pub-8726264906223836 વિચારોની વનમાળા: જ્યારે પાંજી બાઈયુંના બીજ રોપાયા.

Thursday 3 March 2022

જ્યારે પાંજી બાઈયુંના બીજ રોપાયા.

5 ઓક્ટોબર 2019, જ્યારે પાંજી બાઈયુંના બીજ રોપાયા.

ઘણાં લોકો મને કહેતા હોય કે નાગરોને શોભે એટલી ડિગ્રીઓ તું મેળવી રહી છે. ત્યારે જીવીશ ત્યાં સુધી નવું- નવું શીખતી રહીશ અને એ શિખામણમાં ડિગ્રીઓ પ્રૂફ બને તો મને કોઈ વાંધો નથી. નવું શિખતા એક ડિગ્રી એવી મળી જેણે મારી લેખન યાત્રાને આગળ વધારવા નિમિત બની.

કિર્તિભાઈ ખત્રીએ તે જ મહિને ભાસ્કર જોઇન કર્યું હતું. અને મને પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પુણ્યતિથીએ યોજાયેલ કચ્છ યુનિવર્સિટીના નવમા પદવીદાનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય દિગ્ગજોની ઉપસ્થિતિની પ્રેરક હાજરી વચ્ચે માસ્ટર ઓફ સોશ્યલ વર્ક ડિગ્રીમાં ગોલ્ડ મેડલ એનાયત થયેલો. જેનું મીઠું મોઢું કરાવવા દરેક સમાચાર પત્રોની ઓફિસે ગઈ હતી અને તંત્રીઓ પાસેથી શુભેચ્છા સંદેશ મેળવ્યા હતા.

પરંતુ ભાસ્કર દ્વારા મળેલ શુભેચ્છા સંદેશ અવિસ્મરણીય રહ્યો. તે દિવસે ભાસ્કરના તંત્રી વિપુલભાઈ ને મળવા જ્ઞેલી અને તેમણે નવનિયુક્ત અને ભાસ્કર પરિવારના નવા સભ્ય કિર્તિભાઈ ખત્રીને મળાવ્યા અને કહ્યું આપ જે મહિલા કેન્દ્રિત કટાર ચાલું કરવા લેખકની વાત કરી રહ્યા હતા તે માટે પૂર્વી યોગ્ય સાબિત થશે એવું મને લાગે છે. બસ પછી શું હોય!? પરિચિત નામોના લિસ્ટ આપીને કિર્તિ અંકલે કહ્યું મેં એ દરેક ને વાત કરી રાખી છે અને તને પણ કરું છું. એક નારીપાત્રનું જીવન ચરિત્ર મને તૈયાર કરીને આપ તો તારા લેખન વિષે મને ખ્યાલ આવે.

મેં કચ્છ મહિલા વિકાસ સંગઠનના ડાયરેકટર અરુણા બહેન જોશીને વાત કરી અને તેમણે મને કુકમાં ના સરપંચ કંકુબહેન વણકરને મળી તેના વિષે લેખ લખવા કહ્યું.

નંબર મેળવ્યા, ઔપચારિક વાતચિત કરી અને કંકુબહેનનો ઇન્ટરવ્યુ લખી કિર્તિ અંકલને બતાવ્યો.

તેમણે કહ્યું સરસ લખ્યું છે પણ મને પ્રશ્નોત્તરી સ્વરૂપે નહીં લેખ સ્વરૂપે જોઈએ. એવું લખીને આવજે અને સાથે તારી દ્રષ્ટિએ કચ્છી નારીનો પરિચય શું એ પણ!

ત્યાંથી છૂટા પડ્યા પછી મેં મનોમન વિચાર્યું આપણે એવું કઈ લખતા ફાવશે નહીં, સાહિત્યની સમજ પણ ઓછી છે અને લખીને એક બે સારા લેખો આપી પણ દીધા તો પાછળથી ઘણી તકલીફો થશે.

એ વાતને પડતી તો મૂકી દીધી પણ આ નવું સાહસ મારાં નસીબમાં સતત ટકોરા મારી રહી હતી. સંજોગો પણ ઊભા થયા કે આ સાહસને હકીકતે સફળતામાં ફેરવી શકું.

21 મી ફેબ્રુઆરી મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન ભુજમાં થઈ રહી હતી.

