બે બાળકો, સાસુ – સસરા, પતિ અને પોતે. વ્હાલી દીકરી જેવી વહુ, પ્રેમાળ માતા અને ફરજનિષ્ઠ પત્ની અને વ્યવસાયે સંગીત શિક્ષક, આ તો થઈ તેમની સામાજિક ઓળખાણ. પરંતુ જો રીમાબેનને વ્યક્તિગત રીતે ઓળખવા હોય તો આટલી ઓળખાણ પૂરી જ ન પડે. સંગીતના પ્રેમપાશમાં બંધાઈ ગયેલાં રીમાબેન, સાધના થકી જ દરેક મુશ્કેલીનાં રામબાણ ઈલાજ શોધતાં રહ્યાં છે. સંગીતની સાધનામાં ‘સ્વત્વ’ ખોઈને પરમાત્મા સાથે લીન થવાની તેમની અનુભૂતિ તેમનું અદકેરું વ્યક્તિત્વ ખડું કરે છે.
સંગીતનું સ્વરજગત, ક્ષરદેહી માનવજીવનને તેના ઉત્કર્ષના માર્ગે મદદરૂપ થાય તે સમજાય તેવું છે. પછી સંગીતનું વૈવિધ્ય હોઇને પ્રેમી પોતાની રુચિ અને શક્તિ પ્રમાણે ગાય પણ ખરો. સાતમા ધોરણમાં ભણતી વખતે પપ્પાએ હાર્મોનિયમ લાવીને ગિફ્ટ કરેલ ત્યારથી જ રીમાબેનની સંગીત પ્રત્યેની રુચિને જાણે વાચા મળી ગઈ. શાળામાં પણ કોઈ - કોઈ દિવસ લેક્ચર બંક કરીને સંગીત શીખવામાં સમય વિતાવેલો. દસમા ધોરણમાં સંગીતમાં અવ્વલ માર્કસ આવ્યાં જેથી બ્રહ્મસમાજ દ્વારા મળેલ ગોલ્ડ મેડલ સંગીતનું તેમનું પહેલું ખિતાબ હતું. સંગીતને તે જ વખતે પ્રોફેશન બનાવવાની ખેવના તેમણે સેવી હતી, જે આજ સુધી અકબંધ છે.
2020 નું વર્ષ સમગ્ર વિશ્વ માટે ખરાખરીનો વર્ષ થવાનો! ને તે રીમાબેન માટે પણ ઘણા પડકારોને
સામે ખડા કર્યા.
જાન્યુઆરીમાં કેન્સરની જાણ થઈ. પ્રારંભિક તબક્કે જ જાણ થઈ એટલે તેમને ખાતરી મળી કે યોગ્ય સારવારથી કેન્સર અસાધ્ય રોગ સાબિત નહીં થાય. નિદાનથી ઓપરેશન માટે ટેસ્ટ રિપોર્ટ કરાવ્યાં અને બોનસમાં બીજી બીમારી પણ બહાર આવી, કિડનીમાં 15 MMની પથરી!! પથરીના ઓપરેશન વગર કેન્સરની સારવાર થાય નહીં તેવું ડોક્ટરે કીધું એટલે તેમને ઉપરાઉપરી બે ઓપરેશન કરાવવાં પડ્યાં. કહેવાય છેને કે, “માણસને જીવનના એવા અટપટા સંજોગોમાંથી પસાર થવું પડે છે, પરિણામે એનું કાંઠું બંધાઈ જાય છે પરંતુ કાઠું એ માણસનો આખરી સ્વર નથી.”
રીમાબેને તો પહેલા જ ઓપરેશન વખતે ડોક્ટરને કહેલું કે, ‘14મી ના આપણે સાથે મળીને આઈસીયુમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરીશું.’ ભયને જાણે કોઈ અવકાશ જ નહીં! ઓપરેશન પછીની રેગ્યુલર થેરાપી તેઓ લઈ રહ્યા છે ત્યારે જરૂરી શારીરિક ફેરફારો પણ દેખાવાં લાગ્યા છે પણ રીમાબેન જાણે શારીરિક ફેરફારોને માત્ર ફેરફાર જ ગણ્યા; બસ એટલું જ! બાકી તેનાં લીધે એમનાં માનસિક વિચારોમાં રતીપર પણ ફેરફાર થયો નથી.
