pub-8726264906223836 વિચારોની વનમાળા: 80 વર્ષ પહેલાં ચાઇનીઝ ફટાકડા ન હતાં તોય પણ કચ્છના બાળકો ફટાકડાના ધડાકા બોલાવતાં હતા

Thursday, 4 November 2021

80 વર્ષ પહેલાં ચાઇનીઝ ફટાકડા ન હતાં તોય પણ કચ્છના બાળકો ફટાકડાના ધડાકા બોલાવતાં હતા

આજની પેઢીએ તો તેનું નામ સુદ્ધાં નથી સાંભળ્યું તેવા સાધનોની વાત દિવાળીના ખાસ દિવસ પર રજૂ કરું છું.

ડૉ પૂર્વી ગોસ્વામી, ભુજ

કચ્છના દરેક ગામડામાં બાળકો દિવાળીના પર્વની ઉજવણી ફટાકડાં ફોડીને નહિ પણ અડી અને ગુડદિયો વછોડીને શેરીએ શેરીએ ધડાકા બોલાવતાં હતા. બાળકો આખું વર્ષ તેના આ શસ્ત્રને જતનથી સાચવી રાખતા અને દિવાળીના 10- 12 દિવસ પહેલાંથી ગામડાની શેરીએ શેરીએ ફરીને ધડાકા બોલાવતાં.

ગુડદિયો કહો, રુઓ કે પછી અડી - કોમીએકતા અને વિનિમય પ્રથાનું પ્રતિક છે આ સાધનો
એજ જૂના સમયમાં ફટાકડા કહેવાતા. 

તેનો અવાજ વધુ આવે તે માટેના અનેકાનેક ઉપાયો પણ રાચતાં, ઓટલે આરામ કરતા વડીલો કે બાઈયુંને હેરાન કરતાં તો ક્યારેક પશુ પક્ષીઓને ભગાડવા ફોડતા. 
 
દિવાળી-નવા વર્ષ નિમિત્તે ફરી એક વખત ફટાકડા ફોડવા તથા ન ફોડવા તે અંગે વ્યક્તિગત તથા સોશિયલ મીડિયા ઉપર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચાઇનીઝ ઉત્પાદનોમાં ફટાકડાએ છેલ્લાં બે દાયકામાં ધૂમ મચાવી હતી પણ આજે ભારતીય લોકો સ્વદેશ વપરાશ તરફ આગળ વધ્યા છે ત્યારે કચ્છની દાયકાઓ જૂની પરંપરા યાદ કરવી ઘટે.

આજે 60 થી વધુની ઉંમર વટાવી ચૂકેલા લોકોએ પોતાનું બાળપણ યાદ કરતા અનુભવો મારી સમક્ષ રજૂ કર્યા હતા.
 
ડૉ હીરજી ભૂડિયા ઇતિહાસવિદ છે, મારા વડીલ અને માર્ગદર્શક પણ. વિદેશમાં બેઠેલા વડીલને વ્હોટસએપ કૉલ કર્યો હતો ત્યારે સહજ વાતચીત કરી રહ્યા હતાં કે વડીલ દિવાળીમાં ગામડે ગામડે શું થતું, કેમ ઉજવણી થતી... આજે જેમ રંગોળી, દીવા, મીઠાઈ, ગૃહ સુશોભન સિવાય પણ શું? એવું શું હતું કે જેની આજની પેઢીને નથી ખબર, એવી કઈ રીત પરંપરા ભુલાઈ ગઈ જેની આજની પેઢીને જાણ હોવી જોઈએ.
ભૂડિયા અંકલે ઘણી બધી વાતો કરી એમાં એક મુદ્દો આપ્યો કે તને રૂઓ શું છે ખબર છે? એ અમારા જમાનામાં ફટાકડા.
હવે તું તપાસ કરજે એના વિશે અને તારો જવાબ તે જ તારું હોમ વર્ક.
તેમણે કહ્યું કે, “આ સાધનોની પ્રાપ્તિ અંગે અનેક મતમતાંતરો છે, સનિષ્ઠ પુરાવા તો ધ્યાનમાં નથી પણ ઈ.સ. પૂર્વે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં એવા મિશ્રણનો ઉલ્લેખ જોવા મળે છે, જે ઝડપભેર સળગતું હતું અને જ્વાળાઓ ઊભી કરતું હતું. અને જો તેને એક નળીમાં ભરી દેવામાં આવે તો તે મેળવણ ફટાકડામાં પરિવર્તિત થઈ જતું. એવી બાબત ક્યાંક વડીલો પાસેથી કે ભણવામાં સાંભળી હતી તેવું લોકોએ જણાવ્યું હતું. દુર્ભાગ્યને ડરાવીને કે ધમકાવીને દૂર કરવાનો ઉલ્લેખ ફટાકડા સ્વરૂપે કચ્છમાં જૂના સમયે અનોખી રીતે થયેલો છે.”
 
કચ્છ ઇતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજા અને મારા આદરણીય વડીલને પૂછ્યું કે બાપુ તમે બાળપણમાં ફટાકડાં તો હતા નહીં તો ધડાકા બોલાવવા શું કરતાં ? તેમણે તો પચાસ વર્ષ પહેલાની જૂની યાદો વાગોળતા કહ્યું, "ગંધ્રપ અને પોટાશ (સફેદ અને પીળો ગન પાઉડર) મિક્ષ કરીને જરફુસ (સફેદ કાગળ) માં ભરીને તેની ગોટી બનાવવામાં આવતી. તેને અડી'ના એક ભાગમાં નાખી બીજા ભાગે દીવાસળી મારીએ એટલે ફૂટતી. જેની સાઇઝ અડધાથી પોણા ફૂટની રહેતી અને લોખંડની બનાવટ હોય એટલે લુહારો બનાવીને આપતાં અને નીચે લાકડાનું બનાવેલું સ્ટેન્ડ હોય. તેનો આકાર 'મિની તોપ' જ જોઈ લ્યો."  
એમના ઘરે એમણ  વહુઓ પાસે ખાસ્સી મહેનત કરાવી અને અડી શોધી કાઢી. આટલું જ નહિ તેમના પૌત્રને કહ્યું આજે આપણે અડી વગાડવી છે. બાળકો તૈયાર થઈ ગયા અને ગન પાઉડરની ગોટી બનાવી, અડીમાં નાખી અને ખરેખર ધમાકો બોલાવ્યો. બાળકો પણ રોમાંચિત થઈ ગયા.
અને બાપુએ મને પણ એ વિડિયો મોકલ્યો. જેનું નામ મેં દિવાળી પહેલા સાંભળ્યું પણ ન હતું તે જોયું, અનુભવ્યું અને સ્ટોરી પણ બનાવી જે દિવાળીના દિવસે દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપરમાં છપાઈ તેનો વિશેષ આનંદ. 

મને વધુ જાણવાની તીવ્ર ઝંખના હતી એટલે ઓળખાણ ધરાવતા, પરિવારના તમામ ભાઈ, વડીલોને ફોન લગાવીને બસ આજ વાત જાણવા પ્રશ્નો કરતી રહી. તેમાં એક વાત સામાન્ય હતી... 45 - 50 વર્ષથી નાની વયના અને શહેરના લોકોને આ વિશે ખબર જ નથી.

ભાચુંડાના મારા મામા મહેશભાઈ ગોસ્વામીને પૂછ્યું તેમણ  કહ્યું, "આ સાધન સાથે અમારું તોફાની બાળપણ યાદ આવી ગયું. ગુડદિયાનો આકાર બંદૂક જેવો હતો જે લોખંડના સળિયાનું બનેલું સાધન હતું. જેમાં દારૂગોળો ભરીને પત્થર કે દીવાલ પર પછાડતા તો ધડાકો થતો અને આ અવાજના રોમાંચ સાથે અમારી દિવાળી ઉજવાતી. તે ઉજવણી, કોમીએકતા, વિનિમય પ્રથા અને ખેડૂતોની જરૂરિયાતનું સાધન હતું. જેનો લોખંડનો ઘાટ ગામના લુહાર ઘડી આપતા જેનું બદલીમાં તેને ધાન ભરી આપવામાં આવતું."
 
મારા પપ્પાના મિત્ર ચકાર કોટડાના ખેડૂત ગણપતભાઈ પટેલે કહ્યું, " અમારા જેવા બાળકો તહેવારોની ઉજવણી ગુડદિયો વગાડીને કરતા તો તે સિવાયના દિવસોમાં ખેડૂતો ખેતરમાં ધડાકા કરીને પક્ષીઓને ઉડાડવા તેનો ઉપયોગ કરતા હતા. ચાળીયા ઊભા કર્યા છતાંય પક્ષીઓ ઉડતા નહિ ત્યારે આ ગુડદિયો ફોડીને પંખીનો ત્રાસ દૂર કરતા જેથી ખેત પેદાશો ને નુકશાન થતા બચાવી શકાય. ગુડદિયામાં ફોડવા માટેનો દારૂગોળો પણ 25 પૈસામાં 200 ગ્રામ જેટલો આવતો જે આખો મહિનો ચાલતો. ગામડાના દરેક સામાન્ય પરિવારના ઘરમાં ગુડદિયો જોવા મળતો." 

ભૂડીયાઅંકલે, મહેશમામાએ, ગણપતકાકાએ જેની પાસે ગુડતિયાનો ફોટો ન હતો તેમણ મને તરત ચિત્ર દોરીને મોકલી આપ્યાં. આ તેમનો તેમની દીકરી પ્રત્યેનો અપાર પ્રેમ જ છે. જેના થકી મારા જેવા અનેકો યુવાનોને આશરે 80 - 100 વર્ષ પહેલાંનો ઇતિહાસ અને રોચક બાબતો જાણવા મળશે.

તા: 04.11.2021
દિવાળીના શુભ દિને લખાયેલ નોંધ.

No comments:

Post a Comment