બે માસ અગાઉથી જ 33 ફૂટ ઊંચી સવા ત્રીસ લાખ રુદ્રાક્ષ નિર્મિત મહા શિવલિંગનું નિર્માણની તડમાર તૈયારીઓ ચાલી રહી હતી. દાનપ્રેમી અને શ્રમપ્રેમી લોકોની સાથે મુખ્ય કર્તા હર્તા તરીકે અમારો પરિવાર દિવસ રાત મહેનત કરી રહ્યો હતો. દસ દિવસીય મહાશિવલિંગ નિર્માણ સાથે શિવ મહાકથાનું રસપાન કરવા કચ્છની લાખોની જનમેદની આવવાની છે એ ચિંતાએ વ્યવસ્થામાં કોઈ કમી ન રહે તેમાં રચ્યા પચ્યા હતા. અને આજ સમયગાળામાં વિપુલ અંકલે ફોન કરીને પૂછા પણ કરેલી કે કિર્તિ સાહેબે સોંપેલું કામ કરીને તું બતાવવા ન આવી? ત્યારે બહાનું આ જ પ્રસંગનું આપી દીધેલું.

જ્યારે આ દસ દિવાસીય કાર્યક્રમ ચાલું હતો તેમાં આમંત્રિત સૌ મહેમાનોમાં ભાસ્કર તંત્રી તરીકે વિપુલ અંકલનું પણ સૌજન્ય મેળવ્યું હતું. તેઓ પ્રસંગે આવ્યા ત્યારે પપ્પાને ફરિયાદ કરેલી કે પૂર્વી એ આ કાર્ય કર્યું નથી. એજ દિવસે પપ્પાએ કડક શબ્દોમાં સૂચન કર્યું કે તું આજે જ કિર્તિ સાહેબને ઓફિસે મળવા જજે અને એ કહે તે રીતે લેખ તૈયાર કરીને આપીશ. કિર્તિ અંકલને લેખ લખ્યા વગર મળવામાં સંકોચ થતો હતો એટલે લેખ લખીને બતાવવા મળવા ગઈ. ત્યારે અંકલે બસ સાદાં બે શબ્દોમાં કહ્યું: ‘વાંધો નહીં આવે.’ આ સાંભળી હું તો ખુશ ન થઈ, સામે પોળ ફાડીને પૂછ્યું શું લેખ બરાબર નથી? તેમણે કહ્યું ના બરાબર છે. ભલે તો જોઈએ આગળ શું કરી શકાય.

હું તો આશ્ચર્ય સાથે નીકળી હતી.

થોડા દિવસ પછી અંકલે કહ્યું કદાચ માર્ચમાં મંગળ વિશેષ મધુરિમા પૂર્તિમાં શરૂ કરવાનું વિચારીએ છીએ. હું તો ખુશ થઈ ગઈ. મેં કહ્યું પહેલા નહીં બીજા મંગલવારે શરૂ કરીએ કેમ કે દસમી મંગળવારે મારો જન્મ દિવસ છે.

દસમી તારીખ આવે એ પહેલા તો કોરોના ના કહેરે દેશ પર અસર જમાવવી શરૂ કરી દીધી હતી.

આ કોરોનાનો ગ્રહણ મને પણ લાગ્યો અને પૂર્તિઑ પર કાપ આવ્યો સમાચાર પત્રોના પેજ પણ ઘટવા લાગ્યા.

થોડા દિવસો નીકળતા અચાનક 25મી મે ના કિર્તિ અંકલે ફોન કરી મને પૂછ્યું તારી કૉલમનો લેખ આવતી કાલે જ છપાય તો કેવું રહે? મેં તો હા જ પાડી દીધી. પહેલો લેખ કેવો હોય, શું લખવું કેટલા શબ્દો રાખું કઈ જ ખબર નહીં. બસ જે સૂઝયું તે લખીને રૂબરૂ ઓફિસે ગઈ. અંકલ કહે તારી કૉલમનું નામ શું રાખવું છે? મને તો કઈ સૂઝે નહીં. ત્યાં જ બેઠા બેઠા શબ્દો નક્કી કર્યા, લોકોને પૂછ્યું અને ગૌતમભાઈ જોશીએ એક નામ આપ્યું પાંજી બાઈયું આ નામની છટ્ઠી 25મી ના થઈ અને 26મી એ જાહેરમાં લોકો સમક્ષ નામ હજાર થઈ ગયું. લેખિકા પૂર્વી ગોસ્વામીના નામ સાથે.

અનહદ ખુશીનો એ પહેલો દિવસ! હું અને મમ્મી બંને ખુશીના આંસુ રડી પડ્યા હતા. તે દિવસે મમ્મીએ કીર્તિ અંકલ સાથે વાત કરેલી અને આભાર વ્યક્ત કર્યો હતો.

કોઈ દિવસ વિચાર્યું ન હતું કે એક કટાર લેખિકા તરીકે પૂર્વી નામ લોકો સમક્ષ રજૂ થશે. પણ થયું!

આ સાહસે ફરી મારાં જીવનમાં એક નવો વળાંક ઊભો કર્યો, એક લેખક તરીકેનો! જોકે હું આજેય પોતાને લેખક નથી ગણતી.

