“ઉત્સવ પ્રિયા: ખલુ જના:!”
ક્યાંય વિશ્વ
વસ્તી ઉત્સવવિહોણી જોવા મળતી નથી. લોકજીવનનું પાસું એના સાંસ્કૃતિક ઉત્સવમાં
પ્રસન્નતાપૂર્વક પાંગરે છે. તેમાં ગુજરાતની સંસ્કૃતિ તો સંસ્કાર અને ઉત્સવોની ભૂમી
છે. અહીંની સંસ્કૃતિક એકતાના મૂળ ઉત્સવોમાં પડેલા જોવા મળે છે.
મહાકવિ કાલિદાસે અભિજ્ઞાનશાકુન્તલ માં સરસ કહ્યું છે કે, “માનવીને ઉત્સવ અત્યંત વહાલું છે.” લોકો
ઉત્સવોની પ્રણાલિકા ઋતુઓના રંગ સાથે અનેરો સંબંધ ધરાવે છે. હોળી અને વસંતોત્સવ એ રંગોત્સવ છે, દિવાળી એ નવી ફસલનો ઉત્સવ છે, દશેરા એ પ્રસંગનો તથા રક્ષાબંધન અને
ભાઈબીજ એ ભાઈબહેનનો ઉત્સવ છે. જુદા - જુદા લોકમેળાઓ યોજવા પાછળ ભલે ઇતિહાસ સમાયેલો હોય, પણ તે અન્યોન્ય ફુરસદના ઉમંગનો ઉત્સવ છે. જન્મ, જનોઈ, વિવાહ, શ્રીમંત એ કૌટુંબિક - સાંસારિક
ક્રિયાઓના ઉત્સવો છે. કારતક થી માંડી આશો સુધી અનેક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, કારતકી અગિયારસના તુલસી વિવાહનો ઉત્સવ અનેરો છે. પોષ મહિનો ધરતી પર પગલાં પાડે ત્યાં લગીમાં ઉત્તરાયણ આવી પહોંચે અને આકાશ પતંગોથી છવાઇ જાય. ઉતરાયણના વાયરા
વાતા બંધ થાય ત્યાં સુધીમાં તો વસંતનું આગમન થતાં જ વનશ્રી પૂરબહારમાં ખીલી ઊઠે છે. કેસુડા લોકોના દિલ
જીતવા કામણ કરે છે. ફૂલફટાક ફાગણ તો શૃંગારનો લોકોત્સવ છે. આ માસે તો શિશિર- વસંતનું સ્નેહમિલન હોય છે. આ માટે પ્રહલાદ- હોલીકાની કથા તો લોકતાંતણે
ગૂંથાયેલી છે. ગુજરાતમાં બધા પૈકી એક ઉત્સવ અખાત્રીજનો છે, વૈશાખી ત્રીજના ખેડૂતો પોતાના બળદોને
શણગારી ખેતરમાં હળ હાંકીને ખેતીનું મુરત કરે છે.
અખાત્રીજનું સુંદર કથન છે:
“પૂનમનો પડવો અને અમાસની બીજ, વણમાંગ્યું મુરત તેરસને ત્રીજ.”
શ્રાવણી માસમાં તો નાગપંચમી, શીતળા સાતમ અને ગોકુળાષ્ટમી જેવા લોકો ઉત્સવો શંખનાદે ગાજતા હોય છે. આ પછી તો નવરાત્રી, વિજયાદશમીનો ઉલ્લાસિત પર્વ ભવ્યાતિભવ્ય
ઉજવણી ખાસ કરીને ગુજરાતનું અભિન્ન અંગ છે. અદભૂત શક્તિનું આહવાહન આ પર્વથી થાય છે. તે પછી એશ્વર્ય, પ્રસન્નતાથી ભરેલ ઉત્સવ: દિવાળીનો ક્રમ.
માનવહૈયાને જોડીને તેમાં અંતરની અમીરાત પ્રગટાવનાર ઉત્સવ દિવાળીનો છે.
લોકસંસ્કૃતિની છડી પોકારતા લોકોત્સવો માનવજીવન પર અપ્રતિમ પ્રભાવ પાડે છે. માનસ હૈયાને આનંદવિભોર
બનાવનારા, ઈશ્વર તરફ અભિમુખ કરનારા, કલા ભાવનાને ખીલવનારા, શૃંગાર રસ પર આ ઉત્સવો માનવ જીવનના અભિન્ન અંગ છે.
પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ
No comments:
Post a Comment