pub-8726264906223836 વિચારોની વનમાળા: સમર્પણથી સ્વાવલંબન તરફ......!!!

Tuesday, 5 May 2020

સમર્પણથી સ્વાવલંબન તરફ......!!!




દાન આપવાના આઠ સ્તર છે. પ્રથમ અને સૌથી નીચલું સ્તર ખચકાટ અને અફસોસ સાથે દાન આપવાનું છે. બીજા સ્તરમાં ખુશીથી આપવામાં આવે છે પરંતુ પીડિતના જરૂરિયાત મુજબ નથી હોતું. ત્રીજા સ્તરમાં ખુશીથી અપાય છે પરંતુ માંગવામાં આવે ત્યારે  જ આપવામાં આવે છે. ચોથા સ્તરમાં ખુશીથી, જરૂરિયાત મુજબનું, માંગ્યા વિના આપવામાં આવે છે,પરંતુ દાન દેખાડી દેવાના ભાવથી અપાયું હોય છે. પાંચમા સ્તરમાં દાન અપાય છે જેમાં પીડિતને ખબર પડે કે કોને આપ્યું પણ દાતાને ખબર નથી હોતી  કે દાન કોને અપાયું? છઠ્ઠા સ્તરમાં દાતાને ખબર હોય છે દાન કોને અપાયું પણ પીડિતને નથી ખબર કે દાન કોણે આપ્યું? આ કિસ્સામાં દાનવીરની ઈચ્છા નથી રહેતી કે નામ જાહેર થાય પણ કોને અપાયું તેની ખબર રાખવામાં આવતી હોય છે. સાતમું સ્તર મંદિરની દાનપેટી જેવું છે જેમાં દરેક દાન આપી જાય છે અને દરેક દાન પીડિતોને આપવામાં આવે છે પણ દાતા- પીડિત એકબીજાને જાણતા નથી હોતા. પરંતુ દાનનું આઠમું સ્તર સર્વશ્રેષ્ઠ છે જેમાં દાનની જરૂરિયાત પડે તેવી તમામ અવસરોને જ નાબૂદ કરી દેવાનું છે. પીડિતો પાસે અવસર જ ન આવે કે કોઈ દાનવીર પાસે દાનની અપેક્ષા રાખવી પડે. જો દાનના આઠમા સ્તરને સમજીને આચરણ કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી શકાય, જે છે- સ્વાવલંબનનો માર્ગ..!!! આ સ્તરમાં કોઈ દેખાડો નથી, ખચકાટ કે અફસોસ નથી, જરૂરિયાત છે તેને જ મળે છે તેથી પીડિત અને દાનવીર વચ્ચે ખુમારીનું હનન પણ થતું નથી. દાનના આ સ્તરમાં પીડિતને પીડામાંથી મુક્તિ અપાવનારું નહિ પણ પીડા દૂર કરી શકવા માટે સમર્થ બનાવનારું છે. તે માટે શક્ત્તિ, આવડત કે કૌશલ્ય વધારવાનું કામ કારવામાં આવે છે.  આજીવિકાનું સાધન ખરીદવા લોનની મદદ, વ્યવસાય માટે ઉધારી આપવી, નોકરી કે રોજગાર માટે તાલીમ આપવી, જ્ઞાન- કૌશલ્યમાં વધારો કરવો વગેરે જેવા દાનઆ સ્તરમાં કરવામાં આવે છે.
ભિખારીને જો આજે ખાવા જેટલા રૂપિયા કમાઇ લેશે તો તે આવતી કાલ એ જ રસ્તો અપનાવશે પણ આ પરાવલંબન દૂર કરવા આપણે સમજદારી દેખાડવી પડશે. હું દાન ન આપવાનો આગ્રહ નથી કરતી પણ દાનના વિવિધ સ્તર પૈકી શ્રેષ્ઠ સ્તરને આપનાવવાની વાત કરું છું. પીડિત અથવા તો જરૂરિયાતમંદ પ્રામાણિકતા અને ગરિમાપૂર્ણ જીવન જીવે અને ગુજરાન ચલાવી શકે એટલું પુરુષાર્થ કરવા પ્રેરાય તેવી પરિસ્થિતિ ઉભી કરવાનું કહું છું. હાથ ફેલાવીને લાચારી બતાવવાને બદલે પ્રારબ્ધની સુવર્ણ સીડીથી સ્વાવલંબન પ્રાપ્ત કરે તેવી વાત કરું છું. બારમી સદીના યહૂદી ફિલસૂફ મૈમોનીદેસના લખાણમાં દર્શાવેલા દાનના આઠ સ્તરને જયારે મેં સમજ્યા ત્યારે વિચાર કર્યો કે તેને આપ સૌ સમક્ષ રજૂ કરુ જેથી કયું સ્તર યોગ્ય છે તે સમજવામાં મારી જેમ આપ સૌને પણ સરળતા રહે. હું આ માર્ગ પર આગળ વધી ચુકી છું, તમે રસ્તામાં મને સાથે મળો  છો કે સામે જોવા મળો તે તો જોવાનું બાકી જ રહ્યું.....!!!    



પ્રકાશિત :
વાવડ દૈનિક 
તા: 03/04/2020 

No comments:

Post a Comment