હું લોકો દ્વારા કટાર ના માધ્યમથી વંચાઈશ કે નહીં એ તો ખબર ન હતી પણ હું કૉલમના પહેલા લેખમાં જ વંચાઇ હતી એનો પરચો સાંજે પાંચ વાગ્યે મળી ગયો. વિપુલ અંકલે ફોન કરીને કહ્યું એક પ્રબુદ્ધ વ્યક્તિ તારા સાથે વાત કરવા માંગે છે, તારા આજના લેખ અંગે તેમને સૂચનો આપવા છે અને લેખમાં લખાયેલી કચ્છી પંક્તિઓમાં કઈક ભૂલ છે એવું કહ્યું.

ભૂલ શું છે, એમને શું સૂચનો આપવા છે એનાથી મને કોઈ અસર ન પહોંચી પણ એક સારા સાહિત્યકારે કોલમનો છપાયેલો પહેલો લેખ વાંચ્યો એ સમાચારથી જ હું તો ખુશ થઈ ગઈ હતી.

મારી કૉલમને બે વર્ષ થયા પણ આજ સુધી એક પણ લેખ એવો નથી જેનો પ્રતીભાવ મને ન મળ્યો હોય.

કચ્છમાં સમાચાર પત્રોમાં ઈમેલ દ્વારા પ્રતીભાવ આપવાનું ચલણ ખૂબ ઓછો છે. શરૂમાં મને થતું મને લેખક તરીકે કોઈ ઓળખે નહીં તો મને પ્રતીભાવ ક્યારે મળશે? પરંતુ કૉલમ શરૂ થયાના પાંચ લેખ છપાય એ પહેલા જ ઈમેલથી પ્રતિભાવો મળવાના શરૂ થઈ ગયા હતા. અને એ પ્રતિભાવો આપનાર તમામ અપરિચિત.

આનંદનો વર્તારો આ હતો અને આજ પ્રેરક બળે સતત નવું નવું શોધવાની મારી ઝંખના પ્રબળ બનતી ગઈ.

જુદા - જુદા ક્ષેત્રના સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નારી પ્રતિભાઓની પ્રેરક જીવન ઝરમરને પ્રસ્તુત કરવાનું શરૂ થયેલું.

એ પછી 26 મી મે, 2020 થી ‘દિવ્ય ભાસ્કર’ ની મંગળ વિશેષ પૂર્તિ મધુરિમા અને પછીથી બુધવાર વિશેષ પૂર્તિ કળશમાં કટાર સ્વરૂપે ‘પાંજી બાઈયું' ના શીર્ષક હેઠળ જીવનચરિત્ર આલેખવાનું શરૂ થયું. એ કટાર બે વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે આ પુસ્તક પ્રગટ કરવાનું શક્ય બન્યું છે.

‘પાંજી બાઈયું' લેખમાળામાં સમાવિષ્ટ નારીરત્નો ખાસ માવજતથી લખ્યાં છે, અમુક પાત્રો તો કચ્છ પ્રદેશનાં લેખન ઇતિહાસમાં વણઉકેલ્યા કોયડાની માફક હતા જેને પ્રથમ વખત લખીને સાહસ પણ ખેડયો છે. વિવિધ નારી પ્રતિભાઓ સાથે સંકળાયેલા તેમના વંશજો, મિત્રો તથા અન્ય સંબંધીઓ પાસેથી વિગતો મેળવીને તૈયાર કરાયાં છે.

અમુક દિવંગત ઉચ્ચ પ્રતિભાને કટારસંગ શ્રદ્ધાસુમન અર્પણ કરી શકી તે બદલ હું મારી જાતને ગૌરવવંત સમજુ છું.

નવું નવું શોધતા વિચારતાં કટાર ઇતિહાસની અટારીએ ડોકિયું કરતી જતી હતી અને લોકોની અપેક્ષા મારી કટાર, મારા શોધન પર વધતી જતી હતી.

એ સમય દરમિયાન અનેક મિત્રો અને વડીલ, માર્ગદર્શકોએ એવું સૂચન કર્યું કે, કચ્છની આ અમૂલખ પ્રતિભાઓનું સ્વતંત્ર પુસ્તક તૈયાર કરીને આપ તો જે નારીપાત્રો પરદે કે પીછે રહી ગયા છે તેમનું વિશેષ દસ્તાવેજરૂપ પુસ્તક લોકોને પ્રાપ્ય બને.  

આ વાત મનમાં સતત ઘૂમયા કરતી હતી. ક્યાંથી શરૂ કરવું, કેવી રીતે લેખો ભેગા કરું, બધા જ લેખો સમાવવા કે પસંદગી કરું? વિવિધ પ્રશ્નોની સાથે પુસ્તકના સ્વરૂપે વિશેષ કાળજી શું લેવાતી હોય? પ્રકાશકો કોણ?, મુદ્રક કોણ બનશે? વગેરે પ્રશ્નોએ ઘર જમાવ્યો.

ખોજ અને ખાંખતનું પરિણામ છે પાંજી બાઈયું.

No comments:

Post a Comment