pub-8726264906223836 વિચારોની વનમાળા: ''આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો.”

Tuesday, 5 May 2020

''આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો.”



      જેસલ ડાકુ અને તોરલ સતીની ગાથા તો કચ્છના ઇતિહાસમાં અમર થઇ ગઈ છે. હું જાણું છું કે આપ સૌ આ અમરપાત્રો વિશે જાણતા હશો છતાંયે મારી સતી તોરલ પ્રત્યેની લાગણી તીવ્ર બનતા એક નાનો કિસ્સો તમારી સમક્ષ રજુ કરવા માંગુ છું. 


      તોરલ સાધુચરિતથી જેસલ બહારવટીયો મટી ગયો પણ હજુ તેમાં રાગદ્વેષ ગયા ન હતો. તેથી તેણે તોરલ ને પોતાના હૃદયની વાત જણાવી ત્યારે તોરલે કહ્યું. જે લોકો તમારી નિંદા કરે અને તમે તે નિંદા સહી લો કે જરાપણ ગુસ્સે ન થાવ તો તમે સાચા સંત બની શકો. 


      તોરલે કહ્યું તમે આવતીકાલે મારા કપડાંનો ગાંસડો બાંધી બજારમાંથી પસાર થાજો અને મારા કપડાં ધોવા નીકળ્યા છો તેવું બતાવજો. બીજા દિવસે જેસલે એવું જ કર્યું તો લોકો કહેવા લાગ્યા, “જોયું - આ જેસલ લૂંટારો હવે જોરૂનો ગુલામ થઈ ગયો છે. બાયડીના કપડાં ધોવા નીકળ્યો છે.” જેસલ કપડાં ધોઈ ધેર આવ્યો અને કપડાં સુકાવવા લાગ્યો તેમાં ફક્ત એક કપડામાં બે ડાઘ રહી ગયા. જેસલે તોરલને પૂછ્યું: “આ બે ડાઘ કેમ રહી ગયા?” તોરલે કહ્યું: “તમે બજારમાંથી નીકળ્યા ત્યારે બધા લોકોએ તમારી નિંદા કરી હશે પણ હજુ બે જણ બાકી રહી ગયા છે. તમને ખબર છે કોણ તમારી નિંદા કરી નથી?” જેસલે વિચારીને કહ્યું, “હા! એક ધોબી અને ધોબણ એ મારી નિંદા કરી નથી.” તોરલે કહ્યું, “ત્યારે હવે બીજી વાર જાવ.” જેસલ ફરી બજારમાં કપડાં ધોયા હતા ત્યાં ફરીથી ગયો. ત્યારે ધોબણે ધોબીને કહ્યું: “જોયું ને, આ બાયડીનો ગુલામ, ફરીથી આવ્યો.' ધોબી કહે, “ હા એની બાયડી ભારે લાગે છે, એને બીજીવાર તગડયો.” આ બંનેએ નિંદા કરી એટલે પેલા બે પણ ડાઘ અદૃશ્ય થઇ ગયા. 


કબીરે સાચું કહ્યું છે,
'નિંદક નિયરે રાખીએ,
આંગનકૂડી છવાય!
બિન પાની સાબુન બીના!
નિર્મલ કરે સુભાય!!

કબીરજી કહે છે ''આપણી નિંદા કરનારને આપણી પાસે જ રાખવો કારણ કે પાણી કે સાબુ વગર તે આપણને નિર્મલ સ્વચ્છ બનાવે છે.”               

                           

પ્રકાશિત :
વાવડ દૈનિક 
તા: 07/02/2020 


No comments:

Post a Comment