અંતઃપરીક્ષણ થઇ ચૂકેલું અને સંગીતની મોહગ્રસ્તતા તેમનાથી છૂટી પડવાની નથી એટલે અંતિમ શ્વાસ સુધી સંગીતની સાધના કરતા રહેવાની તેમની અપ્રીતમ ચાહત છે, તેના માટે રીમાબેન કહે છે કે, ‘સંગીતથી બાહ્ય અભિમાન આવ્યું નથી ને આંતરપીડાની કોઈ જ અસર મને થઈ નથી. તલવારના ઘા જાણે સોયથી જતા રહ્યા. આ પરિસ્થિતિમાં સંગીતથી જ ‘હીલિંગ પાવર’ મળ્યું છે. સંગીતથી જ પ્રસિદ્ધિ અને ખ્યાતનામ હોદ્દાઓ પણ મને પ્રાપ્ત થયાં છે અને પુરસ્કારો તો મજુસ ભરાય એટલા મળી ચૂક્યા છે. ગાયક ગુજરાત, આઇડલ ઓફ ગુજરાત, સિંગિંગ સિતારે જેવા રિયાલ્ટિ શોમાં નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી છે અને આકાશવાણી ભુજ સાથે તો સુગમ સંગીતની યાત્રાને બે દાયકાથી વધુ સમય થઈ ગયો.
રીમાબેન
કહે છે કે, “દરેક કાર્યમાં પરિવારની ખુશી ખૂબ જરૂરી હોય છે એટલે જ
પરિવારનાં સાથ – સહકાર થકી મને પડકારો નડતાં નથી. એમાં પણ જ્યારે સાસુનાં રૂપમાં
બીજી માં મળી હોય ત્યારે એમનું વાત્સલ્ય જ મને હકારાત્મક વલણ રાખવાં પ્રેરે છે.
પરિવારમાં સૌ એમજ કહે કે, ‘રીમા અમારી “એનર્જી બુસ્ટર” છે. અમારો પહેલેથી નિયમ એટલે કુટુંબીજનો મહિને એકથી વધુ વાર ભેગા મળવાનું રાખે પણ લોકડાઉનમાં મહિનાથી વધુ સમય નીકળી ગયો. આ સમયે પણ રીમાએ ઓનલાઇન અંતાક્ષરી યોજીને એ નિયમ તૂટવા ન દીધો.
લોકડાઉન એ લોકોની નાહક ઉઠક-બેઠક થોભાવી દીધી. સામે સ્વભાવમાં આક્રમકતા કે અભિક્રમ લેવાની વૃતિ હતી જ નહીં એટલે આ સમસ્યાને પણ રીમાબેને તકમાં બદલી દીધી. જ્યારે એપ્રિલના લોકડાઉન લંબાવાયું ત્યારે ઓનલાઇન ક્લાસીસ ચાલું કરીને બાળકો સાથે સંગીતની સાધનાનો નિત્યક્રમ નિર્મિત કર્યો. હાલમાં આ ક્લાસીસની સાથે સ્વામિનારાયણ મંદિરના મહિલાસંતોને સંગીત સાધનાની તાલીમ પણ તેઓ આપી રહ્યાં છે. આ સંદર્ભે તેઓ કહે છે કે, ‘મારા જીવનનો આદર્શ સમગ્રતયા જીવવા જોવાનો રહ્યો તેથી સંગીત પ્રત્યેની રુચિ પણ કદી મર્યાદામાં રહી જ નથી.’
નિઃશબ્દપણે લાગણીનો અવર્ણનીય
પ્રવાહ વહાવતાં રીમાબેનની સંગત મને જ નહીં પણ સૌને વહાલી લાગે તેવી છે. જેની સાથે ક્ષણભરની વાતો કલાકોમાં
ફેરવાઈ જાય, ખબર જ ના રહે. વર્ષો સુધી સંગીત પ્રત્યેની વિરલ નિષ્ઠા અને અણીશુદ્ધ
પ્રમાણિકતા ધરાવનાર રીમાબેન ભટ્ટનું વ્યક્તિત્વ ખરેખર પ્રેરકબળ પૂરું પાડનારું છે.
કૉલમ- "પાંજી બાઈયું"
પ્રકાશિત: મધુરિમા પૂર્તિ, દિવ્ય ભાસ્કર કચ્છ એડિશન
તારીખ: 16/06/2020
No comments:
Post a Comment