pub-8726264906223836 વિચારોની વનમાળા: સ્નેહની અણલખી આનંદધારા - તમારું નામ રાધા!

Sunday, 3 May 2020

સ્નેહની અણલખી આનંદધારા - તમારું નામ રાધા!

    રાધા-ભારતીય જનસમાજના હૃદયમાં વહેતી કબીરની 'અઢી અક્ષરો પ્રેમની ધારા છે. રાધા એટલે ભક્તિ- શક્તિનું જીવનસંગીત. શ્રીકૃષ્ણનું સર્વસ્વ એટલે રાધા. રસ-રાસેશ્વરની વાંસળીના મીઠા-મધુર સૂરમાં રાધાની અનુભૂતિ છે. યાદી આપતા રાધાની ઓળખ તો વધુ ને વધુ લંબાતી રહેશે. અનેકોએ રાધાને પોતાની ભાષામાં આલેખિત કર્યા છે. અલગ-અલગ કથાઓ, પ્રસંગપાટ ગીતો-કવિતાઓ રાધાના નામથી અમર બન્યા છે. 

    કનૈયાને યાદ કરતા જ ગિરિરાજની સર્વેસર્વા, પ્રેમસરોવરની પાળે, મહારાણીની અદાથી વૃષભાણની માનુની છોકરી આંખો સામે ખડી રહી જ જવાની. તનમાં રોમાંચ અને મનમાં ઉમંગ, બંધ આંખોમાંથી વિરહ- મિલનના ભાવ વ્યક્ત કરતા ' કૃષ્ણ... કૃષ્ણના મધુર સ્વરથી વાતાવરણને સુગંધિત કરતી રાધાજીની એક તસ્વીર આંખો સામે આવી જ જાતી હોય છે. ભારતની રસભર પરંપરામાં કૃષ્ણ અને રાધા પ્રેમના પર્યાય શબ્દો બની ગયા છે. તીવ્ર વિરહમાં મિલન અને મિલનમાં તીવ્ર વિરહની ભાવનાનું દર્શન કરવા માટે રાધાને મળવું પડે અને એ મિલન રાધાકૃષ્ણની સનાતન પ્રેમકથાઓમાંથી જ મળે. 

પ્રેમલક્ષણા ભક્તિની મસ્તીનું એકત્વ એવું અદ્દભુત છે કે ખુદ શ્રીકૃષ્ણને કહેવું પડે છે કે: 


"‘રા’- શબ્દો ચારણૈવ દદામિ ભક્તિમુતમામ ।
‘ધા’- શબ્દ કુર્વત સાસ્ય યામી શ્રવણ લોભત: ।।"

    અર્થાત જે 'રા' શબ્દનું ઉચ્ચારણ કરે તેને હું ઉત્તમ ભક્તિ આપું છું અને જયારે ‘ધા’ એ શબ્દ સાથે 'રાધા'ના પુરા નામના  ઉચ્ચારણ દ્વારા શ્રવણનો લોભી એવો હું તેની પાછળ ચાલુ છું. ભારતીય સાહિત્યમાં રાધા- કૃષ્ણ પ્રેમ અને ભક્તિના અમર પ્રતીકોરૂપે ઘૂંટાઈ ઘૂંટાઈને નિરૂપાયાં છે. જેમ મહાભારતમાંથી શ્રીકૃષ્ણનો ઉલ્લેખ ન કરવામાં આવે તો બાકીનું બધુંયે અને બધા જ પાત્રોની આપમેળે બાદબાકી થઇ જાય તેમ કૃષ્ણ અને વ્રજભૂમિમાંથી રાધાજીની બાદબાકી કરો તો વ્રજભૂમિ અને કૃષ્ણ બંને અપૂર્ણ અને અધૂરાં થઇ જાય છે. 

    સુરેશ દલાલે સરસ કહ્યું છે કે, " વ્રજ એ નકશા પર બતાવી શકાય એવું સ્થળ નથી, જ્યાં-જ્યાં રાધા માધવને મળે, માધવ રાધાને મળે ત્યાં- ત્યાં વ્રજભૂમિ  છે. " રાધા- કૃષ્ણ જન્મના નહિ પણ જન્માંતરના પ્રેમી છે. નિરાકારનું પરમ આનંદિત સ્વરૂપ રાધા છે. જે શ્રીકૃષ્ણને પૂર્ણ શક્તિમાં પ્રેમ સ્વરૂપે પ્રાપ્ત થઇ છે. રાધા ફક્ત યમુના તટની ગોપી નહિ પણ ચિરંજીવી પ્રેમની પ્યાસી શ્રીકૃષ્ણની પ્રેયસી છે.


પ્રિયકાંત મણિયારના શબ્દોમાં:

 "આ નાભ ઝૂક્યું તે કાનજીને, ચાંદની તે રાધાજી."

Thanks & Regards,
Purvi Goswami
Mob. 9825792048

1 comment: