પરિવર્તનશીલતા એ આ જગતનો અબાધિત ક્રમ છે. તેથી તો गच्छति इति जगत । એટલે જગત સતત બદલાતું રહ્યું છે. તે તો ગતિશીલ છે અને આ ગતિના બે વિકલ્પ છે - પ્રગતિ યા તો અધોગતિ. કોઈ પણ વિચારશીલ માણસ પ્રગતિનો જ વિચાર કરવાનો। પ્રગતિ એટલે પ્રકૃષ્ટ ગતિ - શ્રેષ્ઠ તરફની ગતિ. તેથી જ આપણા પૂર્વજો એ જીવનને પ્રગતિશીલ રાખવાનો - શ્રેષ્ઠ તરફની ગતિનો કીમિયો દેખાડ્યો.
માનવ જીવનનો વિચાર કરીશું તો સ્પષ્ટ જણાશે કે, તેનો સહજ અભિગમ હંમેશા સુખ તરફનો હોય છે; દુઃખ તરફનો નહીં. શાશ્વત રાહ ચીંધનારા વેદ, ઉપનિષદ, ગીતા વગેરે ગ્રંથો દ્વારા માનવી જીવનનો આનંદ - પરમાનંદ પ્રાપ્ત કરી શકે છે. કાળના અનેક થપાટા મળ્યા પછી પણ ભારતીય વૈદિક વિચારધારાના સહારે માનવી તૃપ્તિનો અમી ઓડકાર લઇ શકે છે.
આંતર - બાહ્ય જીવનમાં ન સમજાય તેવી અંધાધૂંધી છે. વૈયક્તિક, સામાજિક, આર્થિક તમામ ક્ષેત્રો દિશાશૂન્ય - કર્તવ્યશૂન્ય બને છે ત્યારે પરિવર્તન અનિવાર્ય બને છે. આજકાલના જમાનામાં તો ધર્મના કહેવાતાં ઠેકેદારો કરોડરજ્જુ વગરના થયા છે.
સમાજમાં માનવ પાછું ઉભું થાય અને પાછું તેને કોઈ ખેંચીને પથશૂન્ય બનાવી દે છે. એકબીજાના દુઃખમાં બધા સહાનુભૂતિ દેખાડે છે ખરા, પણ દુઃખને જ જેણે જીવનની મૂડી બનાવી છે તેમ કણસતાં ઘેટાં - બકરાની વૃત્તિથી બધા જીવે છે. બધાને પુરુસાર્થ વગર પૈસા અને પ્રયત્ન વગર પ્રતિષ્ઠા જોઈએ છે. સમાજનો માનવ એ ભૂલી ગયો છે કે કામયાબી પ્રયત્નશીલોને જ મળે છે. ઋગ્વેદમાં સ્પષ્ટ લખાણ છે કે ( ऋते श्रान्तस्य न सरत्याय् देवाः ) - પુરુષાર્થ કરીને શ્રમિત થયા વગર તો દેવો પણ મદદ નથી કરતા.
આપણે યાદ રાખવું પડશે કે વિકાસને નહિ, તેને રૂંધનાર ને રૂંધવાના છે. રૂઢિ માત્ર જીવનની ગતિશૂન્યતા છે. માણસે અમુક વાડા બાંધ્યા છે અને સમજણ દૃઢ કરી કે એ દાયરાની બહાર જવાનું નથી પણ વિક્સતુલ્ય ભારતની ગતિને જો આગળ વધવા દેવી હશે તો અજોડ વિકાસની દિશા પકડવી જ પડશે જેમાં ઘણીવાર પરિવર્તનની શક્યતા હોઈ શકે. ધર્મ, પંથ, પરંપરાના બાંધી મુકેલા " વાડા " ઉઘાડવા પડશે અને સ્વતંત્રતા,સ્વચ્છતા, વિકાસના ફૂલ ખીલવવા પડશે.
No comments:
Post a Comment