વનમેં પીલુ પક્યારે મારીયે જા મીંયાંણાં,હો વનમેં પીલુ પક્યા
પીલુના ફળ શહેરમાં મળવા મુશ્કેલ પણ ગામડાના છોકરાઓમાં બહુ જ પ્રચલિત. પીલુના ઝાડની એક કવિતા પણ પાઠ્યપુસ્તકમાં આવતી હતી પણ હાલ યાદ નથી.
લગભગ ખેતરની વાડે જોવા મળે જ. દરિયાકાંઠાના વિસ્તારો, ખારપાટવાળી પડતર જમીનોમાં મોટા પ્રમાણમાં જોવા મળે. બારેમાસ લીલું અને મધ્યમ ઉચાઇવાળુ ઝાડ હોય છે અને તેને અરબી/ફારસીમાં મિશ્વાક (mishwak) તરીકે પણ ઓળખાય છે.
આ વૃક્ષની ડાળી દાતણ માટે વપરાય છે અને દાંતના સ્વાસ્થ્ય અને રોગો માટે ઉપયોગી છે. ખાસ કરીને યુનાની વૈદકમાં આ વૃક્ષની ડાળી દાંતના રોગો અને મોઢાની સફાઇ માટે વખાણાયેલી છે.
( મિશ્વાક નામે મળતી ટૂથપેસ્ટમાં પણ પીલુના ઝાડમાંથી મેળવાતા extract નો ઉપયોગ થાય છે તેમ તેના ઉત્પાદકનો દાવો છે. )
પીલુના ફળ ખૂબ જ નાના પણ જીભ પર ઝણઝણાટ ફેલાવે તેવી તીખાશ સાથે મીઠાશવાળા હોય છે અને ખાવાની મજા આવે તેવા હોય છે. કેટલાક મોટી જાતના ફળૉમાં તીખાશનુ પ્રમાણ વધુ હોય છે { નર્મદાના આલિયાબેટમાં (તીખીજાર) પીલુ ચણા જેવડી સાઇઝમાં મોટા ફળ ધરાવતા સરસ પણ તીખા હોય છે }
આમ તો કચ્છી લોકો ખારા પીલુ પ્રત્યે ભારે અણગમો દાખવે છે. પણ રશિયા અને કઝાકિસ્તાનમાંથી લાખોની સંખ્યામાં હજારો માઇલ કાપીને આવેલા વૈયા પક્ષીના ઝુંડ ખાસ આ ખારા પીલુ ખાવા કચ્છમાં ઊતરી પડે છે. ખારા પીલુ વૈયા ઉપરાંત કાગડા અને બુલબુલને પણ પ્રિય છે. તો ઘેટા-બકરાં અને ઊંટ જેવા દૂધાળા પશુઓ માટે પણ ભારે પૌષ્ટિક આહાર ગણવામાં આવે છે.
તો આ વૃક્ષોના ફાલ અને પશુ-પક્ષીઓની ચહલપહલ પરથી સ્થાનિકો વરસાદની આગાહી પણ કરે છે. સ્થાનિકો પ્રકૃતિના નિખાર પરથી આગાહી કરતા આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જારા ઉપર વિપુલ પ્રમાણમાં પીલું લાગે ત્યારે આવતું વર્ષ સોળ આની કરતા વધી જાય છે..
અંગ્રેજી ભાષામાં સાલ્વેડોરા નામે ઓળખાતા ખારા પીલુના વૃક્ષો માત્ર પર્યાવરણ માટે જ નહીં, જીવ માત્ર માટે એટલા જ ઉપયોગી છે. નહિવત પાણીએ પણ બારેમાસ લીલુંછમ આ વૃક્ષ એવરગ્રીન ટ્રી તરીકે જાણીતાં છે. ખારા પીલુનાં ફળ મોઢાંના ચાંદા, પેટ અને ચામડીના રોગો તેમજ ડાયાબિટીસની બીમારી માટે ગુણકારી ગણાય છે. તેના ઠળિયામાંથી સાબુ અને શેમ્પૂ બને છે. તો તેનું દાંતણ, દાંતના રોગ માટે ભારે અકસીર હોવાથી આરબના દેશોમાં તેની ખૂબ જ માંગ છે.
ખારી જાર કચ્છને ઘણી માફક છે. તેના ગુણો મુજબ માવજત કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો કચ્છ માટે આ વૃક્ષ કલ્પવૃક્ષ અવશ્ય બની શકે છે.
No comments:
Post a Comment