pub-8726264906223836 વિચારોની વનમાળા: સંસ્કૃતિનો અતૂટ વારસામાં થયેલું પરીવર્તન

Sunday, 3 May 2020

સંસ્કૃતિનો અતૂટ વારસામાં થયેલું પરીવર્તન



    આપણે છેલ્લા બે ત્રણ દાયકાથી પશ્ચિમીકરણનો શબ્દ કોઈને કોઈ રીતે વ્યવહારમાં પ્રયોજતા હોઈએ છીએ. પશ્ચિમી સંસ્કૃતિનું થઇ રહેલું અનુસરણ દરેક લોકો માટે ચર્ચાનો મુદ્દો અને તત્વચિંતનનું હાર્દ બની રહે છે. આ અનુકરણ કેટલા અંશે યોગ્ય છે ? અનુકરણ કરવું જોઈએ કે નહિ ? અનુકરણ કરતા ક્યાંક આપણે, આપણો ભવ્યતમ વારસો તો નથી ભૂલી રહ્યા ને ? આવા અનેક મુદ્દાઓ છાશવારે ચર્ચાય છે.પરંતુ સાહેબ હું તો એક જ વાત રજુ કરીશ કે આવનારી પેઢીનું મન સ્પ્રીંગ જેવું છે, જેટલું દબાવવાની કોશિશ કરશો તેટલી જ સ્પ્રિંગ ઉછળશે. આ પેઢી પર સીધો અંકુશ લાવવો કે આંખ ગરમ કરવાથી બદલી શકાશે નહિ. હું જયારે એ પેઢીની પ્રત્યક્ષ સાક્ષી છું તેને અનુભવું છું  અને કહી શકું છું કે મારા પહેલાની પેઢી એટલે કે માતા- પિતા કે એમની ઉંમરના વડીલો પણ જેટલો સમય ઋતુ બદલાતા લાગે એટલા સમયમાં ફેશનોત્તર થતા જાય છે. 

    આજે આધેડ વયના વડીલો પણ સંતાનોમાં હિન્દૂ સંસ્કૃતિનો વારસો કેટલો સમૃદ્ધ છે તેની ભવ્યતા સમજાવવામાં રસ ધરાવતા નથી. હું એવું નહિ કહું કે તેઓ પુરપુરા આધુનિક ઢબે વણાઈ ગયા છે પણ એવું ચોક્કસ કહીશ કે પોતાની આવનારી પેઢીને સંપૂર્ણતમ આધુનિક બનાવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સિંહફાળો આપી રહ્યા છે. હું આધુનિક ટેક્નોલોજીથી લેસ દરેક સુવિધાસજ્જ સાધનોનો ઉપયોગ કરવા ટેવાયેલી છું પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા કે પછી ધર્મ કે બનાવી દીધેલા ધર્મ વચ્ચેની પાતળી ભેદરેખાને પારખવા માટે સતત મનોમંથન કરું છું, કારણ કે હું મારી ભારતીય સંસ્કૃતિને ખુબ પ્રેમ કરું છું અને મને મળેલા ભવ્ય વારસાની અંતઃકરણ પૂર્વક યાચના કરું છું.  

    મારી અભિલાષા એ જ હોય છે કે  બધા જ યુવાનો આપણા ભવ્ય વારસાનું જતન કરે અને તેના સંવર્ધન માટેના સઘન પ્રયાસો અકબંધ રાખે. હમણાં થોડા દિવસો પહેલા આપણે દિવાળીનો તહેવાર ઉજવ્યો અને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મેળવી અને આપી પણ. ડિજિટલ જમાનાના આપણે ચાહક ગુગલ કરી-કરીને દિવાળી ગ્રીટિંગ્સ પસંદ કરી અને દરેક સ્નેહીઓને ફોરવર્ડ કરી. આ આધુનિકતા વચ્ચે આપણે ચિઠ્ઠીનો કે પોસ્ટનો વ્યવહાર જ ભૂલી ગયા. રક્ષાબંધનના તહેવાર પર સાત સમંદર પાર રહેતી બહેનને મની ઓર્ડર મુકવામાં આવતું, જયારે હવે ઓનલાઇન ઓર્ડર આપીને સીધા બહેનના ઘરે ગિફ્ટ્સ પહોંચાડવાનું ચલણ વધ્યું છે. સાતમ- આઠમના બનાવવામાં આવતી માતર, મીઠા રોટલા અને હલવાના સ્વાદ હવે ફીકા પડી ગયા છે. હવે ગૃહિણી સાતમ બનાવાના બદલે તૈયાર ઓર્ડર આપીને મંગાવવાનું પસંદ કરે છે અને ઘરમાં ચૂલો ન સળગે તેથી હોટેલના ચૂલામાં રાંધેલો ખોરાક ખાવાનું વધુ પસંદ કરે છે. નવરાત્રીમાં તો છેલ્લા કેટલાય વર્ષથી માતાજીના ગરબા એ સ્થાન છોડીને રિમિક્સ ગરબા, આધુનિક ગરબા કે ફિલ્મોના ગીતોએ સ્થાન ગ્રહણ કરી લીધું છે. 

    આધુનિકીકરણ સ્વીકાર્ય છે તેને નકારી શકાય નહિ. જમાના સાથે કદમ મિલાવવું જરૂરી છે પરંતુ સંસ્કૃતિનો અતૂટ વારસો જાળવી રાખવાનું કામ પણ આપણી યુવાપેઢીનું જ છે.વડીલો પણ યુથમાં થઇ રહેલા ફેરફારોને સ્વીકારી રહ્યા છે. હંમેશા કહેવામાં આવે છે કે આજનો યુવાવર્ગ પાશ્ચાત્ય સંસ્કૃતિને વશ થઇ રહ્યો છે પણ હું આ વાતમાં વધારો કરીશ અને કહીશ કે અબોધ-વૃદ્ધ આ વહેતા પ્રવાહમાં હડસેલા મારી રહ્યા છે પરંતુ બહુમતી યુવાવર્ગની હોય એટલે સફેદમાં કાળું ટપકું જુદું તારી આવે તે શક્ય છે. આજના બદલાતા માહોલમાં મેટ્રો ટ્રેનની ઝડપે ફેરફારો થઇ રહ્યા છે તેના માટે સુવિધાઓ વધે તે પણ જરૂરી છે પરંતુ આપણા ભારતીય સંસ્કૃતિનો ગહન અભ્યાસ કરીયે કે પછી ઇતિહાસના ચોપડા ઉથલાવીયે તો જણાશે કે પ્રાચીન પરંપરામાં વણાયેલી રીત- ભાત  આજના આધુનિક વિજ્ઞાનને પણ આંબે તેવી વિશાળ છે. તે વખતે સંસ્કારોનું સિંચન વૈજ્ઞાનિક ઢબે જ થયું હતું અને આજના સમયમાં સંસ્કૃતિનું હનન વધતું જાય છે. આપણી હજારો વર્ષો જૂની સંસ્કૃતિને આપણા પૂર્વજોએ ભારતની ગુલામી વખતે ભૂલી ન હતી, તે વખતે ગુલામીને વશ લોકો ગુલામી ભોગવવા  મહદ્દઅંશે મજબુર હતા પરંતુ આજનો યુગ સુવિધાથી લેસ, બુદ્ધિગત ઔચિત્ય ધરાવે છે. આજનો માનવીય વર્ગ ક્રિટિકલ થિન્કિંગ કરતો વર્ગ છે, તથ્યો ને જાણે છે, માને પણ છે કે ધીરે ધીરે સાંસ્કૃતિક વારસાનું જતન એ જ અનન્ય વિકલ્પ છે. 

    સૌ કોઈ ચર્ચા કરી જાણે છે, કટાક્ષ કરી જાણે છે, આગાહી પણ કરે છે અને કોઈ તો એનાથી પણ વધુ નેક અને જવાબદારીભર્યું કામ કરે છે કે ધરોહર સાચવવામાં ઉપાયો રજુ કરે છે. પરંતુ " મન હોય તો માળવે જવાય " , વીજળીનો ઝાટકો લાગ્યા પછી જેમ શરીર સફાળો જાગી જાય છે તેવો જ એક ઝાટકો આ લેખ દ્વારા મારા અને તમારા બધા માટે છે. છૂટતી ટ્રેનને પકડી લઈએ અને નિશ્ચિત સ્ટેશન પર પહોંચી જઈએ તો બધું સમું સુથરું સચવાઈ જાય તેમ છે. 

    “ જાગ્યા ત્યારથી સવાર” અને આ નવી સવારને ખુબ સારી બનાવવા માટેના સહિયારા પ્રયત્નો આપણે સહુ સાથે મળીને આદરીયે. આપ મુવા વિના સ્વર્ગે ન જવાય!!


         
પ્રકાશિત :
કચ્છ દર્શન દૈનિક
તા: 19/12/19 


1 comment: