pub-8726264906223836 વિચારોની વનમાળા: “બિનબોલે શબ્દો અને ભાવનાઓની વ્યુત્પતિ એટલે ચિત્રકળા...!”

Tuesday, 5 May 2020

“બિનબોલે શબ્દો અને ભાવનાઓની વ્યુત્પતિ એટલે ચિત્રકળા...!”


લોકસમાજમાં પાંગરેલી સંસ્કારિતાનું સાચું દર્શન એટલે કળા. જીવનને હર્યુંભર્યું રાખવા માટે જ માનવી ભાત-ભાતની કલાકૃતિઓનું સર્જન કરે છે; એવું કહીએ તો કાંઇ ખોટું નથી. એટલે જ તો માનવજીવનનો ધબકાર છે કળા. ઇતિહાસની પ્રાસંગિક- પારંપરિક ધરોહરને સાચવવા માટે કળા એ મુખ્ય અંગ છે. વિશેષતઃ  ચિત્રકળા તેનું અભિન્ન અંગ છે. ચિત્રકળા એ સર્વે કળાઓમાં મેઘધનુષી કળા છે. 


હું કોઈને પૂછું કે મહાદેવનું રૂપ કેવું? તો વિવિધ જવાબો મળે; જેમકે કર્પૂરગૌરં કરૂણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ. અર્થાત જે કપૂર જેવા ગોરા વર્ણવાળા છે, કરુણાના અવતાર છે, સંસારમાં સારરૂપ છે અને ભુજંગના હાર ધારણ કરેલ છે. આ જ જવાબ જો મને ચિત્રાત્મક સ્વરૂપે દ્રશ્યમાન થશે તો મહાદેવની પ્રતિમા મારા મનમાં હંમેશાંની માટે કાયમી સ્થાન મેળવી લેશે અને વર્ષો સુધી તે છબી મારા માનસપટ પર છવાયેલી રહેશે. કોઈપણ તદ્લક્ષણા સંસ્કારીતાનું નિરૂપણ જ્યારે ચિત્ર દ્વારા પ્રદર્શિત થાય છે ત્યારે આશંકાઓ દૂર થઈને સંભાવનાઓમાં પરાવર્તન થાય છે. જેને મનસાદેહે યાદ રાખવું સરળથી પણ સરળ બની જાય છે. અભણને પણ ચિત્ર જાણે બોલીને યથાર્થ સમજાવતું હોય તેવું લાગે. એટલે જ ખરેખર કહેવાયું છે કે, “ચિત્રો એ શબ્દો વિનાનું કાવ્ય છે.”


પહેલાના સમયમાં કેમેરાની શોધ થઇ ન હતી પરંતુ પ્રાચીન - અર્વાચીન સદીઓમાં લોકોની રહેણીકરણી કેવી હતી તેનો તાગ આપણે આજના સમયમાં પણ મેળવી શકીએ છીએ. તેનો મૂળભૂત આધારસ્તંભ ચિત્રકળા, સ્થાપત્યકળા અને લેખનકળા છે. મતાંતર થતાં એવું પણ લાગે કે સ્થાપત્યકળા અને લેખનકળા એ આ માટેનું મહત્વનું સ્થાન ભજવ્યું છે. કારણકે લેખનકળા એ યુગોથી વિવિધ લિપિમાં આગવું પ્રભુત્વ ધરાવે છે પરંતુ તે આબેહૂબ ચિતાર રજૂ કરવામાં ક્યાંક ચિત્રનો સહારો માંગતી હોય તેવું લાગે. વળી સમૃદ્ધ સ્થાપત્યકળા પણ સમય રહેતા અમુક અંશે વિખેરાઈ ગઇ અથવા આંશિક નાશપ્રાય બની. આપણા સમૃદ્ધ વારસાના વર્ણનને બમણું સૌંદર્ય પ્રદાન કરનાર ચિત્રકળા છે જે ચિત્રો જોતા જ આપણી પરંપરાનો વિના વિક્ષેપે ખ્યાલ આવી જાય છે. ચિત્રની કળા વિકસાવવી અને તેના પાછળના અથાગ પ્રયત્નોના અંતે ચિત્રો જાણે જીવંત દ્રશ્યો હોય તેવું આભાસ થતું હોય છે. 


ઇતિહાસને મનુસ્મૃતિમાં કાયમ કરવા આજના આધુનિક સમયમાં ફોટોગ્રાફીનો પ્રચલન સૌથી વધારે છે, પરંતુ ભૂતકાળ ધરોહરને નિસંદેહે આપણી સમક્ષ જીવંત રાખનાર ચિત્રકળા જ છે. આ કળા લુપ્ત થવાને આરે છે કે તેની કદર નથી થઈ રહી તેવું હું જરાય નહીં કહું કેમકે ચિત્રકળાનું સ્થાન અન્ય કોઈ કળા નહીં લઈ શકે; તે તથ્ય નિર્વિવાદ છે. તો બિનબોલે શબ્દો અને ભાવનાઓને રજૂ કરનાર ચિત્રકળાના તમામ નામી-અનામી સાધકો અને રસિકોને મારા સત સત નમન...!!


 
પ્રકાશિત :
વાવડ દૈનિક 
તા: 24/04/2020 


13 comments: