pub-8726264906223836 વિચારોની વનમાળા: તમારી પાસે જે છે તેનો સંતોષ માનો

Wednesday, 6 May 2020

તમારી પાસે જે છે તેનો સંતોષ માનો

બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી દરેક માણસ એક જ વાત સાંભળે છે કે સુખ શાંતિનો પરમ ઉપાય છે: સંતોષ. વ્યક્તિ આખા જીવન દરમિયાન સુખ શાંતિ મેળવવા ભટકતો રહે છે પરંતુ જો સંતોષનો ભાવ વ્યક્તિમાં આવી જાય તો સુખ-શાંતિ આપમેળે દરવાજે ઉભા રહી જાય.

ભારતીય સંસ્કૃતિમાં એક સુંદર શબ્દ છે, અપરિગ્રહ તેને અર્થ એવો થાય છે કે, સંગ્રહ કરવાની વૃત્તિ ન રાખવી જોઈએ’. જો કે તેને સામાન્ય રીતે સમજી શકાય કે કોઈ પણ વસ્તુની ઘેલછા તેના સાચા આનંદને મારી નાખે છે. સંગ્રહ ઓછો કરવો પણ જેનો સંગ્રહ કર્યો હોય તે મહત્વનું હોવું જોઈએ. આ માટે વસ્તુ પ્રત્યેની ઘેલછા હંમેશા મનમાં અસંતોષ પેદા કરે છે, અને આવી પરિસ્થિતિમાં માનવી સુખ-ચેન મેળવી શકતો નથી.
આ માટે એક સરસ લઘુકથા ધ્યાને લેવા જેવી છે. એક વખત એક માછીમાર માછલી પકડવા માટે ઝાડ લઈને નદી તરફ ચાલવા લાગ્યો. નદી પાસે પહોંચીને તેને એમ લાગ્યું કે હજુ થોડું અંધારું છે, તેથી તે સમય પસાર કરવા માટે ત્યાં જ આંટા મારવા લાગ્યો.  ત્યારે તેનો પગ એક થેલા પર પડ્યો. તેમાં પથ્થર ભરેલા જોયા. માછીમાર સમય વિતાવવા માટે થેલામાંથી એક - એક પથ્થર કાઢીને નદીમાં નાખતો ગયો. જ્યાંરે તેના હાથમાં અંતિમ પથ્થર આવ્યો ત્યારે સૂર્ય ઉગી ગયો હતો. તેણે ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યું કે હાથમાં તો હીરો છે, તે રડવા લાગ્યો અને અફસોસ કરતો રહ્યો કે તેણે આખી રાત એક એક પથ્થર પાણીમાં નાખ્યા એ હીરા હતા. ત્યારે એક મહાત્મા પસાર થયા તેનું દુઃખ જાણ્યા પછી બોલ્યા: “બેટા તારે ખુશ થવું જોઈએ કે છેલ્લો હીરો હાથમાંથી જાય એ પહેલા અજવાળું થયું, કાંઈ ન આવત એના કરતાં એક હીરો પણ અત્યંત કીમતી છે. તેને વેચીને પણ તું ધનવાન થઇ શકે છે.” આમ પણ જે વસ્તુ તમારા હાથમાંથી જતી રહી છે તેના માટે લડવા કરતાં જે તમારી પાસે છે તેની ખુશી મનાવી જોઈએ.

આજના યુગમાં સૌ કોઈને આગળ વધવાની તમન્ના હોય છે, સામેવાળા વ્યક્તિની પાસે રહેલી પોતાનાથી સુંદર વસ્તુ મેળવવા તે સતત ઝંખતો રહે છે પણ આવું વલણ અપનાવવાને બદલે જે લોકો આવી વસ્તુઓથી વંચિત છે તેમની તરફ નજર કરવી જોઈએ, કે જેના દ્વારા આપણી પાસે જે છે એ અમાનતની કદર કરી શકીએ. આમ, આપણી પાસે નથી તેનું દુઃખ કરવા કરતાં આપણી પાસે છે, તેને ભગવાનની કૃપા માનીને સંતોષ માનવો જોઈએ.  


પ્રકાશિત :
કચ્છમિત્ર યુવાભૂમિ પૂર્તિ  
તા: 17/12/2016  

No comments:

Post a Comment