pub-8726264906223836 વિચારોની વનમાળા: ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, સાત વીસ સતીયું રમે આહિરાણી!

Wednesday 12 August 2020

ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી, સાત વીસ સતીયું રમે આહિરાણી!


ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી,
સાત વીસ સતીયું રમે આહિરાણી!


    લોકગીતની આ પંક્તિઓ કોઈના કાને ના આવી હોય એવું ભાગ્યે જ બને. રાસડાઓમાં ગવાતી આ કડીઓ પાછળનાં ઇતિહાસમાં રહેલી વ્રજધામ કચ્છી બાઈયુંની  વાત અહીં કરી છે. 

     જ્યાં કૃષ્ણની વાત હોય ત્યાં કૃષ્ણલીલા અને તેને ઝીલતી નિખાલસ ગોપીઓની રાસલીલા તો સૌને હૈયે રમે. કૃષ્ણ પ્રત્યેના મૃત્યુલોકના માનવીઓના પ્રેમનું આ ઉદાહરણ યથાર્થ ઠરે છે. હાથીદાંતના જાડા ચૂડલાવાળા એમના હાથની તાળીઓ પણ ઢોલના અવાજ સાથે રમઝટ મચાવી દૂરદૂર સુધી સંભળાતી હતી. પગે પહેરેલા કાંબીને કડલાનો મીઠો રણકાર વાતાવરણમાં કંઈ નવી જ જાતનો ઝણઝણાટ ભરી દેતો હતો. એમના જાડા પણ સુઘડ વસ્ત્રોમાં ભરેલી તારા-ટપકીઓ જાણે સૂર્યના પ્રકાશમાં રમી રહી હતી. ઉત્સવમાં આનંદમગ્ન આ સાત વીસ આહિરાણીઓ જ્યારે સંગીતમય બનીને ધ્રોસટ રાસ રમી ત્યારે વ્રજધામનો ઇતિહાસ રચવાની ભોગી બની. ઇતિહાસ કહે છે કે, તેઓ રાસની રમઝટમાં એવી ખોવાઈ હતી કે જાણે કૃષ્ણ સાથે તેમને સાક્ષાત્કાર થયો હોય. આમેય કચ્છમાં આહિરોની કૃષ્ણભક્તિ વિશેષ મહત્વ ધરાવે છે. વ્રજધામનો હેલ્લારો આશરે 500 વર્ષ પહેલા સર્જાયો હતો જેની સૂર સાક્ષાત્કાર આજના સમયમાં પણ થાય છે. 

    વ્રજવાણી ગામ કચ્છમાં ગણાતી વૈરાટનગરી ગેડીથી બેલા જવાના રસ્તા પર રણને કિનારે આવેલું છે. આજે ત્યાં એક ભવ્ય મંદિર છે. મંદિરની અંદર જાઓ તો બીજાં બધાં તીર્થસ્થાનો કરતા અહીઁ એકદમ અલગ નજારો જોવા મળશે. અલગ એટલા માટે કે અહીં તમને કચ્છની આહિરાણીઓની ગોળ કુંડાળામાં મૂર્તિઓ અને બહાર ચોગાનમાં એક ઢોલીનો પાળિયો જોવા મળશે! અમુક પ્રસંગો આપણી વામણી તથ્ય માપતી બુધ્ધિથી નથી સમજી શકાતા. આ પ્રસંગ પણ કંઈક આવો જ બનેલો. સૌથી પ્રખ્યાત જે વાત છે તે છે; રાસની અલૌકિક  રમઝટ. આ રમઝટનો ઇતિહાસ પણ અલૌકિક છે. એકવાર વ્રજમાં થયું એવું કે કોઈ કારણસર રાસલીલા લેવામાં આવી. ત્યારે ગોપીઓ ભગવાન શ્રી ક્રુષ્ણને અરજ કરે છે કે ,હે પ્રભુ! આ ચોથો રાસ? ત્રણ રાસ તમે પૂરા કર્યા પણ આ ચોથો રાસ ક્યારે પૂર્ણ કરશો? વધુમાં ગોપીઓ કહે છે કે, હે કાન! જો ચોથો રાસ પૂર્ણ ન થાય તો અમે આગ ભળી જઈએ. ત્યારે સાક્ષાત કરુણા અવતાર ગોપીઓને કહે છે કે,હું તો મારો ચોથો રાસ અવશ્ય તમારી સાથે પૂર્ણ કરીશ. અને શ્રી કરુણાકર વચન આપ્યું કે ચોથો રાસ પૂર્ણ કરવા ધરતી પર ફરી અવતાર લઇશ." આ જ ચોથો રાસ તે; વ્રજ્વાણીમાં આહિરાણીઓ શ્રીકૃષ્ણ સંગ રમ્યા તે છે.   

વાગડમાં વ્રજવાણી આહિ‌રો નેસડાઓમાં વસવાટ કરતા. તહેવારનો માહોલ છે, ઠેકઠેકાણે મેળામાં ભાવવિભોર ઉજવણી થઈ રહી છે, ત્યાં ગામના પાદરમાં એકાએક ઢોલ વાગવા માંડ્યો. ઢોલીની થાપ પડતા ધ્રુજારી ઉત્પન્ન થતી ગઇ અને ગામની આહિર સ્ત્રીઓ રાસડે રમવા લાગી. ચારેબાજુ જાણે ‘કાળીયા ઠાકોરજી’ની ભક્તિનું વાતાવરણ સર્જાયું. ઢોલીનો ઢોલ નહી, વ્રજની વાંસળી વાગતી હોય એવો નાદ સંભળાવા લાગ્યો અને કૃષ્ણમય આહિરાણીઓ ભાન ભૂલીને રાસ લેવા માંડી હતી. કૃષ્ણપ્રેમનું અદ્ભુત દ્રશ્ય ત્યારે કચ્છના રણની કાંધીએ જામ્યું હતું.

    રાત પડી તોય આહિરાણીઓ રાસડા રમતી રહી અને પાદરમાં ઢોલી ઢોલ વગાડતો રહ્યો. રાસ ચગ્યો જ ચાલ્યો. ઘરે બાળકો ભૂખ્યાં સૂઈ ગયાં, ઢોર દોહ્યા વગર રહ્યાં અને ઘરનું કામ બધું અભેરાઈ પર ચડ્યું. આ જોઈને જાણે ત્રિલોકનાથની પણ આંખો અચંબ થઈ હશે પણ નથી આહિરાણીઓ થાકતી કે નથી ઢોલી ઢોલ બંધ થતો. આહિરાણી સતીયું પ્રભુમય બની હોય છે. જાણે કોઈ સ્નેહસંબંધ સમજણનો નાતો બંધાય છે. 

રાસ રમણીઓની દુનિયા આજે જુદી જ હતી. ઘરે વળગેલી જગતની જવાબદારીઓ આજે કોઈને યાદ આવી નહી. વ્રજવાણીએ આજે જાણે વ્રજભૂમિ અવતાર ધારણ કર્યો હતો. કનૈયાને બદલે આજે અહીં ઢોલીનો ઢોલ કાંપતો હતો ગોકુળની ગોપીઓ બની બેઠેલી વ્રજવાણીની આહીરાણીઓ ઢોલીના ઢોલ પર ઘૂમી રહી હતી.

    અહીઁ આપણે માત્ર કૃષ્ણ પ્રત્યેનો ભાવ જાણવા માટે લખ્યું છે તો, કહેવાય છે કે, જ્યારે લોકોને લાગ્યું કે હવે હદ થાય છે ત્યારે લોકો પાદરે આવ્યા અને જોય છે કે આહીરાણીઓ તો કૃષ્ણમાં પ્રેમઘેલી બની છે. તેવામાં ઢોલી ઢળી પડે છે પણ ધડ માથાથી છૂટ્ટુ પડ્યું છતાય ઢોલના તલ ક્ષણભર ચાલુ રહે છે! ઢોલના તાલે ભાન વિસરીને રમતી આહિર સ્ત્રીઓને તો ઢોલનો તાલ બંધ થયો ત્યારે ખબર પડી કે આવું બની ગયું છે! ઢોલીના દેહ પર ફૂલડાં વેરાયેલા છે અને પછી શું હતું? સૌ આહીરાણીઓએ ધરતી માતાને વિનંતી કરી કે, 'હે મા! જે પ્રભુની ભક્તિમાં અમે ઘેલા બન્યા તે અમારો કાનુડો અમારી સાથે નથી તો અમારો જીવવાનો કોઈ અર્થ નથી. તું અમને સમાવી લે.' અને કહેવાય છે કે, ધરતીમાં એ સાત વિસું આહીરાણીઓને પોતાનામાં સમાવી લીધા. 

પ્રથાના મોહમાં નહીં પણ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે પ્રાણ ત્યજી દીધાં!” અપૂર્વ, વીરલ દ્રશ્ય સર્જાયું. શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ બીજે ક્યાં હશે? 

    'શ્રદ્ધાનો જો હોય વિષય તો પૂરાવાની શી જરૂર? આ પંક્તિ જાણે કચ્છમાં આવાં કેટલાય લોકકથાઓ અને શ્રદ્ધાસ્થાનો માટે યથાર્થ ઠરે છે. આહિર વ્રજવાણી ગામ તો આજે નવું વસાવેલું ગામ છે. આજે પણ અનેક લોકો વ્રજવાણી ધામે આવે છે અને આહિરાણીઓના પાળિયાઓ આગળ મસ્તક ઝૂકાવે છે. સૂરની પ્રેમી અને કૃષ્ણની ધૂન પર રાસ રમતી આહિ‌રાણીઓની હયાતીનો ઘણા શ્રદ્ધાળુઓએ સાક્ષાત્કાર કર્યો છે, આજે વિજ્ઞાનયુગમાં આપણે માનીએ કે ન માનીએ પણ અહીં આવનારા પ્રવાસીઓ હોંશે હોંશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પાળીએ કાન જરૂર ધરે છે અને અવાજ ધ્રબૂકે છે તેવો અહેસાસ પામે છે. ભલે પછી તેના પાછળ આ જગ્યાની પવિત્રતા હોય, આજે ધ્રબૂકી રહેલા ઢોલીનું કૃષ્ણરૂપ જોમ હોય કે પછી ૧૪૦ આહિ‌રરાણીયુંનું સત પણ કચ્છી સુરાતનવાળી બાઈયુંની આ એક અદ્ભુત કથા જે કચ્છીનાં ઇતિહાસમાં ઘર કરી ગઈ. 
એક કે બે નહીં પણ સાત વીસ એટલે કે (7*20) 140 જેટલી સ્ત્રીઓ સતી બની ગઈ, ધન્ય છે આ વ્રજવાણી કચ્છી બાઈયું તમને! 

કૉલમ- "પાંજી બાઈયું"

પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર- કચ્છ એડિશન

તારીખ: 11/08/2020

Picture Credit: Bipin Soni




No comments:

Post a Comment