રીલર
લેખક -પ્રફુલ શાહ
પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી 2025
પ્રકાશક- નવભારત સાહિત્ય મંદિર અમદાવાદ
કિમત –રૂ. 299/-


1 comment: