pub-8726264906223836 વિચારોની વનમાળા: આજના ભગવાન આપણી આવતીકાલ સુધારવા પોતાની આજને જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે.

Tuesday, 5 May 2020

આજના ભગવાન આપણી આવતીકાલ સુધારવા પોતાની આજને જોખમમાં મૂકીને સેવા કરી રહ્યા છે.



સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાઇરસને લીધે મહામારી વધતી જાય છે ત્યારે ભારત માટે પણ ખરાખરીનો સમય છે. દેશના વડાપ્રધાન સમગ્ર પરિસ્થિતિની હાલત જોતા પોતાના દેશ પર બાજ નજર રાખી રહ્યા છે કે અમેરિકા કે ઇટાલી જેવી હાલત ભારતની ન થાય. સતત મનન - મંથન દેશના જાગૃત નાગરિકો પણ કરી રહ્યા છે, ત્યારે નિષ્કામ સેવા કરવાવાળા દેવોની પણ ભારતને અમૂલ્ય દેન છે. જે પોતાના સ્વાર્થનો વિચાર કાર્ય વગર માત્ર સેવા જ આપે છે. આવા સમયમાં દેશના નામી- અનામી ડોકટરો, નર્સો, ભારતીય સેના, પાલીસકર્મીઓ, પત્રકારો, સંસ્થાઓ, સ્વયંસેવકો વગેરે પોતાની તનતોડ મહેનત કરીને મહામારીના સંકટમાં કારગર ઉપાય હાથ ધરી રહ્યા છે.


ઘણા સમય પહેલા વાંચેલું પ્રસંગ આજે યાદ આવ્યું. પુસ્તક કયું હતું, એ તો યાદ નથી પણ હા! પ્રસંગ બરાબર યાદ છે, જે તમારી સમક્ષ મુકું છું. ફ્રાન્સના એક વિખ્યાત પત્રકાર હતા જે અખબાર માટે ક્રાઇમની ખબર આપવાનું કામ પુરેપુરી નિષ્ઠાથી કરતા. તે માનતા કે અખબારમાં સાચી ખબર જ છપાવવી જોઈએ એટલે હંમેશા “આંખે દેખ્યો હાલ” જ છાપવા માટે આપતા. એકવાર આવો જ એક અહેવાલ બનાવવા ઘટનાસ્થળ પર પહોંચીને નજરોનજર જોયેલી નોંધોને કાગળ પર ટપકાવી રહ્યા હતા. તેવામાં પથ્થરબાજી ચાલુ થઇ અને તેમાંનો એક પથ્થર પત્રકારના લમણામાં વાગ્યો અને....ઓછું હોય તેમાં ગોળીબારી ચાલુ થઇ અને એકાએક ગોળીથી પત્રકારની છાતી વીંધાઈ ગઈ. આ જોતાં સરકારી ડોક્ટર ત્યાં દોડી આવ્યા અને પત્રકારને કહ્યું કે, “તમે ઘરે જઈને આરામ કરો." ત્યારે પત્રકારે કહ્યું- " મારો અહેવાલ હજુ પૂરો થયો નથી એટલે હું ઘરે જઈ નહિ શકું.” એટલું કહીને તેણે પોતાની નોટ ડોકટરના હાથમાં આપી અને વિનંતી કરી - " લખો કે, પોલીસ અને બળવાખોરોની અથડામણ વચ્ચે ચાર માણસોને ઇજા અને એકનું મૃત્યુ થયું. " ડોકટરે પૂછ્યું - "કોનું  મૃત્યુ?" અને આ સાથે જ પત્રકારની આંખો સદાયને માટે મીંચાઇ ગઈ….!


ખરેખર વંદન છે એ ફરજનિષ્ઠાને જેને કારણે લોકો મોતનો કફન ઓઢવામાં પણ ખચકાતા નથી. આજે આ કપરા સંજોગોમાં આવાં કેટલાય ફરજનિષ્ઠ લોકોને આપણે રોજબરોજ અનુભવી રહ્યા છીએ. વંદન છે એ માનવદેહધારી દેવોને કે જે દરેક મુશ્કેલીને માત આપી માત્ર ‘સેવા પરમો ધર્મ’ નું સૂત્ર સાર્થક કરી રહ્યા છે. 


હાલની પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છીએ કે ક્યાંક ડોક્ટરોને પોતાની કોલોનીમાં પ્રવેશ નિષેધ બનાવી દીધું, ક્યાંક લાઠીમાર તો ક્યાંક સ્ત્રી કર્મચારી સાથે છેડતી, ક્યાંક પોલીસકર્મી અને પત્રકારોની હાલત પણ દયનિય બની છે, ક્યાંક તેમને અપશબ્દો બોલવામાં આવે છે તો ક્યાંક પથ્થરમારો થાય છે. મોટામાં મોટી પીડા એ છે કે કોરોના પોઝીટીવ દર્દીની સારવાર કરતા તેઓ પણ કોરોના પોઝીટીવ બની જાય છે અને મૃત્યુને ભેટે છે. આ દરેક ફરજનિષ્ઠ માનવદેવો પોતાના નાના બાળકોને છોડીને આપણા બાળકોની ખીલખીલાટ ચાલુ રહે તેની મથામણમાં લાગેલા છે. 


બાળક નાનું હોય ત્યારે એક પ્રશ્ન વડીલને ક્યારેક ને ક્યારેક તો પૂછ્યું હોય છે અને કદાચ તમે પણ પૂછ્યું હશે કે - "શું ખરેખર ભગવાન હોય? "  તે સમયે બાળકે જે જવાબ મેળવ્યો હોય તે; પણ જો આજે કોઈ બાળક પૂછે તો તમે વિશ્વાસથી જવાબ આપી શકશો...!!!


લેખનકાર્ય એ મને મારા અભિમાન કરતા વધારે વહાલું છે. તો આ રુચિને જીવંત રાખીને આપ સૌને વિનંતી કરીશ કે આપણે રક્ષક નહિ તો ભલે  ભક્ષક તો ન જ બનીએ! લોકડાઉનના બે અઠવાડિયા વીતી ગયા પછી પણ જો આ વાત કરવી પડે તો સમજવું કે શ્વેત ગોળાકારમાં ક્યાંક કાળું ટપકું રહી ગયું છે જેને શ્વેતશાંતિની અસર પહોંચી નથી. ચાંદ ગમે તેટલું સુંદર હોય પણ તેમાં રહેલા ધબ્બાઓ તેનું રૂપ ઝાંખો કરી દે છે, આવું ન થાય તે માટે જવાબ છે : "ઘરે રહો, સલામત રહો." મેં જે જવાબ લખ્યો તે તમને પણ કહીને થોડી કોપી કરાવી દઉં કેમ કે આ ચોરીથી મારાં - તમારાં માર્ક્સ વધશે પણ સાથે - સાથે પેપર ચેક કરવાવાળાના પણ માર્ક્સ (ખુશી) ગુણાકારમાં વધશે....!!!  




પ્રકાશિત :
વાવડ દૈનિક 
તા: 12/04/2020 


4 comments: